અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિને એક કલાકમાં હોસ્પિટલમાં પહોંચાડીને મદદ કરનારને એક લાખ સુધીનું ઇનામ અપાશે
રાજકોટ ટ્રાફિક પોલીસે હેલ્પલાઇન-વોટ્સએપ નંબર 95122-96777 જાહેર કર્યા
મદદ કરનારે જાહેર કરેલા નંબર પર જાણ કરવી જરૂરી, રોકડ ઉપરાંત ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માનિત કરાશે
વાહન અકસ્માતનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે અને અનેક અકસ્માતમાં તો ઇજાગ્રસ્તને સમયસર સારવાર નહીં મળવાને કારણે તેમનું મૃત્યુ થતા હોવાના અનેક કિસ્સા બન્યા છે, ત્યારે આવા સંજોગોમાં ઇજાગ્રસ્તને તાકીદે સારવાર મળી રહે અને લોકો અકસ્માતગ્રસ્તની મદદે આવે તેવા હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા ગુડ સમારિટન યોજના અમલી બનાવવામાં આવી છે, આ યોજના અંતર્ગત રાજકોટ શહેર ટ્રાફિક શાખા દ્વારા ખાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.
રાજકોટ શહેર ટ્રાફિક ડીસીપી પૂજા યાદવે જણાવ્યું હતું કે, જે કોઇ વાહનચાલક કે રાહદારીનું માર્ગ અકસ્માત થાય અને તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળે અથવા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ સુધી પહોંચાડવાથી ઘણા કિસ્સામાં આવા વ્યક્તિના જીવ બચી જાય છેે. રાજકોટ શહેર વિસ્તારમાં કોઇ માર્ગ અકસ્માતનો બનાવ બને અને અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિને અકસ્માતના બન્યાના પ્રથમ એક કલાકમાં જો કોઇ વ્યક્તિએ ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે પહોંચાડી ભોગ બનેલી વ્યક્તિની મદદ કરી હોય તેઓએ ટ્રાફિક કન્ટ્રોલરૂમના હેલ્પલાઇન-વોટ્સએપ નંબર 95122-96777 પર સંપર્ક કરીને જાણ કરવાની રહેશે. જે વ્યક્તિએ આ પ્રકારની સારી કામગીરી કરી હશે તેને કેન્દ્ર સરકારની ગુડ સમારિટન યોજના હેઠળ ગુડ સમારિટન એવોર્ડ અંતર્ગત રૂ.1 લાખ સુધીનું રોકડ ઇનામ, ટ્રોફી તથા પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.