રાજકોટની ચાર યુવતીએ પવનના સુસવાટા વચ્ચે દ્વારકાથી શિવરાજપુરનો 15 કિ.મી. દરિયો સવા ચાર કલાકમાં પાર કર્યો
યુવતીઓએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત વધુ એક વખત અરબ સાગરમાં ધુબાકા માર્યા
એક વર્ષ પૂર્વે દ્વારકાથી સોમનાથના અરબ સાગરમાં 150 નોટિકલ માઇલ (215 કિ.મી.) તરીને સૌરાષ્ટ્રના 10 તૈરાકીઓએ અનોખી સિદ્ધિ મેળવી હતી. ત્યારે વધુ એક વખત રાજકોટની મૈત્રી જોશી, વેનેસા શુક્લ, બાંસુરી મકવાણા, પ્રિશા ટાંકે દ્વારકાથી શિવરાજપુરનો દરિયો ખેડ્યો છે.
રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે તરણ સ્પર્ધામાં ડંકો વગાડનાર રાજકોટની ચારેય યુવતીએ એક જ વર્ષમાં ત્રણ-ત્રણ વખત આ દરિયાના પાણી ડખોળ્યા હોય તેમના માટે હવે આ દરિયો સ્વિમિંગ પૂલ બની ગયો છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત અને ખાસ કરીને સૌરાષ્ટ્રનો વિશાળ દરિયાકાંઠો સ્વચ્છ રહે તે ઉદ્દેશ સાથે રવિવારે સવારે ચારેય યુવતીએ દરિયાના ઠંડા પાણીમાં છલાંગ મારી હતી. દ્વારકાથી સવારે 8.30 વાગ્યે દરિયામાં ઝંપલાવ્યા બાદ ચારેય યુવતીએ શિવરાજપુર બીચ સુધીનો 15 કિ.મી.નું અંતર 12.30 પૂર્ણ કરી લીધું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.