રૈયા રોડ પર જાહેરમાં ગેસ વેલ્ડિંગ સમયે ગેસનો બાટલો ફાટયો: પોલીસે ગુનો નોંધ્યો
શહેરના રૈયા રોડ પર આવેલી દીપક સોસાયટીમાં જાહેરમાં એક શખસ ગેસ વેલ્ડિંગનું કામ કરતો હોય દરમિયાન ગેસનો બાટલો ફાટયો હતો.જોકે સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.આ મામલે જાગૃત નાગરિકે પોલીસને જાણ કરતા પોલીસે બનાવસ્થળે પહોંચી આ રીતે લોકોની સલામતી જોખમમાં મૂકાઇ તે રીતે બેદરકારીભર્યું કૃત્ય કરવા બદલ પોલીસે તેની સામે ગુનો નોંધી કાયદેસની કાર્યવાહી કરી હતી. ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન કંટ્રોલરૂમ તરફથી કોલ મળ્યો હતો કે,રૈયા રોડ પર આવેલી દીપક સોસાયટીમાં શેરી નં.9 માં એક શખસ જાહેરમાં ગેસ વેલ્ડિંગનું કામ કરતો હોય અને આ દરમિયાન ગેસનો બાટલો ફાટયો છે.
જેથી પોલીસ તાકીદે અહીં પહોંચી ગઇ હતી.પોલીસ અહીં પહોંચતા એક શખસ વેલ્ડિંગના સામાન સાથે બેઠો હોય તેનું નામ પુછતા તેણે પોતાનું નામ વસંત રામાભાઇ લટાર(ઉ.વ 42 રહે.શીવપરા શેરી નં.9) હોવાનું જણાવ્યું હતું.પોલીસે આજુબાજુમાં તપાસ કરતા આ ગેસનો બાટલો ફાટવાથી કોઇ ઇજા થઇ ન હોવાનું માલુમ પડયું હતું.પરંતુ આ શખસે આવી રીતે જાહેરમાં લોકોની સલામતી જોખમમાં મૂકી ગેસના વેલ્ડીંગનું કામ કરતો હોય કોન્સ.હાર્દિકભાઇ રાજાભાઇ સાંગાની ફરિયાદ પરથી પોલીસે આ શખસ સામે આઇપીસીની કલમ 336 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ એન.બી.ડોડીયા ચલાવી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.