સ્માર્ટ સિટીમાં સરકારી જમીન પરનું દબાણ દૂર, ભૂમાફિયાના નામ ફરી ગુપ્ત
એન્ટિ લેન્ડ ગ્રેબિંગ એક્ટનો ઉપયોગ કરવામાં ખુદ તંત્ર જ વામણું સાબિત થયું
રાજકોટ શહેરમાં રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં ડ્રીમ સિટી નજીક આવેલા સરકારી ખરાબામાં 45000 ચોરસ મીટરથી વધુની વિશાળ જગ્યામાં દુકાનો, મકાનોના દબાણ ખડકાયા હતા જેને વહીવટી તંત્રએ દૂર કરીને 230 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવી છે.
તંત્રના જણાવ્યા અનુસાર રૈયાના સરવે નં. 318, ટી.પી. સ્કીમ નં.22માં સરકારી ખરાબાની 45870 ચો.મી. જગ્યા પર 50થી વધુ કાચા મકાન તેમજ ગેરેજ, એલ્યુમિનિયમ સ્ક્રેપ તેમજ કોમર્સિયલ બાંધકામોનું ડિમોલિશન હાથ ધરાયું હતું. ડિમોલિશન બાદ જે પણ કાટમાળ ભેગો થયો હતો તેને રાજકોટ મહાનગરપાલિકાએ બુલડોઝર અને ટ્રેક્ટર વડે બાંધકામ વેસ્ટનો નિકાલ કરાયો હતો.
આ દબાણ હટાવ્યા બાદ વહીવટી તંત્રએ એ જ જૂનું નિવેદન વાગોળ્યું હતું કે, હવે ફરી આ જ લોકો ફરી એ જ જગ્યા પર દબાણ કરશે તો લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરશે. ગુનો દાખલ કરવાની વાત તો દૂર રહી વહીવટી તંત્ર દબાણકારોના નામ પણ જાહેર કરી શકતું નથી. મસમોટા દબાણ હોય, ખેતર બનાવી નાખ્યા હોય તો પણ ભૂમાફિયાઓના નામ જાહેર ન કરી તંત્ર ભૂમાફિયાઓની ‘ઈજ્જત’ ઢાંકી રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.