10 ફેબ્રુઆરી- વિશ્વ પલ્સિસ ડે નિમિત્તે આવો જાણીયે દાળના લાભ - At This Time

10 ફેબ્રુઆરી- વિશ્વ પલ્સિસ ડે નિમિત્તે આવો જાણીયે દાળના લાભ


“10 ફેબ્રુઆરી- વિશ્વ પલ્સિસ ડે” નિમિત્તે આવો જાણીયે દાળના લાભ

રોજ દાળ ખાવાથી રહો તંદુરસ્ત : દાળ પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ સહિતના પોષક તત્વોનો ઉત્તમ સ્રોત

વિશ્વ પલ્સ ડેની આ વર્ષની થીમ છે “સક્ષમ ભાવિ માટે કઠોળ(પલ્સિસ) અનિવાર્ય”

યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ વૈશ્વિક ખોરાક તરીકે ચણા, સૂકા કઠોળ અને દાળ જેવા કઠોળ પાકોના મહત્વને ઓળખવા માટે 10 ફેબ્રુઆરીને વિશ્વ કઠોળ દિવસ તરીકે નિયુક્ત કર્યો છે. આ દિવસને લોકોમાં પોષણક્ષમ આહારમાં કઠોળનો પણ સમાવેશ કરવા બાબતે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. વિશ્વ પલ્સ ડેની 2023નાં વર્ષની થીમ છે “સક્ષમ ભવિષ્ય માટે કઠોળ(પલ્સિસ) જરૂરી”.
ત્યારે આજે આપણે વાત કરીશું ખોરાકમાં દાળના ફાયદાઓ વિશે. દાળ સ્વાદથી ભરપૂર અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ જ કારણ છે કે ભારતીય ઘરોમાં દાળ ચોક્કસપણે બનાવવામાં આવે છે. પોષક તત્વોથી ભરપૂર દાળને આહારમાં સામેલ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. દાળ પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ સહિતના પોષક તત્વોનો ઉત્તમ સ્રોત છે. દાળના અઢળક ફાયદા છે, દાળ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરીને તમને સ્વસ્થ રાખે છે.
દરેક પ્રકારની દાળ ગુણોથી ભરપૂર છે. મસૂરની દાળ હળવી અને સુપાચ્ય હોય છે, તો અડદની દાળ ડાયાબીટીસ, કેન્સર અને હ્રદયની બીમારી સામે રક્ષણ આપે છે. દાળ વજન ઘટાડવામાં પણ કારગર છે. દાળથી કફ પિતની સમસ્યા દૂર થાય છે.

હૃદય માટે ઉત્તમ
એક રિસર્ચ પ્રમાણે દાળ એવા સ્વાસ્થ્યપ્રદ ખાદ્ય પદાર્થોમાંથી એક છે, જેને તમે નિયમિતપણે ખાઈ શકો છો. જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદરૂપ છે તેમજ હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડે છે.

દાળમાંથી મળે છે અઢળક પોષક તત્વો
દાળ ફાઇબર, કેલ્શિયમ, પોટેશિયમ અને ફોલેટનો મહત્વનો સ્રોત છે. આ ઉપરાંત દાળમાં પ્રોટીન, આયર્ન, વિટામિન બી, મેગ્નેશિયમ અને જસત જેવા પોષક તત્વો પણ જોવા મળે છે. તેથી તે શરીરમાં અનેક પોષક તત્વોની ઉણપને દૂર કરે છે.

બાળકો માટે ફાયદાકારક
પ્રોટીન અને કેલ્શિયમ જેવા પોષક તત્વો મેળવવા માટે દાળનું નિયમિત સેવન જરૂરી છે. બાળકો અને કિશોરોને જરૂરી ઉર્જા મળે અને તેમનું શરીર અને મન સારી રીતે વિકસે તે માટે દૈનિક આહારમાં દાળનો સમાવેશ કરવો જોઇએ.

આયર્નની ઉણપ
દાળ પ્રોટીનનો સારો સ્રોત છે. શરીરમાં શક્તિનો અભાવ હોય તો દાળના સેવનથી ફાયદો થાય છે. દાળમાં રહેલા ફાઈબર અને આયર્ન શરીરને શક્તિ પ્રદાન કરે છે.

પાચન માટે દાળ ખૂબ સારી છે
પાચન માટે દાળને ખૂબ સારી માનવામાં આવે છે. તેમાં ડાયેટરી રેસા જોવા મળે છે, જે પાચનમાં સુધારો કરે છે. જેમને કબજિયાતની સમસ્યા છે, તેમના માટે દાળ ફાયદાકારક છે. ઉપરાંત દાળનું સેવન પેટની ઘણી સમસ્યાઓ જેવી કે ગેસ, અપચો, કબજિયાત વગેરે દૂર કરવામાં પણ મદદરૂપ છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.