હાઇકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર કરાવવા હવે બાર કાઉન્સીલ મેદાનમાં - At This Time

હાઇકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર કરાવવા હવે બાર કાઉન્સીલ મેદાનમાં


- આગામી દિવસોમાં રણનીતિ નક્કી થાય તેવી શકયતાઅમદાવાદ,તા.25 ઓગષ્ટ 2022,ગુરૂવારગુજરાત હાઇકોર્ટમાં કોર્ટ કામગીરી માટે સત્તાવાર ભાષા તરીકે ગુજરાતી ભાષાને સામેલ કરવા અંગે તાજેતરમાં જ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના પ્રમુખ અસીમ પંડયાએ રાજયપાલને લખેલા પત્રને લઇ હવે સર્જાયેલા વિવાદ બાદ ગુજરાત હાઇકોર્ટના વકીલો વચ્ચે જૂથવાદ અને બે ફાંટા પડયાની સ્થિતિ સામે આવી છે. ત્યારે હવે ગુજરાત બાર કાઉન્સીલ પણ આ સમગ્ર મામલે મેદાનમાં આવી છે. ખુદ બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા સહિત અન્ય કેટલાક સભ્યો આ મુદ્દે ગુજરાત બાર કાઉન્સીલને પત્ર લખ્યો છે અને આ સમગ્ર મામલે રાજયભરના ૨૭૨ બાર એસોસીએશનને વિશ્વાસમાં લઇ વિશાળ પ્રતિનિધિમંડળ સાથે રાજયપાલને મળવાની માંગણી કરી છે.જિલ્લા-તાલુકા કક્ષાના વકીલોને પણ હાઇકોર્ટમાં ગુજરાતી ભાષામાં કેસની સુનાવણી કરવા દેવા માંગણી ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર ભાષા તરીકે સમાવિષ્ટ કરવાની માંગ સાથે ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા અને ભરત ભગત સહિતના સભ્યોએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે, રાજયમાં આશરે એક લાખથી વધુ વકીલો બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં નોંધાયેલા છે, જેમાંથી આશરે પાંચ હજાર વકીલો ગુજરાત હાઇકોર્ટમાં વકીલાત કરે છે. બાકીના વકીલો કાયદાકીય જ્ઞાન અને અનુભવ ધરાવતાં હોવાછતાં પણ હાઇકોર્ટમાં માત્ર અંગ્રેજી ભાષાનો ઉપયોગ થતો હોવાથી તેઓ હાઇકોર્ટમાં વકીલાત કરી શકતા નથી પરિણામે, ગુજરાતની પ્રજાને સસ્તો અને ઘરઆંગણે ન્યાય આપવાની સુપ્રીમકોર્ટ અને સરકારની પહેલ કયાંક અવરોધ પામે છે. ગુજરાત જિલ્લા-તાલુકા કક્ષાએ વકીલાત કરતાં વકીલો દ્વારા સેશન્સ કેસ કે દાવો ચલાવ્યો હોવાથી તેઓને તે કેસ અંગેની માહિતી વધુ હોય છે. જો જિલ્લા-તાલુકા અદાલતના વકીલોને જો હાઇકોર્ટમાં માતૃભાષામાં  એટલે કે, ગુજરાતી ભાષામાં કેસ ચલાવવા દેવામાં આવે તો અસીલોને પણ સસ્તો અને ઝડપી ન્યાય ઉપલબ્ધ થઇ શકે. દેશના અન્ય રાજયોમાં સ્થાનિક માતૃભાષામાં હાઇકોર્ટમાં કેસ ચલાવી શકાય છે , તેથી બંધારણની અનુચ્છેદ ૩૮૪(૨) હેઠળ અંગ્રેજી ઉપરાંત માતૃભાષા ગુજરાતીમાં હાઇકોર્ટમાં કેસની સુનાવણી કરવાની મંજૂરી આપવાની સત્તા રાજયપાલને હોવાથી તાકીદે બાર કાઉન્સીલની સામાન્ય સભા બોલાવવામાં આવે અને રાજયના લાખો વકીલોના હિતમાં રાજયપાલને રૃબરૃ મળી આ મુદ્દે ઉગ્ર માંગણી કરવામાં આવે તેવી અરજ છે. આ માટે બાર કાઉન્સીલની અસાધારણ સભા બોલાવવા પણ માંગ કરાઇ છે. જેથી આ સમગ્ર મામલે રવિવારે ગુજરાત બાર કાઉન્સીલની મહત્વની બેઠક મળે તેવી શકયતા છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.