જસદણના કોઠી ગામે બુંઢણપરી નદીના કાંઠે લમ્પી વાયરસથી મોતને ભેટેલા પશુઓના મૃતદેહ પાણી ભરેલા ખાડામાં રઝળ્યા
તંત્રની બેદરકારી: જસદણના કોઠી ગામે બુંઢણપરી નદીના કાંઠે લમ્પી વાયરસથી મોતને ભેટેલા પશુઓના મૃતદેહ પાણી ભરેલા ખાડામાં રઝળી રહ્યા છે.
- મૃત પશુઓનો યોગ્ય નિકાલ કરવા ગ્રામજનોની માંગણી, અસહ્ય દુર્ગંધથી માનવીમાં રોગચાળો ફેલાય તેવી દહેશત.
- 12 જેટલા પશુઓના મૃતદેહ પાણી ભરેલા ખુલ્લા ખાડામાં અને ખુલ્લી જગ્યામાં રઝળતા હોવાથી ગ્રામજનોની પરેશાની વધી.
જસદણ તાલુકાના કોઠી ગામે ગ્રામપંચાયત તંત્રની બેદરકારી સામે આવી છે. જેમાં લમ્પી વાયરસથી મોતને ભેટેલી 12 જેટલી ગાયોના મૃતદેહ બુંઢણપરી નદીના કાંઠે પાણી ભરેલા ખુલ્લા ખાડામાં અને ખુલ્લી જગ્યામાં રઝળતી હાલતમાં જોવા મળી રહ્યા છે. મૃત પશુઓને ગામમાંથી પસાર થતી બુંઢણપરી નદીના કાંઠે એક પાણી ભરેલા ખુલ્લા ખાડામાં અને ખુલ્લી જગ્યામાં ફેંકી દેવામાં આવ્યા હોવાથી આજુબાજુમાં અસહ્ય દુર્ગંધ પ્રસરી રહી છે. તેમ છતાં કોઠી ગ્રામપંચાયત તંત્ર દ્વારા મૃત પશુઓની દફનવિધિ કરવાના બદલે જ્યાંથી હજારો લોકોની સતત અવરજવર રહે છે અને ગામની મહિલાઓ જ્યાં નિયમિત કપડા ધોવા માટે આવે છે તેની બાજુની ખુલ્લી જગ્યામાં જ ફેંકી દેવામાં આવતા હોવાથી ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હાલ કોઠી ગામે પાણી ભરેલા ખુલ્લા ખાડામાં અને ખુલ્લી જગ્યામાં 12 જેટલી ગાયો મૃત હાલતમાં પડેલી જોવા મળી રહી છે. આ મૃત પશુઓ ખૂબ જ દુર્ગંધ મારતા હોવાથી ગ્રામજનો પરેશાન થઈ રહ્યાં છે. મૃત પશુઓની અસહ્ય દુર્ગંધથી માનવીમાં ભયંકર રોગચાળો ફેલાય તેવી દહેશતથી ગ્રામજનો ફફડી રહ્યાં છે. છતાં કોઠી ગ્રામપંચાયતના જવાબદારોના પેટનું પાણી પણ હલતું ન હોવાથી ગ્રામજનો મુંજવણમાં મુકાઈ ગયા છે. જેથી જેતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાકીદે રઝળતા આ મૃત પશુઓનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી કોઠી ગામના હજારો લોકોની માંગ ઉઠવા પામી છે.
તંત્રે જ્યાં મૃત પશુઓનો નિકાલ કર્યો છે, ત્યાંથી કોઠી-કનેસરા ગામને જોડતો જુનો રસ્તો પસાર થાય છે.
કોઠી ગ્રામપંચાયત દ્વારા જે જગ્યાએ મૃત પશુઓનો નિકાલ કરવામાં આવ્યો છે ત્યાંથી દરરોજ 1000 જેટલા લોકોની અવરજવર રહે છે. ગ્રામપંચાયતે જે જગ્યાએ મૃત પશુઓનો ખુલ્લા ખાડામાં અને ખુલ્લી જગ્યામાં નિકાલ કર્યો છે તેની બાજુમાંથી કોઠી-કનેસરા ગામને જોડતો જુનો રસ્તો પસાર થાય છે. હાલ આ મૃત પશુઓના લીધે અસહ્ય દુર્ગંધ પ્રસરતી હોવાથી હજારો લોકોના આરોગ્ય જોખમમાં મુકાયા છે. વધુમાં જ્યાં આ મૃત પશુઓનો નિકાલ કરાયો છે તેની બાજુમાં બુંઢણપરી નદી આવેલી છે. જ્યાં ગામની મહિલાઓ કપડા ધોવા માટે આવે છે. પણ ત્યાં અતિ ખરાબ દુર્ગંધ આવતી હોવાથી ગામની મહિલાઓ પણ કપડા ધોવા આવતી બંધ થઈ ગઈ હોવાનું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
ગ્રામપંચાયતે મૃત પશુઓને ખુલ્લા ખાડામાં અને ખુલ્લી જગ્યામાં ફેંકી દઈ લોકોના આરોગ્ય જોખમમાં મુક્યા છે: વલ્લભભાઈ ઝાપડીયા-કોઠી ગામના રહીશ.
