આવતીકાલે રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન - At This Time

આવતીકાલે રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન


તા.03/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વિજેતાઓને કુલ રૂ. ૨,૩૪,૦૦૦ ના પુરસ્કારો એનાયત કરવામાં આવશે.

રાજ્યમાં એડવેન્ચર સ્પોર્ટ્સને પ્રોત્સાહન નીતિ હેઠળ સરકારશ્રી દ્વારા આગવી પહેલ
આવતીકાલે તા.૦૪ જાન્યુઆરીના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધાના તૃતીય સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે.ચોટીલા તળેટી ખાતેથી મહાનુભાવોના વરદ હસ્તે ફ્લેગ ઓફ કરાવી સવારે ૭:૦૦ કલાકે સ્પર્ધાની શરૂઆત કરાવાશે. ચોટીલાના ૯૩૦ જેટલા પગથિયાઓ પર યોજાનાર આરોહણ અવરોહણની આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રાજ્યભરના ૧૫૦ થી વધુ સ્પર્ધકોએ નોંધણી કરાવી છે.સપર્ધામાં ભાગ લેનાર જુનિયર ભાઈઓ-બહેનો માટે ભોજનની તેમજ નિવાસની વ્યવસ્થા વિનામૂલ્યે કરવામાં આવી છે. આ ઉપરાંત જૂનાગઢથી સ્પર્ધાના જાણકાર ઇન્સ્ટ્રકટરોની એક ટીમની સેવા પણ લેવામાં આવશે.સ્પર્ધા બાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સ્પર્ધામાં વિજેતા થનારને ટ્રોફી, પ્રમાણપત્ર તેમજ રોકડ ઇનામ આપવામાં આવશે.પ્રથમ નંબર મેળવનારને રૂ.૨૫,૦૦૦, દ્વિતિય નંબર મેળવનારને રૂ.૨૦,૦૦૦ તૃતીય નંબર મેળવનારને રૂ.૧૫,૦૦૦ એમ કુલ ૧૦ નંબર સુધીના વિજેતાઓને કુલ રૂ.૨,૩૪,૦૦૦ના રોકડ પુરસ્કાર આપવામાં આવશે સ્પર્ધાનું સચોટ પરિણામ મળી રહે તે માટે સમગ્ર સ્પર્ધાનું સુપરવિઝન સીસીટીવી કેમેરા દ્વારા કરવામાં આવશે તેમજ સમગ્ર સ્પર્ધાની ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરવામાં આવશે અને રેડિયો ફિક્વન્સી ધરાવતી ચીપથી સ્પર્ધાનું પરિણામ તૈયાર કરવામાં આવશે.વિશેષ સ્પર્ધામાં વિજેતા થનાર ૧ થી ૧૦ ક્રમના ભાઈઓ-બહેનોને આગામી ફેબ્રુઆરી માસમાં જૂનાગઢ ખાતે યોજાનાર ગિરનાર નેશનલ આરોહણ- અવરોહણ સ્પર્ધામાં સીધી એન્ટ્રી મળવા પાત્ર થશે. સ્પર્ધકોના ઉત્સાહને વધારવા માટે આ સ્પર્ધાના આયોજનમાં જિલ્લાનાં ધારાસભ્યશ્રીઓ, મહંતશ્રી -ચોટીલા તેમજ પદાધિકારીશ્રીઓ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.અત્રે ઉલ્લેખનીય છે કે,રાજ્યમાં એડવેન્ચર સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે સરકાર દ્વારા રાજ્યમાં વિવિધ ડુંગર-પર્વત પર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્ષ-૨૦૧૯ સુધી ગુજરાતમાં માત્ર જૂનાગઢ ખાતે જ ગિરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધાનું આયોજન થતું પરંતુ ત્યારબાદ પંચમહાલમાં પાવાગઢ, સાબરકાંઠામાં ઈડર અને રાજકોટમાં ઓસમ ખાતે તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે પણ જુનિયર ભાઈઓ/બહેનો માટ આરોહણ અવરોહણ સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી, જેને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.