આજીડેમમાં મિત્રો સાથે નાહવા પડેલા રેલનગરના કમલેશ દેવનાણીનું ડૂબી જતાં મોત
રાજકોટના રેલનગરમાં રહેતો યુવાન ગઈકાલે મિત્રો સાથે આજીડેમ ફરવા ગયો હતો અને ત્યાં આરકે ગેટની સામે મોગલ માતાજીના મંદિર પાસે આવેલા પાણીના ખાડામાં નાહવા પડતા ડૂબવા લાગ્યો હતો અને તેમને ડૂબતો જોઈ આજુબાજુના લોકોએ તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી ત્યારબાદ ફાયર બ્રિગેડે બે કલાકની જહેમત બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
બનાવની વધુ વિગતો મુજબ રેલ નગરમાં આવેલા શારદા એપાર્ટમેન્ટમાં રહેતા અને દુકાનમાં નોકરી કરતા કમલેશ મહેશભાઈ દેવલાણી નામનો 21 વર્ષીય યુવાન ગઈકાલે ગુરુનાનક જયંતિની રજા હોવાથી પોતે ત્રણ મિત્રો સાથે આજે ડેમ ફરવા ગયો હતો અને ત્યાં આર.કે કોલેજના ગેઇટની સામે આવેલા મોગલ માતાજીના મંદિર પાસે પાણીના ખાડામાં ત્રણેય મિત્રો નાહવા પડ્યા હતા બે મિત્રો કિનારા પર નાહતા હતા જ્યારે કમલેશ કિનારાથી થોડે દૂર નાહવા જતા પાણીમાં ગરક થઈ ગયો હતો અને ડૂબવા લાગતા બીજા બે મિત્રોએ બુમાબુમ કરી હતી.
ત્યારબાદ આજુબાજુમાંથી લોકો આવી જતા તેઓએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડના સ્ટાફે બે કલાકની જહેમત બાદ કમલેશનો મૃતદેહ તરવૈયાઓએ બહાર કાઢ્યો હતો.યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.યુવકના મૃત્યુની પરિવારને જાણ કરવામાં આવતા તેમનો પરિવાર તુરંત હોસ્પિટલમાં પહોંચી ગયો હતો અને પુત્રના મૃતદેહને જોઈ વલોપાત કરવા લાગ્યો હતો.યુવકના મૃત્યુંથી પરિવારમાં શોક છવાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.