હેન્ડસ ફ્રી લગાવીને રેલવે ટ્રેક પર કુદરતી હાજતે ગયેલા બે શ્રમિક ટ્રેનની ઠોકરે ચડ્યા:એકનું મોત - At This Time

હેન્ડસ ફ્રી લગાવીને રેલવે ટ્રેક પર કુદરતી હાજતે ગયેલા બે શ્રમિક ટ્રેનની ઠોકરે ચડ્યા:એકનું મોત


રાજકોટ,તા.15 : યુવાનોની મોબાઇલ માટેની ઘેલછા ક્યારેક આત્યંતિક કે જીવનનો અકાળે જ કરૂણ અંત લાવી દે તેવી નીવડી શકે છે, આવા એક નહીં અનેક કિસ્સા સામે આવ્યા છે છતાં ચાલુ વાહને ફોનમાં વાત કરવી, રેલવે ટ્રેક પર ઇયર ફોન કે હેડફોન લગાવીને ગીતો સાંભળતા પસાર થવું, આવી ઘટનાઓ બનતી હજુ અટકી નથી. અનેક આશાસ્પદ જિંદગી આ રીતે અચાનક વિરામ પામી હોવા છતાં તેમાંથી શીખ લેવાને બદલે યુવાનો આ ઘેલછા મૂકી શકતા નથી.
આવો જ એક બનાવ રાજકોટની ભાગોળે આવેલા કાંગશિયાળી ગામે ટ્રેક પર હેન્ડસ ફ્રી લગાવી કુદરતી હાજતે ગયેલા બંને શ્રમિકોને ટ્રેન આવવાનો અવાજ સંભળાયો નહોતો અને બંને ટ્રેનની ઠોકરે આવી જતા એકનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે બીજાને ઇજાઓ થતા સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ અંગે પોલીસે હોસ્પિટલમાં પહોંચી કાર્યવાહી કરી હતી.
બનાવની વધુ વિગતો મુજબ,કાંગશિયાળીની સીમમાં સિલ્વર ટેકનોકાસ્ટ કારખાનાની ઓરડીમાં રહેતા સંજીવ મગનકુમાર કાપડી(ઉ.વ.25) અને સોનુ પહલમાન કાપડી(ઉ.વ.27)બંને ગઈકાલે બુધવાર હોય જેથી કારખાને રજા હતી.જેથી તેઓ રેલવે ટ્રેક પર બેસવા ગયા હતા બાદમાં કાનમાં હેન્ડસ ફ્રી પહેરી બંને કુદરતી હાજતે રેલવે ટ્રેક પર બેઠા હતા ત્યારે ધસમસતી આવી રહેલી ટ્રેનને ઠોકરે બંને ચડી જતા સંજીવનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે સોનુને ગંભીર ઇજાઓ થતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
સંજીવ પાંચ ભાઈમાં વચેટ હતો તેમજ તેમને સંતાનમાં બે પુત્ર છે.તેમજ સોનુ બે ભાઈ બે બહેનમાં વચેટ છે.તેમજ બંને સિલ્વર સ્ટોન કારખાનામાં મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.તેમજ મૃતક સંજીવનો મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.તેમજ જ્યારે આ ઘટના બની ત્યારે બંને મોડી સાંજ સુધી ઓરડી પર ન આવતા ત્યાં કારખાનામાં જ કામ કરતા અન્ય મજૂરો શોધવા નીકળ્યા હતા અને બનાવની જાણ થઈ હતી.આ અંગે હાલ પોલીસે તજવીજ આદરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.