સેલવાસ ખાતે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા ‘વાર્તાલાપ’- રૂરલ મીડિયા વર્કશૉપ યોજાયો પ્રબુદ્ધ કલમ નવેશી દ્વારા વિસ્તૃત માર્ગદર્શન
સેલવાસ ખાતે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા ‘વાર્તાલાપ’- રૂરલ મીડિયા વર્કશૉપ યોજાયો
વિષય નિષ્ણાત વક્તાઓએ માધ્યમ કર્મીઓ સાથે ‘વાર્તાલાપ’ યોજીને માર્ગદર્શન આપ્યું
દેશ અને પ્રદેશના વિકાસમાં મીડિયાની મહત્વની ભૂમિકા: સાંસદ શ્રી લાલુભાઇ પટેલ
મીડિયા પાસે પાવર છે અને પાવર સાથે જવાબદારી આવે છે: ડે. કલેક્ટર શ્રીમતી ચાર્મિ પારેખ
હર ઘર તિરંગા અભિયાનની જેમ આવનારા મહિનાઓમાં વધુ મતદાન, વધુ રસીકરણ જેવાં લોકોલક્ષી અભિયાનોમાં મીડિયાનો સહકાર આવશ્યક: શ્રી પ્રકાશ મગદૂમ
પત્રકારે પોતાની લક્ષ્મણ રેખા જાતે દોરવી જોઇએ: શ્રી હનીફ મહેરી
ફેક ન્યુઝથી સરકાર પણ ચિંતિત છે, નકલી નોટ આપણા થકી ન જાય તેની જવાબદારી આપણી છે: શ્રી અશોક પટેલ
સોશિયલ મીડિયાએ વિશ્વાસ અને પ્રમાણભૂતતા ઊભા કરવાની જરૂર: શ્રી કેયુર મોદી
કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પીઆઇબી-પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો, અમદાવાદ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ ખાતે રૂરલ મીડિયા વર્કશૉપ-વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિષય નિષ્ણાત અનુભવી વક્તાઓએ મીડિયા કર્મીઓ સાથે ‘વાર્તાલાપ’ યોજીને માર્ગદર્શન આપ્યું હતું.
દમણ અને દીવના સંસદ સભ્ય શ્રી લાલુભાઇ પટેલ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી હંમેશા છેવાડાના માનવી વિશે ચિંતિત છે અને દેશ-પ્રદેશ, છેવાડાના માનવીના વિકાસમાં મીડિયાની રચનાત્મક ભૂમિકા રહી છે. છેલ્લાં આઠ વર્ષોમાં વિશ્વમાં ભારતની ખ્યાતિ વધી છે એમાં પણ મીડિયાની સકારાત્મક ભૂમિકા રહી છે. આજેય મારી જેમ ઘણાં લોકોને અખબાર વાંચ્યા વિના ચેન પડતું નથી. વિસ્તારના પ્રશ્નો અને જરૂરિયાતોની માહિતી મીડિયા થકી મળતી રહે છે.
આ પ્રસંગે સંબોધન કરતા સેલવાસનાં ડેપ્યુટી કલેક્ટર શ્રીમતી ચાર્મિ પારેખે કહ્યું કે મીડિયા પાસે પાવર છે અને પાવર જવાબદારી લઈને આવે છે એ ભૂલવું ન જોઇએ. ડિજિટલ મીડિયા આજના સમયમાં મહત્વનો મુદ્દો છે અને આજે તેના પર પણ ચર્ચા થઈ રહી છે એ સારી વાત છે. તેની ભૂમિકા મોટી છે અને મીડિયાએ આજે ટેકનોલોજીનો ઉપયોગ કરતા સૌને શીખવાડી દીધું છે.
