બેનર પર દારૂની બોટલ દોરી ‘કોથળી નહી બોટલ જોઈએ’ ના લખાણ અંગે ફરિયાદ
અમદાવાદ,તા.26 ઓગષ્ટ 2022,શુક્રવાર ઈન્ક્મટેક્ષ ચાર રસ્તાથી પાલડી ચાર રસ્તા સુધી બુધવારે સવારે પદયાત્રાના કાર્યક્રમ કરનાર બે યુવકો વિરૂદ્ધ નવરંગપુરા પોલીસે પરવાના ભંગનો ગુનો દાખલ કર્યો છે. યુવકોએ બેનર પર દારૂની બોટલ દોરી લખ્યું હતું કે, 'કોથળી નહી પણ બોટલ જોઈએ, ગુજરાત લઈને રહેશે, જય ગુજરાત' આ બેનરને સાથેનો ફોટો મોબાઈલ ફોનમાં પાડી બંને યુવકોએ પોલીસ કમિશનરના પરવાનાનો ભંગ કર્યાનો ઉલ્લેખ પોલીસે કર્યો હતો. ઈન્કમટેક્ષથી પાલડી સુધી બેનર સાથે પદયાત્રા કરનાર તત્વોએ પરવાનાનો ભંગ કર્યાનો ઉલ્લેખ નવરંગપુરા પોલીસે નરેશભાઈ નારણભાઈ પ્રિયદર્શી (ઉં,૪૦) રહે, ખાડાવાળી ચાલી, નરોડા રોડ અને લલીત પરષોતમભાઈ પરમાર (ઉં,૨૭) રહે, દેદાદરા, વઢવાણ તાલુકો સુરેન્દ્રનગર જીલ્લા વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસ ફરિયાદ મુજબ બંને યુવકે પદયાત્રાના કાર્યક્રમ રાખી બેનર દારૂની બોટલ દોરી તેની પર લખેલા લખાણવાળો ફોટો મોબાઈલ ફોનમાં પાડયો હતો. લાલ કલરના સિમ્બોલમાં બેનર પર જય ગુજરાત લખ્યું હતું. પોલીસે આ બંને યુવકોને અટક કરી નવરંગપુરા પોલીસ સ્ટેશને લાવી હતી. બંને સામે પરવાના ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરાઈ હતી. નરેશ નારણભાઈ પ્રિયદર્શીએ આ બેનર કાઢયાનું પોલીસે જણાવ્યું હતું. બંને યુવકોએ પદયાત્રાના કાર્યક્રમનું આયોજન કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.