કોરોનાની સારવારના બિલ મામલે ડો.જીજ્ઞેશ વિસાવાડીયાને લગ્ન પ્રસંગમાં શખ્સે ફડાકા ઝીંક્યા
સાધુવાસવાણી રોડ પર ઓકટાગોન ફ્લેટ નંબર બી-401 માં રહેતા ડો. જીગ્નેશભાઈ વિજયભાઈ વિસાવાડીયા(ઉ.વ 32)એ ફરિયાદમાં આરોપી તરીકે ભરતસિંહ હેમંતસિંહ ડાભીનું નામ આપતા યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો.
જીગ્નેશભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, આજથી બે વર્ષ પૂર્વે કોરોના સમયે તેઓ મેટોડા જીઆઇડીસીમાં આવેલી સંજીવની હોસ્પિટલમાં સેવા આપતા હતા.ત્યારે દર્દી હેમંતસિંહ ડાભીની કોરોનાની સારવારના બિલ બાબતે તેના પુત્ર ભરતસિંહ ડાભી તેમની સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો પરંતુ જે તે સમયે હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા આ બાબતનું સમાધાન કરાવી દીધું હતું. પરંતુ ત્યારબાદથી ભરતસિંહ અવારનવાર તબીબને ફોન કરી ગેરવર્તન કરતો હતો જેથી તેનો નંબર બ્લોક કરી નાખતા છેલ્લા એકાદ વર્ષથી કોઈ સંપર્ક ન હતો.
દરમિયાન ડોક્ટર જીગ્નેશભાઈ વિસાવાડીયા ગઈકાલે 150 ફૂટ રીંગ રોડ પર ડીલાઇટ પાર્ટી પ્લોટમાં ડોક્ટર મૌલિક સંચાણિયાના લગ્ન પ્રસંગમાં ગયા હતા સાંજના આઠેક વાગ્યે તેઓ પરિવાર સાથે અહીં પહોંચ્યા હતા. દરમિયાન અહીં અચાનક આરોપી ભરતસિંહ ડાભી પણ આવી પહોંચ્યો હતો અને તેણે તબીબને કહ્યું હતું કે, તું મારો ફોન ઉપાડતો કેમ નથી તેમ કહી ગાળો આપી બે લાફા મારી દીધા હતા અને કહેવા લાગ્યો હતો કે તું જ્યાં ભેગો થઈશ ત્યાં હું તને મારીશ.
રાજકોટ મુકાવી દઈશ જો રાજકોટમાં રહીશ તો જીવતો નહીં રહેવા દઉં તેવી ધમકી આપી હતી.મહેમાનો એકત્ર થઈ જતા તબીબને વધુ મારમાંથી બચાવ્યા હતા ત્યારબાદ તબીબે આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે. બનાવા અંગે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ ઈકબાલભાઈ મોરવાડિયા ચલાવી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.