વકીલ પર હુમલાની ઘટના બાદ સરથાણા P.I એમ.કે.ગુર્જરની કંટ્રોલ રૂમમાં બદલી
- પોલીસ તંત્રમાં ડેમેજ કંટ્રોલનો પ્રયાસ- સારોલી પી.આઈ વી.એલ.પટેલનું સરથાણામાં પોસ્ટીંગ : ખરડાયેલી ઈમેજ સુધારવા PCB, SOG સહિત ચાર પી.આઈની આંતરીક બદલી સુરત, : સુરતના સરથાણા પોલીસ મથકની હદમાં ટીઆરબી સુપરવાઈઝર દ્વારા વકીલ પર હુમલાની ઘટના બાદ પોલીસની ખરડાયેલી ઈમેજ સુધારવા પ્રયાસ કરી રહેલા પોલીસ કમિશનરે આજરોજ સરથાણા પીઆઈ ગુર્જરની બદલી કરી કંટ્રોલ રૂમમાં ગોઠવી દીધા હતા.જયારે હજુ સુધી કાર્યરત નહીં થયેલા સારોલી પોલીસ મથકના પીઆઈ વી.એલ.પટેલને સરથાણામાં મૂકી ડેમેજ કંટ્રોલ કરવા પ્રયાસ કર્યો હતો.સુરતના લસકાણા વિસ્તારમાં પોલીસ ચોકી નજીક ગેરકાયદે ઉઘરાણા કરી રહેલી ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોનો ફેસબુક લાઈવ કરતા વકીલ મેહુલ બોઘરા ઉપર ટીઆરબી સુપરવાઈઝર સાજન ભરવાડે હુમલો કરતા તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આ ઘટનાને લીધે સુરત પોલીસની ઈમેજ ખરડાતાં ટ્રાફિક શાખામાં માનદ ફરજ બજાવતા 46 ટીઆરબી જવાનોને છુટા કરી મામલો શાંત કરવા પ્રયાસ કરાયો હતો.જોકે, વકીલ વિરુદ્ધ એક્ટ્રોસીટી અને ખંડણીની ફરિયાદ પણ નોંધાતા તે મામલે ફાટેલા આક્રોશને લીધે પોલીસ કમિશનરે આજરોજ સરથાણા પીઆઈ એમ.કે.ગુર્જરની બદલી કરીને તેમને કંટ્રોલ રૂમમાં ગોઠવી દીધા હતા.જયારે હજુ સુધી કાર્યરત નહીં થયેલા સારોલી પોલીસ મથકના પીઆઈ વી.એલ.પટેલને સરથાણામાં મૂકી ડેમેજ કંટ્રોલ કરવા પ્રયાસ કર્યો હતો.પોલીસ કમિશનર અજયકુમાર તોમરે આજરોજ કુલ ચાર પીઆઈની આંતરીક બદલી કરી હતી.તે અંતર્ગત પીસીબી અને એસઓજી પીઆઈની પણ આંતરીક બદલી કરવામાં આવી છે. પીસીબીમાં હાલ ફરજ બજાવતા પીઆઈ એસ.જે.ભાટીયા હવે એસઓજીની કમાન સંભાળશે.જયારે એસઓજી પીઆઈ આર.એસ.સુવેરા હવે પીસીબીની કમાન સંભાળશે. મહત્ત્વની બ્રાન્ચના પીઆઇની બદલી આગામી સમયમાં થનારી ચૂંટણીલક્ષી બદલીઓને લીધે કરવામાં આવી હોવાનું ચર્ચાય રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.