જળ, વાયુ ને જમીનના પ્રદુષણના ઑડિટને નામે બેથી દસ લાખની ફી લેતા ઑડિટર્સ - At This Time

જળ, વાયુ ને જમીનના પ્રદુષણના ઑડિટને નામે બેથી દસ લાખની ફી લેતા ઑડિટર્સ


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવારગુજરાત પ્રદુષણ બોર્ડ કેમિકલ, ટેક્સટાઈલ અને ફાર્માસ્યૂટિકલ ઉદ્યોગના એકમોને તેમના જળ, વાયુ અને જમીનના પ્રદુષણ અંગેના ઑડિટ રિપોર્ટ તે સૂચવે તે જ ઑડિટર પાસેથી કરાવવાની ફરજ પાડે છે. આ માટે રૃા. ૨.૫ લાખથી માંડીને રૃા. ૧૦ લાખ સુધીની ફી ચૂકવવાની ફરજ પાડવામાં આવી છે. તેનાથી સમગ્ર ગુજરાતના ઉદ્યોગોમાં નારાજગી વધી રહી છે. કારણે હજી પાંચ વર્ષ પહેલા જે ઑડિટ માટે વર્ષના રૃા. ૮૦,૦૦૦ની આસપાસ ચૂકવવા પડતા હતા તે જ ઑડિટ રિપોર્ટ કરાવવા માટે નાના એકમોએ રૃા. ૨.૫ લાખ અને મોટા એકમોે રૃા. ૧૦ લાખ ચૂકવવા પડી રહ્યા છે. ઑડિટર જે રિપોર્ટ તૈયાર કરીને આપે તે વાંચવાના પણ ગુજરાત પ્રદુષણ બોર્ડ રૃા. ૨૦,૦૦૦ વસૂલે છે.સૌથી વધુ આઘાતજનક બાબત તો એ છે કે જળ, વાયુ અને જમીનના પ્રદુષણ માટે ઔદ્યોગિક એકમ જવાબદાર છે કે નહિ તે નક્કી કરવા માટે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ નક્કી કરી આપે તે જ ઑડિટર પાસેથી રિપોર્ટ કરાવવો પડે છે. જોખમી કચરાનો નિકાલ કરતાં એકમો માટે શિડયુલ ૧ હેઠળ ઑડિટ કરાવવું ફરજિયાત છે, પરંત તેને માટે વસૂલવામાં આવતી ફી ઘણી જ વધારે છે. કેમિકલ, ફાર્મા અને ટેક્સટાઈલ ઉદ્યોગના એકમોની એવી ફરિયાદ છે કે સરકાર ઑડિટ રિપોર્ટ માગવાને અને અમે તે રજૂ કરવાને કાયદેસર બંધાયેલા છીએ.પરંતુ જીપીસીબી નક્કી કરે તે જ ઑડિટર પાસે રિપોર્ટ કરાવવાનો દુરાગ્રહ રાખે તે ઉચિત નથી. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે ઑડિટરની પેનલ બનાવીને તેમાંથી ઉદ્યોગોને જે યોગ્ય લાગે તે વ્યક્તિ કે સંસ્થા પાસે ઑડિટ કરાવવાની છૂટ આપવી જોઈએ. આ છૂટ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ આપતું નથી. તેમ જ તેને માટેની ફી પણ ઉદ્યોગોને કહેવામાં આવે તે ચૂકવી દેવાની ફરજ પાડવામાં આવી રહી છે. આ ફીમાં છેલ્લા પાંચ સાત વર્ષમાં જ ૧૦ ગણો વધારો કરી દેવામાં આવ્યો છે. જે અયોગ્ય છે. આ ઑડિટ રિપોર્ટ તૈયાર થયા પછી તે વાંચવાના રૃા. ૨૦,૦૦૦ પણ જે તે ઔદ્યોગિક એકમો પાસેથી જ લેવામાં આવે છે. પરંતુ પૈસા લીધા પછીય ઑડિટ કરેલા રિપોર્ટ્સ વંચાય છે કે નહિ તે પણ ખબર પડતી નથી. બીજીતરફ ઑડિટ ન કરાવે તો ગુજરાત હાઈકોર્ટના ચૂકાદાનો જે તે પાર્ટી અનાદર કરતી હોવાનો આક્ષેપ મૂકીને જીપીસીબી તેમના પર કોન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો કેસ પણ કરે છે. ગુજરાતમાં ૨૦૦૦થી વધુ ઔદ્યોગિક એકમોને તથા ૩૬ સીઈટીપીને તથા ૬ ટીએસડીએફ સાઈટ-ઘન કચરો ડમ્પ કરવાની સાઈટને માટે ઑડિટ રિપોર્ટ તૈયાર કરાવી જીપીસીબીમાં રજૂ કરવા કાયદાકીય જોગવાઈ હેઠળ ફરજિયાત છે. આ મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રીને પણ ઉદ્યોગોએ રજૂઆત કરી છે. ગુજરાતના ઉદ્યોગોનું કહેવું છે કે ઔદ્યોગિક એકમની સ્થાપના કરતી વખતે એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપવામાં આવે છે. પર્યાવરણના જાણકારો નવા એકમને કારણે થનારા પ્રદુષણનો અભ્યાસ કરીને પછી તેની મંજૂરી આપે છે. આ સંજોગોમાં ત્યારબાદના વર્ષોમાં વર્ષમાં બે બે વાર ઑડિટ કરાવીને ઔદ્યોગિક એકમોને મોટા ખર્ચના ખાડામાં ઉતારવા ઉચિત નથી.    


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.