રાજકોટમાં સરકારી ગોડાઉનમાં આગ: ધડાકા સાથે સિલિન્ડર ફાટયા
રાજકોટ શહેરમાં રેલવે જંકશન નજીક આવેલા રાજ્યના નાગરિક પુરવઠા નિગમનાં ગોડાઉનમાં આજે મોડીરાત્રે આગ ભભૂકી ઉઠી હતી. અંદર રહેલા ગેસ સિલિન્ડરો પૈકી પાંચ સિલિન્ડર પ્રચંડ ધડાકા સાથે ફાટતા આસપાસનો વિસ્તાર હચમચી ઉઠયો હતો. કોઈ ભૂર્ગભીય બ્લાસ્ટ થયાનું માની નિંદ્રાધિન લોકો સફાળા જાગી ભયભીત બની ગયા હતા. ફાયરબ્રિગેડની ત્રણ ફાયર સ્ટેશનોની ટીમોએ ત્રણ કલાક જહેમત ઉઠાવી વ્હેલી સવારે આગ પર કાબુ મેળવ્યો હતો. બનાવના પગલે પુરવઠા નિગમના અધિકારીઓ, પોલીસ દોડી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ આજે રાત્રીના ત્રણેક વાગ્યા બાદ ગોડાઉનમાં આગ ભભૂકી હતી. બંધ ગોડાઉનમાં અંદર આગ લાગી હોય બહાર કોઈને ધ્યાન પડયું ન હતું. ગોડાઉન રેલવે સ્ટેશનથી આગળ આવેલું છે. અંદર સરકારી વિભાગો દ્વારા જપ્ત કરાયેલી વસ્તુઓ, દસ્તાવેજો, કાગળો તેમજ બારદાનનો જથ્થો રખાયેલો છે. આ ઉપરાંત કલેકટર તંત્રના પુરવઠા વિભાગ તેમજ પોલીસ દ્વારા રાંધણગેસના જપ્ત કરેલા 29 સિલિન્ડર રાખવામાં આવ્યા હતા.
આગ લાગતા અંદર રહેલા કાગળો-દસ્તાવેજો, રદ્દી પસ્તીનો જથ્થો સળગવા લાગ્યો હતો. થોડીવારમાં જ અંદર આગની લપેટમાં ગેસના સિલિન્ડર આવ્યા હતા. અંદર સિલિન્ડરો ધડાકાભેર ફાટવા લાગ્યા હતા. પાંચ સિલિન્ડર બ્લાસ્ટ થતાં પ્રચંડ ધડાકા થયા હતા. મોટા અવાજ, બોમ્બ બ્લાસ્ટર કે કોઈ ભૂગર્ભિય હલચલ બ્લાસ્ટ થયા હોય તેવા ધડાકાથી આસપાસનો વિસ્તાર આખો હચમચી ઉઠયો હતો.
અવાજ થતાં રહેવાસીઓ જાગી ગયા હતા. નજર કરતા ગોડાઉન ભળભળ સળગી રહ્યું હતું. નજીકમાં રેલવે પોલીસ મથક આવેલું છે ત્યાંના પોલીસ કર્મીઓ પણ દોડી ગયા હતા. વિજયભાઈ નામના વ્યક્તિએ સાડાત્રણેક વાગ્યાના અરસામાં ફાયર બ્રિગેડને જાણ કરતા મુખ્ય મથકથી ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ તથા જરી સાધનો સાથે સ્ટાફ દોડી ગયો હતો. આગ વધુ ભિષણ હોવાથી અન્ય ફાયર સ્ટેશનોની મદદ લેવાઈ હતી.
બેડીપરા અને રેલનગર ફાયર સ્ટેશન પરથી પણ ફાયર ફાઈટર સાથે સ્ટાફ દોડી આવ્યો હતો. ત્રણ-ત્રણ ટીમોએ જીવના જોખમે આગ બુઝાવવાની કામગીરી આરંભી હતી. અંદર રહેલા 29 ગેસ સિલિન્ડર પૈકી 24ને સલામત રીતે બહાર કાઢી લેવાયાહતા. આગની જાણ થતાં પુરવઠા નિગમના અધિકારીઓ સ્ટાફગણ રાત્રે જ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
પુરવઠા નિગમના મામલતદાર દેવેનભાઈ ગોહેલના કહેવા મુજબ ગોડાઉન બંધ હાલતમાં છે. અંદાજે 250 ટનથી વધઉ અનાજ સમાય તેટલી કેપેસિટી છે. અંદર હાલમાં કોઈ સરકારી અનાજનો જથ્થો ન હતો પરંતુ કલેકટર તંત્ર, પોલીસ દ્વારા સિઝ કરાયેલા 29 ગેસ સિલિન્ડર રખાયા હતા. તેમજ સરકારી જૂનુ ફર્નિચર, અન્ય દસ્તાવેજી કાગળો જો કે, જેમા મહત્તમતો રદ્દી થયેલા દસ્તાવેજી કાગળો જ હતા, આગ પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટથી લાગી હોવાનું જાણવા મળે છે.
ગોડાઉનમાં કોઈ ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. આગ વ્હેલી સવાર સુધી કામગીરી કરી ફાયર બ્રિગેડ ટત્તીમે કાબુમાં લીધી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.