કાલે જનરલ બોર્ડમાં નવા કરબોજને મંજૂરી : વિરોધ માટે વિપક્ષ તૈયાર - At This Time

કાલે જનરલ બોર્ડમાં નવા કરબોજને મંજૂરી : વિરોધ માટે વિપક્ષ તૈયાર


રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની બજેટ સભા આવતીકાલે સવારે 11 કલાકે મેયર ડો.પ્રદીપ ડવના અધ્યક્ષસ્થાને મળવાની છે. જેમાં નવા વર્ષમાં લાગુ કરવાના નવા કરવેરા સહિતની 13 દરખાસ્તો મંજૂર કરવામાં આવશે.
આ સાથે નવા નાણાંકીય વર્ષથી મંજૂર કરવામાં આવેલા 40 કરોડના કરબોજને પણ મંજૂરી મળી જવાની હોય, વિરોધ પક્ષ કોંગ્રેસ આ કર દરખાસ્તનો વિરોધ નોંધાવશે. પરંતુ બોર્ડમાં હવે ભાજપના 68 અને કોંગ્રેસના માત્ર બે સભ્યનું સંખ્યાબળ હોય, આ વધારો બહુમતીએ મંજૂર થઇ જશે.
2023-24ના 2637.80 કરોડના બજેટને ગત તા. 9ના રોજ સ્ટે.ચેરમેન પુષ્કર પટેલે મંજૂરી આપી હતી. 15 વર્ષ બાદ રહેણાંક મકાનમાં પાણીવેરો રૂા.840માંથી 1500 અને કોમર્શિયલમાં આ વેરો રૂા.1680ના 3000 કરવામાં આવ્યા છે. પ્રથમ વખત 500 ફુટથી મોટી કોમર્શિયલ મિલ્કતમાં બીલના 10 ટકા પર્યાવરણ ચાર્જ દાખલ કરવામાં આવ્યો છે.
રહેણાંક મિલ્કત વેરો યથાવત રાખીને કોમર્શિયલમાં દર રૂા.22ના 25 કરવામાં આવ્યા છે. છતાં અમુક ફેકટરમાં ફેરફાર કરવામાં આવ્યા હોય અને એજ ફેકટરમાં ભાગ પાડવામાં આવ્યા હોય, તમામ મિલ્કતમાં નાનો મોટો વેરા વધારો થવાનો જ છે.
કોમર્શિયલમાં ગાર્બેજ કલેકશન ટેકસ રૂા. 730ના 1460 કરવામાં આવ્યા છે. તો ખુલ્લા પ્લોટ ઉપર અને થિયેટર ટેકસમાં પણ વધારો કરવામાં આવ્યો છે. કાલની મીટીંગના એજન્ડા પર નવા વર્ષના કરવેરાની 9 દરખાસ્તો રહેલી છે. તો બાકી વેરામાં હપ્તાની સેટલમેન્ટ સ્કીમ, દર વર્ષની જેમ આ વર્ષે પણ એડવાન્સ વેરામાં વળતર, ઓનલાઇન પેમેન્ટમાં પ્રોત્સાહન અને શિક્ષણ સમિતિના નવા વર્ષના અંદાજપત્રને મંજૂર કરવાની દરખાસ્ત પણ શુક્રવારે મંજૂર કરવામાં આવશે.
આવતીકાલે જનરલ બોર્ડમાં તમામ દરખાસ્તો મંજૂર થાય એટલે નવા વર્ષના બીલમાં નવો વધારો થઇ જવાનો છે. એક તરફ પાણી સહિતની સેવાઓમાં ફરિયાદોનો ઘટાડો થતો નથી અને હવે નવી જંત્રીથી એફએસઆઇની આવકમાં આપોઆપ મોટો વધારો થવાનો છે, ત્યારે પ્રજા ઉપર કરવેરા વધારવાની જરૂર નથી તેવો કોંગ્રેસનો મત છે. આવતીકાલના બોર્ડમાં વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી અને કોંગી કોર્પોરેટર મકબુલ દાઉદાણી કરવેરાની દરખાસ્તનો વિરોધ કરે તેવી શકયતા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.