પીઆઇબી, અમદાવાદના એડીજી શ્રી પ્રકાશ મગદૂમે સૌ મહેમાનો અને પત્રકારોને આવકારતા પીઆઇબીની ભૂમિકા સમજાવી હતી. તેમણે કહ્યું કે આવનારા કેટલાંક મહિનાઓમાં ચાલનારાં લોકોપયોગી અભિયાનોને સફળ બનાવવા એના પ્રસાર માટે મીડિયાના સહયોગનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે ચૂંટણી નજીકમાં છે અને ભારતીય ચૂંટણી પંચ ઓછું મતદાન છે એવા વિસ્તારોમાં મતદાનની ટકાવારી વધારવા પ્રયાસ કરે છે. કોરોના રસીકરણમાં પ્રિકોશન ડોઝ માટે સરકાર ભાર આપી રહી છે. ગાંધીનગરમાં ડિફેન્સ એક્સ્પો આયોજિત થવા જઈ રહ્યો છે. ગુજરાતમાં આ મહિને નેશનલ ગેમ્સ આયોજિત થઈ રહી છે. જેમ મીડિયાના સહયોગથી હર ઘર તિરંગા અભિયાનને અપાર સફળતા મળી એમ આ લોકોપયોગી કાર્યક્રમોને સફળ બનાવવા તેમણે મીડિયાના સહયોગની અપીલ કરી હતી. શ્રી મગદૂમે પીઆઇબીના ફેક્ટ ચેક યુનિટનો ખાસ ઉલ્લેખ કરી ફેક ન્યુઝનાં દૂષણને રોકવા માટે સૌનો સહયોગ માગ્યો હતો. તેમણે પત્રકારોને મીડિયા વેલ્ફેર ફંડ હેઠળ મળતા લાભોની માહિતી આપી હતી.
‘ગુજરાતમિત્ર’ના વરિષ્ઠ પત્રકાર શ્રી હનીફ મેહરીએ ‘ચોથી જાગીર- સતત બદલાતા સ્વરૂપો’ વિષય પર પોતાનાં શાયરાના અંદાજમાં ચોથી જાગીરના ઇતિહાસ, વ્યુત્પત્તિ અને સાંપ્રત પ્રવાહોની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ચોથી જાગીર વિશ્વસનીયતાના સ્તંભ પર ઊભી છે અને તેની ભૂમિકા ચોકીદારની પણ છે. પત્રકારે તથ્ય અને સત્ય આધારિત સમાચારો લખવા જોઇએ અને પોતાની લક્ષ્મણ રેખા જાતે જ દોરવી જોઇએ.
ગુજરાત ગાર્ડિયનના વરિષ્ઠ પત્રકાર શ્રી અશોક પટેલે ‘નવા/સોશિયલ મીડિયાનાં કારણે બદલાતા મીડિયા પરિદ્ર્શ્ય’ પર વિસ્તૃત છણાવટ કરી હતી. તેમણે કહ્યું કે બદલાતા સમયમાં પ્રિન્ટ મીડિયા સામે અસ્તિત્વનો પડકાર ઊભો થયો છે. આફતના સમયે સોશિયલ મીડિયાએ તેની ઉપયોગિતા સિદ્ધ કરી છે છતાં સામે તરફ ફેક ન્યુઝ બાબતે સરકાર પણ ચિંતિત છે.
ડિજિટલ મીડિયા ‘સુરતીઝ’ના સ્થાપક શ્રી કેયુરભાઇ મોદીએ ‘ડિજિટલ મીડિયા: પત્રકારત્વમાં નવો યુગ’ વિષય પર વિવિધ ડિજિટલ ઇન્ટરમીડિયરીઝ પ્લેટફોર્મ્સ, અલ્ગોરિધમ અને ન્યુઝ પ્રેઝન્ટેશન પર ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કહ્યું કે ડેટા નવા યુગમાં કિંગ છે. ડિજિટલ મીડિયાએ ટકી રહેવા માટે વિશ્વાસ અને પ્રમાણભૂતતા ઊભા કરવા આવશ્યક છે અને સરકારની સાથે ઇન્ટરમીડિયરીઝ પણ ફેક ન્યુઝ બાબતે સજાગ છે.
આ પ્રસંગે શ્રી મગદૂમ અને વક્તાઓએ ઉપસ્થિત સહભાગીઓ સાથે પ્રશ્નોત્તરી પણ યોજી હતી જેમાં દમણ, દાદરા નગર હવેલી અને દક્ષિણ ગુજરાતના પત્રકારોએ પોતાને પડતી મુશ્કેલીઓની રજૂઆત કરી હતી. પીઆઇબી, અમદાવાદ તરફથી એના યોગ્ય ઉકેલની ખાતરી આપવામાં આવી હતી.
પીઆઇબી, અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી યોગેશભાઇ પંડ્યાએ મહેમાનોને આવકાર્યા હતા અને આ વાર્તાલાપની સફળતા બદલ પત્રકારોનો આભાર માન્યો હતો. આ પ્રસંગે સેલવાસ, દમણ, દક્ષિણ ગુજરાતના મીડિયાકર્મીઓ, સેલવાસ માહિતી અને પ્રસાર વિભાગના અધિકારીઓ, પીઆઇબી અમદાવાદના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.