રાજકીય લાભ ખાટવા મીડિયામાં મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું : નીતિન ગડકરી - At This Time

રાજકીય લાભ ખાટવા મીડિયામાં મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું : નીતિન ગડકરી


નવી દિલ્હી, તા.૨૫માર્ગ, પરિવહન અને હાઈવે મંત્રાલયના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તેમના ટીકાકારો અને સોશિયલ મીડિયાના એક વર્ગ પર તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવાનો આક્ષેપ મૂક્યો હતો. આ સાથે તેમણે આવા લોકો સામે કાયદાકીય માર્ગ અપનાવવાની ચેતવણી આપી હતી. નીતિન ગડકરીએ એક ટ્વીટ કરીને કહ્યું કે, આજે ફરી એક વખત મુખ્ય પ્રવાહના મીડિયા, ઈન્ટરનેટ મીડિયાના એક વર્ગ અને કેટલાક લોકોએ રાજકીય ફાયદા માટે મારા વિરુદ્ધ ધૃણાસ્પદ અને ખોટું અભિયાન ચાલુ રાખવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે અને જાહેર સમારંભોમાં અપાયેલા મારા નિવેદનોને યોગ્ય સંદર્ભ વિના રજૂ કરાઈ રહ્યા છે.નીતિન ગડકરીએ મંગળવારે એક પુસ્તક વિમોચન સમારંભમાં તેમના ભાષણની યૂ-ટયૂબ લિંક ટ્વીટ કરી, જેના કેટલાક અંશો ઈન્ટરનેટ મીડિયા પર વાઈરલ થયા છે. આ અંશોમાં ગડકરીએ મોદી સરકારની ટીકા કરી હોવાના તેમજ તેઓ ભાજપ છોડી રહ્યા હોવાના દાવા થઈ રહ્યો છે. ગડકરીએ ગુરુવારે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને પીએમઓને ટેગ કરીને કહ્યું કે, મારા વિરુદ્ધ દુર્ભાવનાપૂર્ણ પ્રચાર કરનારા તત્વોથી તેઓ ડર્યા નથી અને તેમના આવા કૃત્યો ચાલુ રહેશે તો હું કાયદાકીય માર્ગ અપનાવવામાં સંકોચ નહીં કરું.નીતિન ગડકરીનો એડિટ કરાયેલો વીડિયો રજૂ કરીને આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય સિંહે ટ્વીટ કરીને સવાલ કર્યો હતો કે ગડકરી આવું કેમ કહી રહ્યા છે. ભાજપમાં મોટી ગડબડ ચાલી રહી છે. ગડકરીએ તેમના નિવેદન અંગે ખૂલાસો કરતી આ ટ્વીટ એવા સમયે કરી છે જ્યારે એક અગ્રણી અખબારે તેના અહેવાલમાં ભાજપના અનેક વરિષ્ઠ સૂત્રોને ટાંકીને પૂર્વ ભાજપ અધ્યક્ષને સમાચારોમાં રહેવા માટેના નિવેદનો આપવાની પ્રવૃત્તિ માટે સંસદીય બોર્ડમાંથી હટાવાયા હોવાનું જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.