બુધવારે પોલો ગ્રાઉન્ડ પર રામલીલા અને રાવણ દહન થશે.
નવરાત્રી તેના અંતિમ પડાવમાં છે . શહેરમાં ગરબા મેદાનો ખેલૈયાઓથી ઉભરાઇ રહ્યા છે બીજી તરફ પોલો ગ્રાઉન્ડ પર ૪૨ મી રામલીલા અને રાવણ દહન કાર્યક્રમની તૈયારીઓ શરૃ કરી દેવામા આવી છે . રાવણ , મેઘનાદ અને કુંભકર્ણના પુતળા તૈયાર થઇ ગયા છે જે મંગળવારે મેદાન પર ઉભા કરી દેવામાં આવશે . કુલ ૧૧૦ કલાકારો મંચન કરશે , રામ - ભરત - લક્ષ્મણ - શત્રુઘ્નની બાલ અવસ્થાના દ્રશ્યો બાળ કલાકારો દ્વારા ભજવવામાં આવશે વડોદરામાં છેલ્લા ૪૨ વર્ષથી રામલીલા અને રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરતી સંસ્થા નોર્થ ઇન્ડિયન કલ્ચરલ એસોસિએશન ( નિકા ) ના પ્રમુખ પ્રવીણ ગુપ્તાએ કહ્યું હતું કે ' આ વખતે રામલીલામાં ભરત મિલાપનું દ્રશ્ય ખાસ ઉમેરવામાં આવ્યુ છે તેનું કારણ એ છે કે વર્તમાન સમયમાં કુટુંબોમાં ભાઇઓ ભાઇઓ વચ્ચે વિખવાદ વધી રહ્યા છે એટલે ભરત મિલાપ દ્રશ્ય દ્વારા અમે કુટુંબમાં ભાઇચારાનો સંદેશ આપવામાં માગીએ છીએ . રામલીલાનું મંચન ૧૧૦ કલાકારો દ્વારા થશે તેમાં આ વખતે ભગવાન રામની બાલ્ય અવસ્થા પણ બતાવવામાં આવશે જેમાં ભગવાના રામ , ભરત , લક્ષ્મણ અને શત્રુઘ્નની ભૂમિકા બાળ કલાકારો જ ભજવવાના છે જે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે . બુધવારે દશેરાની સાંજે ૫. ૩૦ વાગ્યાથી પોલો ગ્રાઉન્ડ પર કાર્યક્રમની શરૃઆત થશે . અઢી કલાકની રામલીલા થશે ત્યાર બાદ ૩૦ મિનિટ રાવણ દહન અને આતશબાજીનો કાર્યક્રમ થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.