વડોદરા: ઓનલાઇન કાર ભાડે મેળવી પરત નહીં આપી છેતરપિંડી આચરી
વડોદરા,તા.26 ઓગષ્ટ 2022,શુક્રવારઓનલાઇન કાર ભાડેથી બુક કરાવ્યા બાદ મુદત પૂર્ણ થતા ખોટા વાયદા કરી કાર પરત નહીં આપી છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદના આધારે સીટી પોલીસે આરોપી વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નથી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગેની વિગત એવી છે કે, શહેરના બાજવાડા ખાતે રહેતા ગૌરાંગભાઈ ભટ્ટ ખાનગી બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમણે લોન ઉપર મારુતિ સુઝુકી કંપનીની બ્રેઝા કાર ખરીદી હતી. જે કાર બેંગ્લોર ખાતે આવેલ અને કાર ભાડે આપવાનું કામ કરતી કંપનીમાં કાર ભાડે મૂકી હતી. 16 મી ઓગસ્ટના રોજ કંપની તરફથી મેસેજ આવ્યો હતો કે, તમારી કાર અરશદ મુસ્તાકઅલી પઠાણ (રહે - નબી મોહલ્લો ,કલ્યાણ નગર) એ 16 ઓગસ્ટ થી 20 ઓગસ્ટ સુધી બુકિંગ કરાવી છે. ત્યારબાદ ઉપરોક્ત અરશદ નામનો વ્યક્તિ ફરિયાદીના ઘરેથી કાર લઈ ગયો હતો. સમય મર્યાદા પૂર્ણ થતા કાર પરત આપી ન હતી. અને ખોટા વાયદા કર્યા હતા. જે અંગે તેમણે કંપનીમાં તેમજ પોલીસને જાણ કરી હતી. તપાસ કરતા કારનું જીપીએસ પણ બંધ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે કારનું લાસ્ટ લોકેશન અમદાવાદના અમીના મસ્જિદ મકરબા રોડનું મળી આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.