સુરેન્દ્રનગર જિલ્લામાં જરૂરતમંદોને પોતાનાં પાકા મકાનનું સ્વપ્ન સાકાર કરવામાં આર્શીવાદરૂપ બની પ્રધાનમંત્રી આવાસ યોજના
પ્રતિનિધિ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
અમારા જેવા સામાન્ય પરિવારના ઘરના ઘરનું સ્વપ્ન સરકારે સાકાર કર્યું છે. કિશનભાઇ રાઠોડ (શિયાણી)
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જિલ્લાનાં 8,871 લાભાર્થીઓને પાકા આવાસની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ.
સામાન્ય રીતે દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેની પાસે પોતાની માલિકીનું એક પાકુ મકાન હોય. દેશના દરેક કુટુંબને પાકા આવાસની સુવિધા ઉપલબ્ધ કરાવવાનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં સ્વપ્નને પૂર્ણ કરવા વર્ષ ૨૦૧૫માં ભારત સરકારે ટકાઉ અને સસ્તા આવાસને પ્રોત્સાહન આપવા માટેની ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ અમલીકૃત કરી. આ યોજના અંતર્ગત, કેન્દ્ર સરકાર ગ્રામીણ વિસ્તારનાં આર્થિક રીતે નબળા વર્ગને પોતાનું પાકું મકાન બનાવવા અને જૂના મકાનની મરામત માટે રૂ. 1.20 લાખની આર્થિક સહાય પૂરી પાડે છે. નળિયાની છત, માટીથી બનેલા કાચા મકાન ધરાવતા આર્થિક રીતે નબળા વર્ગનાં પરિવારો માટે આ યોજના રહેઠાણની સુવિધાનું ચિત્ર બદલી રહી છે. સુરેન્દ્નનગર જિલ્લાનાં સંખ્યાબંધ જરૂરતમંદ પરિવારોને આ યોજના અંતર્ગત પોતાના મકાનને પાકુ બનાવવા માટે આર્થિક સહાય મળી છે. આ ઉપરાંત, પોતાનાં જ મકાનનાં નિર્માણમાં કામ કરવા બદલ મનરેગા યોજના અંતર્ગત તેમને રૂ. 20,600 સુધીની ચૂકવણી પણ કરવામાં આવી રહી છે.મકાન ન હોય કે મકાન પાકુ કરવાની જરૂર હોય, અને આર્થિક કારણોસર પનો ટૂંકો પડતો હોય તેવા સંખ્યાબંધ લાભાર્થીઓ માટે આ યોજના આર્શીવાદરૂપ બની છે. આ યોજનાના લાભાર્થી લીંબડી તાલુકાનાં બોરણા ગામમાં રહેતા કાનજીભાઈ રાઠોડ જણાવે છે કે મજૂરી કામ કરીને અમે અમારા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ અમે પહેલા કાચા ઝુંપડામાં રહેતા હતા આ સમયે અમને ખૂબ જ તકલીફો પડતી હતી. ચોમાસાના સમયે આજુબાજુ પાણી ભરાવાથી ગંદકી થતી અને અમારા પરિવારને ક્યારેક માંદગીનો પણ સામનો કરવો પડતો હતો જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓમાં અમારો સમાવેશ થવાથી અને સરકાર દ્વારા રૂપિયા 1 લાખ 20 હજારની સહાય મળવાથી અમે પાકું આવાસ બનાવ્યું છે હવે અમે અમારા પરિવાર સાથે આ પાકા આવાસમાં શાંતિથી રહી શકીએ છીએ.જો અમને સરકારની સહાય ના મળી હોત તો અમે પાકું મકાન ના બનાવી શક્યા હોત તેમ જણાવતા કાનજીભાઈએ કહ્યું કે સરકારે અમારા જેવા મજુરી કરતા પરિવારોની ચિંતા કરીને અમને આ પાકા આવાસની સુવિધા આપી છે તે બદલ અમે સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ.