ડુમ્મસ રોડ દેસાઇ બંધુનું કારસ્તાન: ઘોડદોડ રોડની સોસાયટીનો પ્લોટ રૂ. 1.52 કરોડમાં વેચ્યા બાદ બીજા બેને વેચી માર્યો
- જમીન દલાલને વેચાણ કરી પેમેન્ટ પેટે રૂ. 1.52 કરોડ લઇ દસ્તાવેજ માટે ધક્કે ચઢાવ્યોઃ અન્યના નામે દસ્તાવેજ અને રજીસ્ટર સાટાખત કરી આપ્યોસુરતઘોડદોડ રોડની સંકલ્પ કો.ઓ. સોસાયટીના પ્લોટ વેચાણ પેટે રૂ. 1.52 કરોડનું પેમેન્ટ લીધા બાદ દસ્તાવેજ માટે ધક્કે ચઢાવી બારોબાર અન્યના નામે વેચાણ દસ્તાવેજ અને રજીસ્ટર સાટાખત કરી આપનાર દેસાઇ બંધુ વિરૂધ્ધ ઉમરા પોલીસમાં વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાય છે. ઘોડદોડ રોડ સ્થિત હરમન ગાર્ડન એપાર્ટમેન્ટમાં રહેતા જમીન દલાલ ચેતન જ્યંતિલાલ શાહ (ઉ.વ. 58) એ વર્ષ 2016 માં ઘોડદોડ રોડ સ્થિત સંકલ્પ કો.ઓ. હા. સોસાયટીનો પ્લોટ દિપકચંદ્ર અંબેલાલ દેસાઇ અને તેના ભાઇ રજનીકાંત અંબેલાલ દેસાઇ (બંને રહે. રીવર પેલેસ, ડુમ્મસ રોડ, સુરત) પાસેથી રૂ. 3 કરોડમાં ખરીદયો હતો. પેમેન્ટ પેટે રૂ. 70 લાખ ચુકવી નોટોરાઇઝ સાટાખત કર્યો હતો. જયારે પેમેન્ટ પેટે નવસારી ખાતેના મેંગોનીસ પ્રોજેક્ટનો પ્લોટના રૂ. 82 લાખનું પેમેન્ટ સંકલ્પ કો.ઓ. સોસાયટીના પ્લોટના અવેજ પેટે જમા કરાવી નવો નોટારાઇઝ સાટાખત તૈયાર કર્યો હતો. પરંતુ ત્યાર બાદ બાકી અવેજ પેટેની રકમ ચુકવવા ચેતન તૈયાર હોવા છતા પ્લોટનો દસ્તાવેજ કરી આપવા માટે વાયદા કરી હવે જો દસ્તાવેજ કે પેમેન્ટની ઉઘરાણી કરશે તો પ્લોટ ભુલી જાવ એમ કહી ગાળાગાળી કરી હતી. ઉપરાંત જુલાઇ 2017 માં ધર્મેન્દ્ર પદ્દમશી પટેલને વેચાણ દસ્તાવેજ અને ઓગસ્ટ 2017 માં પુષ્પક કિશોર વિરાસને રજીસ્ટર સાટાખતથી વેચાણ કરી વિશ્વાસઘાત કર્યો હતો. જેથી ચેતને કોર્ટમાં ફરીયાદ કરતા મુદ્દતમાં પણ હાજર નહીં રહેતા છેવટે પોલીસ ફરીયાદ નોઁધાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.