રોહિદાસપરામાં જૂની અદાવતનો ખાર રાખી દલિત યુવક પર પિતા-પુત્રોનો છરીથી હુમલો
રોહિદાસપરામાં જૂની અદાવતનો ખાર રાખી સિદ્ધાર્થ નામના દલિત યુવક પર પડોશી પિતા પુત્રો સહિત પાંચ શખ્સોએ છરી ઝીંકી પાઈપથી મારમારી પગ ભાંગી નાંખ્યો હતો. ઇજાગ્રસ્તને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, રોહિદાસપરામાં રહેતાં સિદ્ધાર્થ સોમાભાઈ મકવાણા (ઉ.વ.30) ગતરોજ રાતે ઘર પાસે આવેલ દુકાને બેઠો હતો ત્યારે તેની પડોશમાં રેહતો સંજય ઘસી આવ્યો હતો અને જૂની અદાવતનો ખાર રાખી પાઈપથી હુમલો કરી તેના પિતા નટુ, ભાઈઓ રાકેશ, મનીષ અને લાલોને બોલાવ્યા હતા. દોડી આવેલા નટુએ યુવકને છરી ઝીંકી દીધી હતી અને તેના ચાર પુત્રોએ પાઈપથી બેફામ ફટકારી સિદ્ધાર્થનો પગ ભાંગી નાખ્યો હતો. બનાવની જાણ થતાં ઇજાગ્રસ્તના પિતા દોડી આવ્યા હતાં અને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો હતો.
બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી. ડિવિઝન પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી ગયો હતો અને ઇજાગ્રસ્તનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ઇજાગ્રસ્ત યુવકના પિતાએ જણાવ્યું હતું કે, તે મજૂરીકામ કરે છે અને છ માસ પેહલાં પડોશમાં રહેતાં નટુનો પુત્ર સંજય અજાણ્યાં શખ્સ સાથે અમારા ઘર પાસે ઝઘડો કરી ગાળો બોલતો હોય જેને સિદ્ધાર્થે ગાળો બોલવાની ના પાડતાં ઝઘડો થયો હતો. જેનો ખાર રાખી ગતરાતે હુમલો કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.