રાજકોટ:મીલપરામાં 30 લાખની લૂંટનું ‘નાટક’ ! ફિલ્મી સ્ટાઈલની બૉગસ સ્ટોરીનો પર્દાફાશ
રંગીલા રાજકોટમાં આજે ભરબપોરે ટ્રાફિકથી ભરચક્ક રહેતા મીલપરા વિસ્તારમાં યુવકને આંતરીને 30 લાખની લૂંટ કરવામાં આવી હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. લૂંટની જાણ થતાં જ પોલીસ દ્વારા તાત્કાલિક નાકાબંધી પણ કરવામાં આવી હતી.
બીજી બાજુ લૂંટનો ભોગ બનનાર યુવકની પૂછપરછ દરમિયાન તે ગોળ ગોળ વાતો કરતો હોવાથી પોલીસને શંકા જતાં તેની ઉલટ તપાસમાં એવો ભાંડાફોડ થયો હતો કે યુવક પાસેથી કોઈ પ્રકારની લૂંટ કરવામાં આવી જ નથી અને તેણે તો દેણુ વધી જતાં લેણદારોથી છૂટકારો મેળવવા માટે આ આખોયે કારસો રચ્યો હતો !!
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ બપોરે દોઢેક વાગ્યાના અરસામાં કોઠારિયા રોડ પર નિલકંઠ ટોકીઝ પાસે રહેતો મંથન રાજેશ માંડલિયા (ઉ.વ.25) કે જે ઈન્ડસઈન્ડ બેન્કમાં નોકરી કરે છે તે સત્ય વિજય આઈસ્ક્રીમની સામે આવેલી યશ બેન્કમાંથી 24 લાખ ઉપાડીને જઈ રહ્યો હતો ત્યારે તેને આંતરીને બે શખ્સોએ લૂંટ ચલાવ્યાની જાણ પોલીસને થઈ હતી. આ અંગેની જાણ થતાં જ જેસીપી સૌરભ તોલંબીયા, ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર, ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એલ.એલ.ચાવડા, વાય.બી.જાડેજા, બી.ટી.ગોહિલ સહિતના અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
આ પછી ભોગ બનનાર યુવક મંથનની પૂછપરછ કરતાં તેણે એમ જણાવ્યું હતું કે તાજેતરમાં જ તેણે મીલપરા શેરી નં.19/8માં 30 લાખ રૂપિયાનું મકાન લીધું હતું જેનું ચૂકવણું કરવા માટે યશ બેન્કમાંથી 24 લાખ ઉપાડ્યા હતા. આ પૈસા ઉપાડીને તે મીલપરા ઠાકર હોટેલ સુધી પહોંચ્યો કે ડીસ્કવર બાઈક પર આવેલા બે શખ્સોએ તેનો પીછો કર્યો અને પછી તે લાત મારીને રસ્તા પર પછાડી પૈસા ભરેલા થેલાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.
જો કે પોલીસ પૂછપરછમાં મંથન ગોળ ગોળ વાતો કરતો હોવાથી પોલીસને લૂંટનો બનાવ બન્યા અંગે આશંકા જતા તેણે ઉલટ પૂછપરછ શરૂ કરતાં તેમાં મંથન ‘પોપટ’ બની ગયો હતો અને આખરે એવી કબૂલાત આપી દીધી હતી કે તેની સાથે કોઈ પ્રકારની લૂંટ થઈ જ નથી. તેના ઉપર મોટાપાયે દેણું થઈ ગયું હોવાથી લેણદારોથી પીછો છોડાવવા માટે તેણે આ તરકટ રચ્યું હતું. લૂંટ નહીં થયાનું જાણી પોલીસે રાહતનો શ્વાસ લીધો જ હતો સાથે સાથે પોલીસને ધંધે લગાડી દેનાર મંથનની આગવી ઢબે પૂછપરછ કરી તેને બરાબરનો પાઠ પણ ભણાવાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.