ધમકી આપનાર કોંગ્રેસના કોર્પોરેટર વિરુદ્ધ આખરે FIR.
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં ખેતરમાંથી રસ્તો કાઢવા બાબતે કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર અને તેના ચાર મળતીયાઓ વિરુદ્ધ ખેતર માલિકને ધાક ધમકી આપવા બદલ ખેતર માલિકે છાણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે . ફરિયાદના આધારે છાણી પોલીસે કોર્પોરેટર હરીશ રતિલાલ પટેલ અને ચાર અજાણ્યા ઇસમો વિરુદ્ધ આઇપીસી 447 , 294 ( બી ) , 506 ( 2 ) , 114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે . 1 શહેરના છાણી ગામમાં રહેતા અને ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા મહેશ હરમાનભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે , 30 સપ્ટેમ્બરના રોજ હું છાણી પોદાર શાળા પાસે આવેલ મારા ખેતરમાં હાજર હતો , તે સમયે ચાર અજાણ્યા શખ્સો મારા ખેતરમાં ઘસી આવ્યા હતા . તેમણે જણાવ્યું હતું કે , તમારા ખેતરમાંથી રસ્તો બનાવવા માટે કોર્પોરેટર હરીશ પટેલે અમને મોકલ્યા છે . જેથી અમે અમારા ખેતરમાંથી કોઈ રસ્તો નીકળતો નથી તેમ કહેતા મને ગાળો બોલી હતી . અને ધમકી આપી હતી કે , તમે અમને ઓળખતા નથી , રસ્તો નહીં આપો તો ખેતર છોડવું પડશે , તમારા જ ખેતરમાં મારી નાખી દાટી દઈશું . ચાર પૈકી એક શખ્સ કોર્પોરેટર હરીશ પટેલને ફોન કરી જણાવ્યું હતું કે , ખેતર માલિક રસ્તો આપવાની ના પાડે છે . સામે હરીશ પટેલે જણાવ્યું હતું કે , ના પાડે તો મારો . ઘટના સમયે મારા કાકા કાંતિભાઈ અને ડાહ્યાભાઈ પણ ઉપસ્થિત હતા . પહેલી ઓક્ટોબર ના રોજ કોર્પોરેટર હરીશ પટેલ અમારા ખેતર પાસે રૂબરૂ અમને મળવા પહોંચ્યા હતા . તેમણે પણ ધમકી આપી હતી કે , હું કોર્પોરેટર છું મોટા માણસો સાથે મારી ઓળખાણ છે , તમારી જમીન ક્યાંય ખોવાઈ જશે ખબર નહીં પડે , રસ્તો નહીં આપો તો હું જાતે જેસીબી મશીન લઈ આવી રસ્તો બનાવીશ . આ જગ્યા મેં કરોડો રૂપિયામાં બિલ્ડરોને આપી છે . મારી ઉપર સુધી પહોંચ છે . ફરિયાદ કરવી હોય તો કર કોઈ ઉખાડી લેવાનું નથી . આ મામલે કોર્પોરેટર હરીશ પટેલે જણાવ્યું હતું કે , આખી ફરિયાદ ખોટી છે . રાહ જુવો હકીકત સામે આવી જશે . ફરિયાદમાં જે સ્થળે રૂબરૂ ધમકી આપી છે ત્યાં મારી રોજની અવર - જવર છે , જેનો લાભ ઉઠાવ્યો છે . પરંતુ રાજકીય કિન્નાખોરી રાખી ખોટા પ્રચારનું ષડયંત્ર ઊભું કર્યું હોય તેમ લાગે છે . ફરિયાદી રાજકીય વિરોધી વ્યક્તિના સગા છે . જરૂર પડશે તો માનહાનીનો દાવો પણ હું દાખલ કરીશ . ફેબ્રુઆરી મહિના દરમિયાન છાણી વિસ્તારમાં છાયાપુરી પ્રાથમિક શાળાની સામે કોર્પોરેટરના કહેવાથી કોર્પોરેશન દ્વારા 70 લાખ રૂપિયાના ખર્ચે રાતોરાત 350 મીટર લંબાઈ અને 18 મીટરની પહોળાઈ વાળા રસ્તાનું નિર્માણ કરી દેવાયું હતું . આ સમગ્ર હકીકતનો ભાંડાફોડ હરીશ પટેલ સહિતના કોંગ્રેસના કોર્પોરેટરોએ કર્યો હતો . અને આ સમગ્ર ઘટનામાં જવાબદાર અધિકારી તથા પદાધિકારી સામે પગલાં ભરવાની માંગ ઉઠી હતી . પરંતુ સમગ્ર ઘટના પર ટાઢું પાણી રેડી દેવાયું હતું .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.