ચાલુ સિટી બસે લેડી કંડકટરને ચક્કર આવી જતા ઢળી પડ્યા, પેસેન્જર સહિતની બસ હોસ્પિટલે લઈ જવાઈ - At This Time

ચાલુ સિટી બસે લેડી કંડકટરને ચક્કર આવી જતા ઢળી પડ્યા, પેસેન્જર સહિતની બસ હોસ્પિટલે લઈ જવાઈ


રાજકોટમાં ચાલુ બસે સિટી બસના મહિલા કંડકટરને ચક્કર આવી ગયા હતા. જેથી પેસેન્જર સહિતની બસ હોસ્પિટલે લઈ જવાઈ હતી. સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં તત્કાલ સારવાર અપાઈ હતી.બનાવની વિગત મુજબ આજે સવારે 11 વાગ્યા આસપાસ અચાનક એક સિટી બસ રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ સુધી દોડી આવી હતી. હોસ્પિટલ સ્ટાફ તુરંત સ્થિતિને સમજી ગયો હોય એક સ્ટેચર બસ સુધી દોડવાયું હતું.
બસમાંથી એક 20 વર્ષીય યુવતીને બેભાન હાલતમાં ઇમરજન્સી વોર્ડમાં ખસેડાઈ હતી જ્યાં તબીબોએ ચકાસી સારવાર કરી હતી અને ગ્લુકોઝની બોટલો આપી હતી. દરમિયાન સિવિલ હોસ્પિટલ ચોકીનો પોલીસ સ્ટાફ પણ દોડી ગયો હતો. ઘટના અંગે બસ સવાર પેસેન્જરોએ જણાવ્યું હતું. કે આ સિટી બસ એસઆરપી કેમ્પથી કોઠારીયા ચોકડી રૂટની બસ છે. જે યુવતીને સારવારમાં લઇ જવાઈ છે તે બસની કંડકટર છે. બસના ડ્રાઇવર દિનેશભાઈ જેઠવાના જણાવ્યા મુજબ લેડી કંડકટરનું નામ છાયાબેન અમરશીભાઈ લીંબાણી (ઉ.વ.20) છે. તેણી રામાપીર ચોકડી વિસ્તારમાં રહે છે.
આજે સવારે 10.30 વાગ્યે બસ બહુમાળી ભવન પાસે પહોંચી હશે ત્યારે છાયાબેનને અચાનક ચક્કર આવી જતા તેઓ ઢળી પડ્યા હતા. પેસેન્જરોએ દેકારો કરતા મેં બસ રોકી હતી. સ્થિતિ જોઈ તુરંત બસને સિવિલ હોસ્પિટલમાં લાવી હતી. બનાવના પગલે પેસેન્જરો સાથેની બસ થોડી વાર હોસ્પિટલમાં રોકાઈ હતી જે પછી છાયાબેનના પરિવારજનો આવી જતા બસ તેના રૂટ પર રવાના કરાઈ હતી. આ તરફ તબીબોએ જણાવ્યું કે બ્લડ પ્રેસર લો થઈ જવાથી લેડી કંડકટરને ચક્કર આવી ગયા હતા. તેમને સારવાર આપી હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.