આ ગામના બીજા લાભાર્થી મેરૂભાઈ રાઠોડ જણાવે છે કે પહેલા અમારે કાચું આવાસ હતું અમો નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોવાથી વરસાદના સમયે ઘરમાં પાણી ભરાઈ રહેતા હતા અને ઘરની ઘરવખરી પણ પલળી જતી હતી ચોમાસા સમયના દિવસો અમે ખૂબ જ મુશ્કેલીથી પસાર કરતા હતા પરંતુ અમને હવે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળવાથી અમે પાકું આવાસ બનાવ્યું છે. હવે અમે આ પાકા આવાસમાં શાંતિથી રહી શકીએ છીએ. સરકારે અમને આવાસની સુવિધા પૂરી પાડી તે બદલ અમે સરકારનો આભાર માનીએ છીએ.આ જ યોજનાના શિયાણી ગામના લાભાર્થી કિશનભાઇ રાઠોડ જણાવે છે કે, અમે સંયુક્ત કુટુંબમાં પહેલા કાચા આવાસમાં રહેતા હતા ત્યારે ચોમાસામાં અમને જીવજંતુનો ભય સતાવતો હતો અને શિયાળા ઉનાળામાં પણ ખૂબ તકલીફો પડતી હતી હવે અમને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂપિયા 1 લાખ 20 હજારની સહાય મળવાથી અમે પાકું આવાસ બનાવ્યું છે. અમારા જેવા સામાન્ય પરિવારના ઘરના ઘરનું સ્વપ્ન સરકારે સાકાર કર્યું છે તે માટે અમે સરકારનો આભાર માનીએ છીએ.જિલ્લાનાં કુલ 8,871 પરિવારોનું પાકા મકાનનું સ્વપ્ન પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં પરિણામે પૂર્ણ થયું છે. મકાન પાકુ કરવા માટે કે પોતાની જમીન હોય તેનાં પર પાકુ મકાન બાંધવા માટે સરકાર 3 હપ્તામાં કુલ રૂ. 1.20 લાખની સહાય આપે છે. આ ઉપરાંત, આ મકાનનાં નિર્માણમાં મજૂરી પેટે તેમને 90 દિન સુધીની રોજગારી પેટે રૂ. 20,610/ સુધીની રકમ મળવાપાત્ર થાય છે. તેમજ રૂ. 12 હજારની આર્થિક સહાય શૌચાલયનાં નિર્માણ માટે પણ આ લાભાર્થીઓને મળવાપાત્ર છે અને ઘણા લાભાર્થીઓ તેનો લાભ મેળવી રહ્યા છે.જિલ્લામાં વર્ષ 2016થી અત્યાર સુધીમાં 9,923 આવાસોની મંજૂરી આપવામાં આવી છે. જે પૈકી ચોટીલા તાલુકામાં 637, ચુડા તાલુકામાં 1017, દસાડા તાલુકામાં 1876, ધ્રાંગધ્રા તાલુકામાં 259, લખતર તાલુકામાં 925, લીંબડી તાલુકામાં 1914, મૂળી તાલુકામાં 692, સાયલા તાલુકામાં 1143, થાનગઢ તાલુકામાં 84 અને વઢવાણ તાલુકાના 324 મળીને જિલ્લામાં કુલ 8,871 આવાસો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આજે બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતેથી ૬૧૮૦૫ આવાસોનું ઇ- લોકાર્પણ અને ખાતમહૂર્ત કરશે. આ કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના ૬૩ ગામોના ૧૪૦ આવાસોનું પણ ઇ-લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના વિવિધ સ્થળો ખાતે આવાસમાં આરતી અને પૂજા, લાભાર્થીઓ દ્વારા ધ્વજારોહણ, રંગોળી અને દિપ પ્રગટાવવા, ચાવીની પ્રતિકૃતિનું વિતરણ તેમજ પરંપરાગત ગૃહ પ્રવેશ, આવાસની અંદર કુરાનખાની જેવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.