વડોદરા: કલાલી ગામના તળાવમાં અંતે સાફ-સફાઈની કામગીરી શરૂ કરાઈ
- તળાવ સુંદર બનાવ્યા બાદ કોર્પોરેશનએ પૂરતું ધ્યાન નહીં આપતા તળાવમાં જંગલી વેલા વનસ્પતિનો ઉપદ્રવવડોદરા,તા.26 ઓગષ્ટ 2022,શુક્રવારવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના કલાલી ગામમાં આવેલા તળાવને સુંદર બનાવવા કરોડોના ખર્ચ પછી પણ તેના પ્રત્યે ધ્યાન નહીં આપતા તળાવની હાલત બદતર બની છે, પરિણામે તેમાં ગંદકી અને જંગલી વનસ્પતિ ઊગી નીકળતા સફાઈ કરવાની માગણી ઉઠી હતી. જેના પરિણામે આજરોજ વડોદરા કોર્પોરેશન દ્વારા કલાલી તળાવની જંગલી વનસ્પતિ કાપવા સહિતની સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. હજુ ગઈકાલે જ તળાવમાં ગંદા અને પ્રદૂષિત પાણીના કારણે અસંખ્ય માછલીઓના મોત થયા હતા અને તેના પરિણામે દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાઈ તેવી હાલત ઊભી થઈ હતી. સામાજિક કાર્યકરે પણ આક્ષેપ કર્યો હતો કે તળાવને સુંદર બનાવવા ફરતે રેલિંગ નાખી દીધા બાદ તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવતા તળાવ કચરા અને ગંદકી ઉત્પન્ન કરતું કેન્દ્ર બની ગયું હતું. જોકે મોડે મોડે પણ કોર્પોરેશન તંત્ર દ્વારા જંગલી વનસ્પતિ અને ઝાડી ઝાંખરા કાપવાની શરૂઆત કરવામાં આવતા તળાવ ચોખ્ખું બનશે તેવી ધારણા છે. માત્ર કલાલી જ નહીં શહેરના બીજા તળાવોને પણ સુંદર બનાવ્યા બાદ પૂરતી કાળજી નહીં લેવામાં આવતા તળાવમાં લીલ બાઝી જાય છે અને જંગલી વનસ્પતિ નો ઉપદ્રવ વકરે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.