Rajkot : નવા જંત્રીદરના આધારે ત્રણ વર્ષ સુધી પ્રોપર્ટી ટેકસ નહીં વધે : મનપા શાસકોનું એલાન
રાજકોટ મહાનગરની જનતા પર નવા નાણાંકીય વર્ષના બજેટથી રૂા.40 કરોડ જેવો પાણી-મિલ્કત સહિતનો વેરો વધારો મંજૂર થઇ ગયો છે ત્યારે સરકારે જાહેર કરેલી નવી જંત્રીના કારણે ગમે ત્યારે લાગુ થઇ શકતો મિલ્કત વેરામાં વધારો અમદાવાદની જેમ જ રાજકોટમાં પણ ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી પ્રજા ઉપર લાગુ કરવામાં નહીં આવે તેવું આજે ભાજપ શાસકોએ જાહેર કર્યુ છે.
સરકારે જંત્રીમાં 100 ટકા વધારો જાહેર કર્યા બાદ ખુબ વિરોધના કારણે હવે સંભવિત ફેરફાર સાથે એપ્રિલથી અમલ થાય તેમ છે ત્યારે જો નવા જંત્રીદર હાલ મિલ્કત પર લાગુ કરવામાં આવે તો 200થી 250 કરોડનો મિલ્કત વેરો રાજકોટમાં વધી જાય તેમ હોય, આ નિર્ણય લેવાયાનું પદાધિકારીઓ અને કમિશ્નરે જણાવ્યું હતું.
ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ, કમિશ્નર અમિત અરોરાએ આજે માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારે નવી જંત્રીની જાહેરાત કરી છે અને એપ્રિલથી લાગુ થાય તેમ છે. દરેક કોર્પોરેશનમાં કાર્પેટ એરીયા મુજબ જુદા જુદા ફેકટર અને ગ્રેડના આધારે જંત્રીને બેઝ બનાવીને મિલ્કત વેરાના દર લાગુ થાય છે. લોકેશન, ફેકટર વગેરેના આધારે રાજકોટને એબીસીડી એમ ચાર ભાગમાં 2700 બ્લોકમાં વહેંચવામાં આવ્યું છે. અંદાજે 5.57 લાખ મિલ્કતોનો વેરો દર વર્ષે કોર્પોરેશનના ચોપડે ચડત થાય છે.
દરમ્યાન આ વર્ષે મનપા ઉપર વધેલા ખુબ જ નાણાંકીય બોજ, પાણી સહિતની સેવાઓમાં વધતા જતા ખર્ચના પગલે પાણી વેરા અને મિલ્કત વેરામાં વધારો કરવા નિર્ણય લેવાયો છે. ખુલ્લા પ્લોટ, કોમર્શિયલમાં ગાર્બેજ ટેકસ વધારવામાં આવ્યા છે. એકંદરે શાસકોએ પાણી વેરા સિવાય મોટા ભાગે કોમર્શિયલ મિલ્કતોને અસર થાય તે રીતે નવું કરમાળખુ મંજૂર કર્યુ છે. જે આવતીકાલના જનરલ બોર્ડમાં મંજૂર થશે.
દરમ્યાન સરકારે પૂરા રાજયમાં મિલ્કતોના જંત્રીદર ડબલ કરવા જાહેરાત કરતા મકાન ખરીદવા માંગતા મધ્યમ વર્ગથી માંડીને બિલ્ડર લોબીમાં ફફડાટ મચ્યો હતો. એસો. દ્વારા સ્થાનિક કક્ષાએથી માંડી મુખ્યમંત્રી સુધી રજુઆતો કરાતા હાલ એપ્રિલ સુધી નવો અમલ મોકુફ રખાયો છે. હવે જંત્રીની ગણતરીમાં કેટલાક સુધારાની આશા છે. પરંતુ કોર્પો.ને એફએસઆઇની આવક પણ જંત્રી આધારીત થતી હોય, આ જાહેરાતથી જ 100 કરોડની આવકનો અંદાજ વધારી દેવામાં આવ્યો છે. તો મિલ્કત વેરાની પાયાની ગણતરીમાં જંત્રીદર મુખ્ય આધાર હોય, અત્યારની જાહેરાત મુજબ આ દર ડબલ થઇ જાય તેમ છે.
જો કોર્પોરેશન સીધો આ બમણો જંત્રીદર લાગુ કરે તો સાડા પાંચ લાખથી વધુ મિલ્કતનો વેરો ડબલ સુધી વધી જાય તેમ છે. એકંદરે કોર્પો.ની આવકમાં 200થી 250 કરોડનો વધારો (પ્રજા પર બોજ) થઇ શકે તેમ છે. પરંતુ મનપાના શાસકોએ ત્રણ વર્ષ સુધી નવી જંત્રી આધારીત મિલ્કત વેરા દર લાગુ નહીં કરવા નિર્ણય કર્યો છે. રાજકોટમાં 25 ટકા જેટલી મિલ્કતો એરીયાના એ-ગ્રેડમાં આવે છે.
તો 75 ટકા મિલ્કત બી, સી અને ડી ગ્રેડમાં આવે છે. એ સિવાયની મિલ્કતો ઉપરના ગ્રેડમાં નવી જંત્રીના કારણે ચડી શકે તેમ હોય આ 75 ટકા મિલ્કતનો વેરો તો વધી જ શકે છે. આમ એકંદરે સ્લમથી માંડી આવાસ યોજના અને મધ્યમ વર્ગના લોકોની મિલ્કતને ધ્યાને લઇ જંત્રી આધારીત વેરો વધારવામાં નહીં આવે તેવી ખાતરી અપાઇ છે. અમદાવાદ કોર્પોરેશને સૌ પહેલા આવી જાહેરાત કરી હતી. હવે રાજકોટ કોર્પો.એ પણ પ્રજાને હજુ નહીં આવેલી આફતથી બચાવવા વચન આપ્યું છે.
જોકે મિલ્કત વેરો દર વર્ષે બજેટમાં બીજા રસ્તે તો વધી જ શકે છે. એરીયા ફેકટર, ભારાંક, રહેણાંક અને કોમર્શિયલ મિલ્કતના દરના આધારે કરવેરામાં વધારાની દરખાસ્ત કરી શકાય છે. જે પ્રમાણે આ વખતે બજેટમાં કરવેરા વધારવામાં આવ્યા છે. હાલ જંત્રી પૂરતી વેરા વધારવાની ચિંતા નહીં કરવા તંત્રએ લોકોનોે આશ્વાસન આપ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.