ખાડાના પેટા કોન્ટ્રાક્ટરની ધરપકડઃ જેલહવાલે
રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે અકસ્માતમાં મૃત્યુ પામનાર આશાસ્પદ યુવાન હર્ષ રમેશચંદ્ર ઠક્કરના પિતા અશ્વિનભાઇ રમેશચંદ્ર ઠક્કર (ઉ.વ.૫૪)એ આ ઘટનામાં બેદરકારી અંગે ફરિયાદ દાખલ કરાવી હતી. ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી હતી અને એ દરમિયાન મહાનગર પાલિકાએ કમિટી રચી કોન્ટ્રાક્ટર સહિતના નિવેદનો લઇ રિપોર્ટ પોલીસને સોંપ્યો હતો. આ ગુનામાં પેટા કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને જેલહવાલે થયાનું જાણવા મળ્યું છે.
ગત તા. ૨૭/૧/૨૩ના રોજ રૈયા રોડ ટેલિફોન એક્ષચેન્જ પાસે સવારે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. માધાપર ચોકડી નજીક રહેતો ઠક્કર પરિવારનો યુવાન પુત્ર હર્ષ (ઉ.વ.૨૧) બાઇક સહિત ખાડામાં ખાબકતાં માથામાં પિલોરની ખિલાસરીનો સળીયો ખૂંપી જતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવાનને ઇજા થતાં હાથ ભાંગી જતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુવાન જે ખાડામાં ખાબક્યો તે મહાનગર પાલિકા દ્વારા પિલોર ઉભા કરવાની કામગીરી માટેનો હતો. તેના ફરતે બેરીકેટ પણ રાખવામાં આવી ન હોઇ બેદરકારીને કારણે જીવલેણ અકસ્માત સર્જાયાનો અને પુત્ર ગુમાવ્યાનો આક્રોશ મૃતકના પિતાએ વ્યક્ત કર્યો હતો. આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે મૃતક યુવાનના પિતાની ફરિયાદને આધારે મહાનગર પાલિકાના જવાબદાર કર્મચારીઓ તથા તપાસમાં ખુલે તેની વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.
આ બનાવમાં મહાનગર પાલિકાની તપાસ કમિટીનો રિપોર્ટ મળ્યા બાદ ગાંધીગ્રામ પોલીસે પેટા કોન્ટ્રાક્ટર પારેવડી ચોકમાં રહેતાં કિશોરભાઇ પાલભાઇ જાદવ (ઉ.વ.૬૦)ની ધરપકડ કરી હતી. જેને કોર્ટમાં રજુ કરવામાં આવતાં જેલહવાલે થઇ ગયાનું જાણવા મળ્યું છે. ગાંધીગ્રામ પોલીસ વિશેષ તપાસ કરે છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.