લક્ષ્મીનગરમાં મિત્રએ જ મિત્રના ઘરમાંથી રૂ।.1.26 લાખના દાગીનાની ચોરી કરી
લક્ષ્મીનગર સોસાયટી શેરી નંબર-2માં રહેતા અને ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં આવેલા કારખાનામાં કામ કરતા. અજય નિકુલ ચૌહાણે તેના મિત્રને બાઈક આપ્યું હતું, જેમાં તેના મકાનની પણ ચાવી હોવાથી મિત્ર મકાન ખોલી તેમાંથી રૂા.1.26 લાખની ચોરી કરી ગયો હતો.સીસીટીવી ફુટેજનાં આધારે હકીકત જાણવા મળતા માલવીયાનગર પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
જેના આધારે પોલીસે આરોપી શૈલેષ રવજી બગતરીયા(રહે, મનહર પ્લોટ શેરી નંબર-6,બાલાજી એપાર્ટમેન્ટ બીજો માળ)ની ધરપકડ કરી હતી. અજયભાઇએ પોલીસને જણાવ્યું કે,ગઈ તા.13 ઓગષ્ટનાં રોજ સવારે કારખાને કામ કરતો હતો ત્યારે બપોરે મિત્ર શૈલેષ ત્યાં આવ્યો હતો.તેને કહ્યું કે,મારા લૌકીક વિધિમાં જવાનું છે જેથી તારૂ બાઈક આપ. જેથી તેણે પોતાનાં બાઈકની ચાવી આપી હતી.તે ચાવીમાં તેના મકાનની ચાવી પણ હતી. સાંજે શૈલેષ તેને બાઈક અને ચાવી પરત આપી ગયો હતો.રાત્રે તે ઘરે જતાં રૂમનાં લાકડાનાં કબાટનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો.
કબાટમાંથી સોનાનાં દાગીના ગાયબ હતાં,જેમાં તેની પત્નીની સોનાની બુટી, સોનાનો ચેઈન, સોનાની વીટી, પેન્ડન્ટ સેટ, વગેરે હતાં. ત્યારબાદ તેણે પોતાના ઘરની બાજુમાં આવેલા સીસીટીવી કેમેરા ચકાસતા મિત્ર શૈલેષ સાંજે તેના મકાનમાં જઈ થોડીવાર પછી બહાર નીકળતા જોવા મળ્યો હતો.જેથી તેણે જ ચોરી કર્યાનું સ્પષ્ટ થતાં ફરીયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે આરોપી શૈલેશની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.