સાહેબ ઘરની બહાર નીકળતાં પણ ડર લાગે છે, શહેરનું નામ ‘ખાડાગઢ’ કરી આપો…
- 'જો શહેરને નગરપાલિકાનો દરજ્જો પાછો ન આપી શકાતો હોય તો જુનાગઢના સત્તાધીશો, અધિકારીઓને પગપાળા જુનાગઢના રસ્તાઓ પર ફરવા હુકમ કરો'જુનાગઢ, તા. 26 ઓગષ્ટ 2022, શુક્રવારદેશભરના પર્યટકો ઐતિહાસિક મહત્વ ધરાવતા જુનાગઢ શહેરની મુલાકાત લેતા હોય છે. જુનાગઢમાં ગિરનારનો રોપ-વે આનંદની અનુભૂતિ કરાવે છે પરંતુ શહેરના રસ્તાઓ પરથી પસાર થનારી વ્યક્તિ એ શહેરને ખાડા માટે જ યાદ રાખશે. ગેસ, પાણી, વાયરિંગ વગેરે કામો માટે શહેરના રસ્તાઓ પર સતત ખોદકામ ચાલતું રહે છે જેથી ઠેર-ઠેર વિકરાળ ખાડાઓ જોવા મળતા હોય છે. તેમાં પણ ચોમાસામાં તો લોકોની હાલત કફોડી બની જતી હોય છે. ત્યારે શહેરના એક જાગૃત નાગરિકે મુખ્યમંત્રીને પત્ર લખીને શહેરનું નામ 'ખાડાગઢ' કરી આપવા માટે અરજી કરી છે. મહાનગરપાલિકાનો દરજ્જો પાછો લઈ લો..શહેરના શશીકુંજ રોડ પાસે સ્નેહલ પાર્ક-1 સોસાયટીમાં રહેતા એમીશ એમ. મેંદપરા નામના નાગરિકે સચિવાલય ખાતે પત્ર મોકલ્યો છે. આ ઉપરાંત તેમણે જુનાગઢ મહાનગરપાલિકાના મેયર અને કમિશનર તથા રાજ્યના શહેરી વિકાસ મંત્રીને પણ પત્રની નકલ મોકલી આપી છે. તેમણે મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જુનાગઢનું નામ ખાડાગઢ કરવા અને શહેરનો મહાનગરપાલિકાનો દરજ્જો પાછો લઈને તેને નગરપાલિકામાં ફેરવી આપવા માટે જણાવ્યું છે. સત્તાધીશોને શહેરમાં પગપાળા ફેરવોતેમણે લખ્યું છે કે, શહેરીજનોએ જે આશયથી મહાનગરપાલિકાની માગણી કરી હતી તે સિદ્ધ થવાના બદલે જુનાગઢની સ્થિતિ દિવસેને દિવસે ખૂબ જ ખરાબ અને દયનીય બની રહી છે. જો શહેરને નગરપાલિકાનો દરજ્જો પાછો ન આપી શકાતો હોય તો જુનાગઢના સત્તાધીશો, અધિકારીઓને પગપાળા જુનાગઢના રસ્તાઓ પર ફરવા હુકમ કરવા જણાવ્યું છે જેથી તેઓ લોકોને ભોગવવી પડતી પીડાનો આંશિક અનુભવ કરી શકે. પત્રમાં રસ્તા પરના ખાડાઓ, રખડતાં ઢોરની સમસ્યા, ઉભરાતી ગટરો, અંડરબ્રિજ-ઓવરબ્રિજના અભાવે જોવા મળતી ટ્રાફિકની સમસ્યા વગેરેનો ઉલ્લેખ કરીને ઘરની બહાર નીકળતા ડર લાગતો હોવાની લાગણી વ્યક્ત કરી છે. આ સાથે જ 'ડર લાગે છે' શીર્ષક હેઠળ એક સ્વલિખિત કવિતા દ્વારા શહેરીજનોની વેદનાને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે અને સારા રસ્તા સહિતની સગવડો કરી આપવા જણાવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.