રાજકોટ: ડેન્ગ્યૂના 18, મેલેરિયાના 4 અને ચીકનગુનિયાના બે કેસ
સતત વરસાદ અને વાદળર્છાંયા વાતાવરણને કારણે શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યું છે. ડેન્ગ્યૂએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરના અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગ્યૂના 18 કેસ નોંધાયા છે. આ ઉપરાંત મેલેરિયાના 4 અને ચીકનગુનિયાના બે કેસ મળી આવ્યા છે.
આ અંગે આરોગ્ય શાખાના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરમાં શરદી-ઉધરસના 238 કેસ, સામાન્ય તાવના 54 કેસ, ઝાડા-ઉલ્ટીના 61 કેસ નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યૂના 18 કેસ, મેલેરિયાના ચાર અને ચીકનગુનિયાના બે કેસ મળી આવ્યા છે. ચાલુ સાલ આજસુધીમાં ડેન્ગ્યૂના કુલ 87 કેસ નોંધાયા છે. જ્યારે મેલેરિયાના 28 અને ચીકનગુનિયાના 16 કેસ મળી આવ્યા છે. રોગચાળાના અટકાયત માટે 92821 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી અને 2693 ઘરોમાં ફોગીંગ કરાયું છે.
બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, સરકારી કચેરી અને પેટ્રોલ પમ્પ સહિત 652 સ્થળે મચ્છરોની ઉત્પતિ અંગે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન રહેણાંક વિસ્તારોમાં 899 આસામીઓને મચ્છરની ઉત્પતિ સબબ નોટિસ ફટકારી રૂ.6500નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.