બિહાર, દિલ્હી, ઝારખંડ, તમિલનાડુમાં CBI-EDનો સપાટો - At This Time

બિહાર, દિલ્હી, ઝારખંડ, તમિલનાડુમાં CBI-EDનો સપાટો


- ચાર રાજ્યોમાં 50થી વધુ સ્થળે એજન્સીની ટીમો ત્રાટકતાં રાજકીય ગરમાવો- લાલુ રેલવે મંત્રી હતા ત્યારે સરકારી નોકરીઓના બદલામાં જમીન-પ્લોટનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ- ઝારખંડમાં હેમંત સોરેનના સહયોગીઓને ત્યાં દરોડા દરમિયાન ઇડીને બે એકે-૪૭ રાઇફલ મળી આવતા અનેક અટકળો- આ સીબીઆઇ કે ઇડીના નહીં પણ ભાજપના દરોડા છે, અમારા ધારાસભ્યોને ડરાવવા માગે છે : આરજેડીપટણા/નવી દિલ્હી : કેન્દ્રીય એજન્સીઓ સીબીઆઇ અને ઇડીએ દેશભરમાં કેટલાક રાજ્યોમાં સપાટો બોલાવ્યો છે. ખાસ કરીને બિનભાજપ શાસિત રાજ્યોના ૫૦થી વધુ સ્થળોએ એજન્સીઓએ દરોડા પાડયા છે. બિહારમાં વિધાનસભામાં નીતિશ સરકારના વિશ્વાસમત પહેલા જ સીબીઆઇએ ૨૪થી વધુ સ્થળોએ દરોડા પાડયા હતા. જદ(યુ)ને સમર્થન આપી સરકાર બનાવનારા લાલુ યાદવના પક્ષ આરજેડીના ચાર નેતાઓ સીબીઆઇની રડારમાં છે. જે સ્થળે દરોડા પાડવામાં આવ્યા તેમાં આરજેડી નેતાઓનો પણ સમાવેશ થાય છે. આ સાથે જ ઝારખંડ, બિહાર, દિલ્હી, તમિલનાડુમાં ઇડીએ પણ મોટા પાયે દરોડા પાડયા છે.  સીબીઆઇ દ્વારા બિહારમાં આ દરોડા એવા સમયે પાડવામાં આવ્યા છે જ્યારે એનડીએ સાથે છેડો ફાડીને નીતિશ કુમારે આરજેડી, કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી છે. જેને પગલે આરજેડીએ કહ્યું છે કે બદલાની ભાવનાથી કેન્દ્ર સરકારના ઇશારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ વિશ્વાસમત પહેલા જ બિહારના વિધાનસભાના સ્પીકરે રાજીનામુ આપી દીધુ હતું.  સીબીઆઇના આ દરોડા બાદ બિહારનું રાજકારણ ગરમાયું છે. આરજેડીના જે નેતાઓના સ્થળે સીબીઆઇએ દરોડા પાડયા છે તેમાં એમએલસી સુનિલસિંહ, પૂર્વ આરજેડી એમએલસી સુબોધ રોય, રાજ્યસભાના સાંસદ અશફાક કરીમ અને ફૈયાઝ અહેમદનો સમાવેશ થાય છે. એમએલસી સુનિલસિંહે દાવો કર્યો છે કે વિશ્વાસમત સમયે જ આ દરોડા પાડવામાં આવ્યા છે કે જેથી ધારાસભ્યોમાં ડર પેદા કરી શકાય, બિહારના ધારાસભ્યોને પોતાની તરફ કરવાનું કેન્દ્ર સરકારનું કાવતરું છે.