મ્યુનિસિપલ હેરીટેજ વિભાગની બેદરકારીથી, ઐતિહાસિક રાયખડ દરવાજાનો વધુ એક જર્જરીત ભાગ ધરાશાયી થયો
અમદાવાદ,રવિવાર,28
ઓગસ્ટ,2022અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરીટેજ વિભાગની
બેદરકારીથી શનિવારે શહેરના રાયખડ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક રાયખડ દરવાજાનો વધુ એક
ભાગ ધરાશાયી થવા પામ્યો છે.જે સમયે આ દરવાજાની સીડીનો ભાગ ધરાશાયી થયો હતો એ સમયે
જાગૃત નાગરિક અને સ્થાનિક કોર્પોરેટર દ્વારા હેરિટેજ વિભાગના અધિકારીનું આ બાબતમાં
ધ્યાન દોરવામાં આવ્યુ હતુ.પરંતુ હેરિટેજ વિભાગના અધિકારીએ સીડી રીપેર કરાવી કાળમાળ
ખસેડી કામગીરી પુરી થઈ હોવા અંગેનો સંતોષ માન્યો હતો.જો એ સમયે જ ગંભીરતા દાખવીને
દરવાજાના અન્ય જર્જરીત ભાગના સમારકામ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યુ હોત તો
શનિવારે દરવાજાનો વધુ એક ભાગ ધરાશાયી થયો ના હોત.જમાલપુર વોર્ડમાં આવેલ ઐતિહાસિક રાયખડ દરવાજાનો ઐતિહાસિક
મોન્યુમેન્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.શહેરમાં ૧૦ જુલાઈ અને ૧૧ જુલાઈએ પડેલા
ભારેે વરસાદને પગલે જમાલપુર વોર્ડના એમ.આઈ.એમ.ના કોર્પોરેટર અફસાનાબાનુ ચિશ્તીએ આ
ઐતિહાસિક દરવાજાની મુલાકાત લીધી એ સમયે ઐતિહાસિક ધરોહર સમાન રાયખડ દરવાજામાં ઠેર
ઠેર તિરાડ જોવા મળતા તેમણે આ અંગે હેરીટેજ વિભાગના સંબંધિત અધિકારીનું ધ્યાન દોરતા
તેઓ દ્વારા તાકીદે સમારકામ કરવા અંગેની ખાતરી આપી હતી.જૂન-૨૦૧૯માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ
ઐતિહાસિક રાયખડ દરવાજાના રીસ્ટોરેશનની કામગીરી શરુ કરાવવામાં આવી હતી.રાયખડ
દરવાજાના રીસ્ટોરેશન માટે ધ્રાંગધ્રાના સેન્ડ સ્ટોનને ઉતારીને તેનું નંબરીંગ
કરવામાં આવ્યુ હતું.
એમ.આઈ.એમ.ના સ્થાનિક કોર્પોરેટર અફસાનાબાનુ ચિશ્તીએ
સીડી ધરાશાયી થવાની ઘટના સમયે ઐતિહાસિક
રાયખડ દરવાજાના અન્ય જર્જરીત ભાગ અંગે પણ હેરીટેજ વિભાગના અધિકારી આશિષ
ત્રાંબડીયાનું ધ્યાન આ બાબતમાં દોર્યુ હતુ.આમ છતાં જે તે સમયે માત્ર હેરીટેજ
વિભાગના અધિકારીએ કોન્ટ્રાકટર પાસેથી ફકત તુટેલી સીડી ઉપરનો કાટમાળ ખસેડી કામગીરી
પુરી કરાઈ હોવાનો સંતોષ વ્યકત કર્યો હોવાનું સ્થાનિક ચિશ્તીબાપુએ પ્રતિક્રીયા આપતા
કહયુ છે.શનિવારે ઐતિહાસિક એવા રાયખડ દરવાજાના શાહી કોટનો કેટલોક ભાગ ધરાશાયી થવા
પામ્યો છે.આ કોટની આસપાસ સ્થાનિકો મોટી સંખ્યામાં વસવાટ કરી રહયા છે.ઉપરાંત રસ્તા
ઉપર સતત ૨૪ કલાક વાહનોની અવરજવર પણ રહેતી
હોય છે.આ પરિસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે તેના હેરીટેજ વિભાગના
અધિકારી બેદરકારી દાખવશે તો મોટી દુર્ઘટના થવાની સંભાવના પણ નકારી શકાતી નથી.થોડા
સમય પહેલા જ ઐતિહાસિક રાયખડ દરવાજાનું ૮૬ લાખથી વધુની રકમના ખર્ચ સાથે સમારકામ
કરવામાં આવ્યુ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.