ગ્રામપંચાયત દ્વારા ખુલ્લા ખાડામાં મૃત પશુઓને નાખવામાં આવ્યા છે. તે ખાડામાં પાણી ભરાઈ જતા હાલ જીવાતો વધી જવા પામી છે. જેના કારણે લોકોને આ ખાડાની બાજુમાંથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે. દરરોજ 1000 જેટલા લોકોને ફરજીયાત આ ખાડા પાસેથી પસાર થઈને વાડીએ જવું પડે છે. જ્યાં ખાડો કરવામાં આવ્યો છે તેની બાજુમાંથી કોઠી-કનેસરા ગામને જોડતો જુનો રસ્તો પસાર થાય છે. આવી રીતે ગ્રામપંચાયત મૃત પશુઓને ખુલ્લા ખાડામાં નાખે છે જેના લીધે લોકોના આરોગ્ય જોખમમાં મુકાયા છે. જ્યાં આ મૃત પશુઓ નાખવામાં આવે છે તેની બાજુમાં આખા ગામની મહિલાઓ કપડા ધોવા આવે છે. પણ ત્યાં અતિ ખરાબ દુર્ગંધ આવતી હોવાથી ગામની મહિલાઓ પણ કપડા ધોવા આવતી બંધ થઈ ગઈ છે. ગ્રામપંચાયતે ખરેખર મૃત પશુઓની દફનવિધિ કરવાના બદલે 12 જેટલા મૃત પશુઓને ખુલ્લા ખાડામાં અને ખુલ્લા મેદાનમાં ફેંકી દઈ ગ્રામજનોનું આરોગ્ય જોખમમાં મુક્યું છે. જો ગ્રામપંચાયતને મૃત પશુઓની યોગ્ય જગ્યાએ દફનવિધિ કરવાની ત્રેવડ ન હોય તો ગામના સેવાભાવી લોકોને જવાબદારી સોંપે.
હવે જો કોઈ લોકો આવી રીતે ખુલ્લામાં મૃત પશુઓને નાખશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે: વલ્લભભાઈ સોલંકી-સરપંચ પ્રતિનિધિ,કોઠી.
ગામમાં દરેક દિશામાં ગ્રામપંચાયતે મૃત પશુઓને દફન કરવા માટે ખાડાઓ તો કરી આપ્યા છે પણ અમુક લોકો જાણી જોઈને ખુલ્લા ખાડામાં અને ખુલ્લી જગ્યામાં મૃત પશુઓને નાખીને ચાલ્યા જ્યાં છે અને દાટતા પણ નથી. ગ્રામપંચાયત દ્વારા તો મૃત પશુઓની દફનવિધિ જ કરવામાં આવે છે. પણ અમુક લોકો આવી રીતે ખુલ્લામાં નાખીને ચાલ્યા જાય છે એમાં ગ્રામપંચાયત શું કરે. ગ્રામપંચાયતે ખાડા તો કર્યા છે છતાં અમુક લોકો ખુલ્લામાં મૃતદેહ નાખીને ચાલ્યા જાય છે. ખરેખર જે કોઈનું મૃત પશુ હોય તેને ગ્રામપંચાયતે ખોદેલા ખાડામાં નાખીને તેને દાટવા જોઈએ. ગામમાં દરરોજ લમ્પી વાયરસના લીધે 4થી5 પશુઓ મૃત્યુ પામે છે અને તે લોકો આવી રીતે ખુલ્લી જગ્યામાં નાખીને ચાલ્યા જાય તો આમાં ગ્રામપંચાયત કેટલું ધ્યાન રાખે. અમે ગ્રામજનોને જણાવેલ છે કે જે કોઈના પશુઓ મૃત્યુ પામે તો ગ્રામપંચાયતે ખોદેલા ખાડામાં નાખે અને મીઠું નાખીને તેને દાટવા. પણ અમુક લોકો તેનું પાલન કરતા નથી અને રાત્રીના સમયે આવી રીતે મૃત પશુને ખુલ્લામાં નાખીને ચાલ્યા જાય છે. હવે ખરેખર ગામના દરેક લોકોએ ધ્યાન આપવું જોઈએ અને સહકાર આપવો જોઈએ. ગઈકાલે આથમણી સીમે 9 મૃત પશુઓ ખુલ્લામાં પડ્યા હતા તેની અમે દફનવિધિ કરી હતી.
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.