બિહારમાં સીબીઆઇ દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા તે લાલૂ પ્રસાદ યાદવ જ્યારે રેલવે મંત્રી હતા ત્યારે જે ભરતી કૌભાંડ આચરવામાં આવ્યંુ તેની સાથે સંકળાયેલા છે. નોકરીના બદલામાં જમીન કે પ્લોટનો સોદો થયો હોવાના આરોપ છે. સીબીઆઇ અગાઉ લાલુ યાદવ, રાબડી દેવી, મીસા ભારતી, હેમા યાદવ અને એવા લોકોની સામે કેસ દાખલ કર્યો છે કે જેઓેને નોકરીના બદલામાં પ્લોટ કે જમીન આપવામાં આવી હતી. આ પહેલા પણ સીબીઆઇએ લાલુ યાદવ સાથે જોડાયેલા ૧૭ સ્થળોએ દરોડા પાડયા હતા.આરજેડી સાંસદ મનોજ જાએ કહ્યું હતું કે ડરાવવાના ઉદ્દેશ્યથી દરોડા માટે વિશ્વાસમતનો દિવસ પસંદ કરાયો છે. રાજકીય રીતે હરાવવામાં નિષ્ફળ રહ્યા હોવાથી એજન્સીઓનો ઉપયોગ કરી રહ્યા છે. આ સીબીઆઇ કે ઇડીના નહીં પણ ભાજપના દરોડા છે. સીબીઆઇના બિહારમાં દરોડા વચ્ચે ઇડીએ ગેરકાયદે ખનનમાં મની લોન્ડરિંગ મુદ્દે ઝારખંડ, દિલ્હી-એનસીઆર, બિહાર, તમિલનાડુ સહિતના રાજ્યોમાં ૨૦થી વધુ જેટલા સ્થળે દરોડા પાડયા છે. બીજી તરફ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના ધારાસભ્ય પ્રતિનિધિ પંકજ મિશ્રા અને બચ્ચૂ યાદવની પૂછપરછ બાદ ઇડીએ દરોડા પાડયા હતા. આ બન્ને નેતાઓની ઇડી દ્વારા ધરપકડ પણ કરવામાં આવી ચુકી છે. ઝારખંડમાં દરોડા દરમિયાન ઇડીને બે એકે-૪૭ રાઇફલ, ૬૦ કારતુસ મળી આવ્યા છે. મની લોન્ડરિંગના કેસમાં સામેલ પ્રેમ પ્રકાશના રાંચી સ્થિત ઘરેથી આ રાઇફલ મળી આવી છે. સ્થાનિક અપક્ષ ધારાસભ્ય સરયુ રોયે સવાલ કર્યો છે કે મુખ્યમંત્રી હેમંત સોનેરનના નજીકના ગણાતા  પ્રેમ પ્રકાશ પાસે આ એકે-૪૭ રાઇફલ ક્યાંથી આવી તેની તપાસ થવી જોઇએ. આ સમગ્ર મામલામાં આતંકી લિંક પણ હોવાની શક્યતાઓ છે.  જ્યારે ઝારખંડના અરોગોડા પોલીસ સ્ટેશનના એસએચઓ વિનોદ કુમારે દાવો કર્યો છે કે આ એકે-૪૭ રાઇફલ ઝારખંડ પોલીસની છે. તેને પ્રેમપ્રકાશના ઘરે કેમ રાખવામાં આવ્યા હતા તેની તપાસ ચાલી રહી છે.  બીજી તરફ ઝારખંડ સહિતના રાજ્યોમાં પડાયેલા દરોડા અંગે ઇડીએ કહ્યું હતું કે ઝારખંડમાં ગેરકાયદે માઇનિંગથી કરોડો રૂપિયા મેળવવામાં આવ્યા, જે પણ રકમ આ કેસમાં અત્યાર સુધીમાં જપ્ત થઇ છે તે ઝારખંડના સાહિબગંજ વિસ્તારમાં માઇનિંગમાંથી મેળવવામાં આવી હતી. આશરે ૧૦૦ કરોડથી વધુ રૂપિયા ગેરકાયદે માઇનિંગથી મેળવવામાં આવ્યા છે. એજન્સીએ ઝારખંડમાં અગાઉ મનરેગા યોજનામાં કરાયેલા કૌભાંડ મુદ્દે પણ ૩૬ સ્થળો દરોડા પાડયા હતા, જેમાં ૧૯.૭૬ કરોડ રૂપિયા જપ્ત કરાયા હતા.  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.