પરિમલ ગાર્ડન પાસેથી ક્રાઈમબ્રાંચે વોચ ગોઠવી બે લાખના એમડી ડ્રગ્સ સાથે બેને ઝડપ્યા - At This Time

પરિમલ ગાર્ડન પાસેથી ક્રાઈમબ્રાંચે વોચ ગોઠવી બે લાખના એમડી ડ્રગ્સ સાથે બેને ઝડપ્યા


અમદાવાદ,તા.26 ઓગષ્ટ 2022,શુક્રવાર શહેર ક્રાઈમબ્રાંચની ટીમે પરિમલ ગાર્ડન પાસે વોચ ગોઠવીને બુધવારે રાત્રે એમડી ડ્રગ્સના જથ્થા બે શખ્સને ઝડપી લીધા હતા. છેલ્લા કેટલાક સમયથી પોલીસનો માણસ રાજા બિલ્લી ડ્રગ્સ પેડલર બની ગયાની ચર્ચાએ જોર પકડતા ક્રાઈમબ્રાંચે તપાસ કરી હતી. દરમિયાનમાં પોલીસને બાતમી મળી કે, કેરિયર ફૈઝલ પરિમલ ગાર્ડન પાસે શાહીદ ઉર્ફ રાજા બિલ્લીને ડ્રગ્સ સપ્લાય કરવા માટે પરિમલ ગાર્ડન આવવાનો છે.જે માહિતીને પગલે પોલીસે બંને પર વોચ ગોઠવી બંને ભેગા થાય તેની રાહ જોઈ હતી. પોલીસ નજીક આવતા રાજા બિલ્લીએ દોડધામ કરી પણ પોલીસે ગણતરીના સમયમાં બિલ્લીને ઝડપી લીધો હતો. પોલીસનો માણસ રાજા બીલ્લી ડ્રગ્સ પેડલર નિકળ્યો!  : પોલીસને જોઈ ભાગ્યો પણ પકડાયો ક્રાઈમબ્રાંચના પીઆઈ ડી.બી.બારડની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને આરોપી શાહીદ ઉર્ફ રાજા બીલ્લી હાસમભાઈ શેખ (ઉં,૩૩) રહે, એઝાઝનગર, સૈયદવાડી, વટવા અને ફૈસલ મો.હુસેન શેખ (ઉં,૩૦) રહે, મુસ્લિમ સોસાયટી, નવરંગપુરાને ઝડપી લીધા હતા. બંને આરોપીઓની તપાસમાં પોલીસને કુલ્લે રૂ.૧,૯૯,૦૦૦નું ૧૯.૯૦૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. ફૈસલ આરોપી રાજા બીલ્લીને માલની ડિલીવરી કરવા માટે આવ્યોને બંને ઝડપાયા હતા. પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ ફૈસલખાન ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપી શાબાસખાન ઉર્ફ ટીપુ શરીફખાન પઠાણ રહે, મુસ્તુફા કસાઈની ચાલી, દાણીલીમડા પાસેથી મેફેડ્રોનનો જથ્થો લાવતો હતો. આ જથ્થો લાવીને જૂદા જૂદા ડ્રગ્સ પેડલરોને સપ્લાય કરતો હતો. પોલીસે ફરાર શાબાસ ઉર્ફ ટીપુ તેમજ અન્ય પેટા ડ્રગ્સ પેડલરો અંગે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ રાજા બીલ્લી અગાઉ ગુજરાત યુનિવર્સિટી અને વટવા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં તેમજ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં એમવી એક્ટના ગુનામાં પકડાયો છે. આરોપીઓ છેલ્લા ત્રણ વર્ષથી ડ્રગ્સના ધંધામાં હોવાની વિગતો મળતા પોલીસ પણ ચોંકી ગઈ છે. રાજા બીલ્લી પોલીસનો ખાસ માણસ બની તેની આડમાં આ ધંધો કરતો હતો. પોલીસને જોઈને સીજી રોડ ફૂટપાથ પરની રેલીંગ કૂદીને ભાગ્યો પણ જવાનોએ ચારે તરફથી ઘેરી લેતા પકડાઈ ગયો હતો. પોલીસે આરોપી પાસેથી બે લાખના ડ્રગ્સ ઉપરાંત બે મોપેડ, રોક્ડ રકમ અને મોબાઈલ ફોન મળીને કુલ રૂ.૩,૮૭,૨૮૦ની રકમનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.