રાજકોટ : વધુ 8 કિલો બ્રેડ સહિતની બેકરી પ્રોડકટનો નાશ : 10 કેક શોપને સ્વચ્છતા માટે નોટીસ - At This Time

રાજકોટ : વધુ 8 કિલો બ્રેડ સહિતની બેકરી પ્રોડકટનો નાશ : 10 કેક શોપને સ્વચ્છતા માટે નોટીસ


મનપાની આરોગ્ય અને ફૂડ શાખા દ્વારા ક્રિસમસના તહેવારમાં બેકરીઓમાં સઘન ચેકીંગ ચાલુ રાખવામાં આવ્યું છે. ગઇકાલે વધુ 15 બેકરીમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં ભકિતનગર સ્ટેશન પ્લોટમાંથી એકસપાયર થયેલ 8 કિલો બ્રેડ સહિતની બેકરી આઇટમનો નાશ કરવામાં આવ્યો છે. તો કુલ 10 દુકાનદારોને આરોગ્યપ્રદ સ્થિતિ જાળવવા, યુઝ બાય ડેટ (એકસપાયરી) દર્શાવવા નોટીસ આપવામાં આવી છે.
ફૂડ તંત્રએ ફરિયાદના આધારે જુદા જુદા ત્રણ સ્થળોએ ઘી અને કેકના નમુના લઇને લેબોરેટરી પરીક્ષણમાં મોકલ્યા છે. તેમાં હનુમાન મઢી ચોક, નિર્મલા રોડ પર આવેલ સુબીન એન્ટરપ્રાઇઝમાંથી અમુલ શુધ્ધ ઘી, રૈયા રોડ પર વૈશાલીનગર મેઇન રોડ પર આવેલ શ્રધ્ધા પ્રોવિઝનમાંથી ગોપાલ શુધ્ધ ઘી અને રેસકોર્ષ રીંગ રોડ પર પ્રાઇડ એમ્પાયરમાં આવેલ કેશવ ફુડસ (હૂબર એન્ડ હોલી બ્રાન્ડ ફ્રેન્ચાઇઝી)માંથી લુઝ બેરી ચીઝ કેકના નમુના ચકાસણી માટે મોકલવામાં આવ્યાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
ભકિતનગર સ્ટેશન પ્લોટ-5માં આવેલ રામેશ્ર્વર બેકર્સમાં ચેકીંગ કરવામાં આવતા એકસપાયરી થયેલી 8 કિલો બેકરી પ્રોડકટ મળી આવી હતી. જેનો નાશ કરી લાયસન્સ મેળવવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત સદગુરુ બેકર્સ (માધાપર ચોકડી, જામનગર રોડ) ને સ્ટોરેજ તથા ઉત્પાદન સ્થળ પર હાઇજિનિક કન્ડિશન જાળવવા , કૌશર બેકરી(રામનાથપરા મેઇન રોડ)ને પેરિસેબલ બેકરી પ્રોડક્ટ પર યુઝ બાય ડેટ દર્શાવવા તથા સ્ટોરેજ તથા ઉત્પાદન સ્થળ પર હાઇજિનિક કન્ડિશન જાળવવા, પ્રતિક બેકરી(માર્કેટ સામે, ચુનારાવાડ રોડ), મધુર બેકરી (મારુતિનગર, પેડક રોડ) મારૂતિ બેકરી(પેડક રોડ, પાણીના ઘોડા પાસે), રાજકોટ બેકરી (રણછોડનગર-11, પેડક રોડ),ઇઝઝી બેકરી (ડીલક્ષ ચોક, કુવાડવા રોડ), ધ કેક સ્ટુડિયો(કોઠારીયા રોડ) અને જીત એન્ટરપ્રાઇઝ -કેક એન જોય(કોઠારીયા રોડ)ને પણ લાયસન્સ તથા આરોગ્યપ્રદ સ્થિતિ જાળવવા નોટીસથી સૂચના આપવામાં આવી છે.
આ ડ્રાઇવ સાથે પેડક રોડ, કોઠારીયા રોડ, હરીઘવા રોડ, સહકાર મેઇન રોડ પર આવેલ હંસી એન્ટરપ્રાઇઝ-મોન્જિનીસ કેક શોપ, પટેલ કેક શોપ-કેક એન જોય, પટેલ બેકરી કેક શોપ, દ્વારકેશ એન્ટરપ્રાઇઝ-મોન્જિનીસ કેક શોપ, ભાનુ બેકરી આઇસક્રીમ પાર્લર(સહકાર મેઇન રોડ)માં પણ તપાસ કરવામાં આવી હતી. આ વખતે ક્રિસમસના તહેવારમાં ફૂડ વિભાગે કદાચ લાંબા સમય બાદ બેકરીમાં મોટી ડ્રાઇવ ચલાવી છે. અમુક બેકરીમાં કઇ પ્રકારે વાસી, એકસપાયરી ડેટ વગરનો માલ વેંચાય છે તે બહાર આવ્યું છે. વાસ્તવમાં રાજકોટમાં રોજનો બ્રેડનો તો મોટો ધંધો છે.
બજારમાં પણ બ્રેડનો ખુબ વપરાશ થાય છે. આથી બે્રડ જેવી વસ્તુઓનું તો નિયમિત પરીક્ષણ થવું જોઇએ તેવો મત છે. વળી શહેરમાં અનેક હોટલ, રેસ્ટોરન્ટ તો પોતે પણ બ્રેડ અને બ્રેડની આઇટમ બનાવે છે. આવી જગ્યાએ પણ બેકરી આઇટમથી માંડી કિચનમાં ચેકીંગ થવું જોઇએ તેવું ખુદ બેકરીના ધંધાર્થીઓ કહી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.