ઉત્તર ભારત વરસાદમાં જળમગ્ન : રાજસ્થાનથી બિહાર પાણી જ પાણી
- ભારે વરસાદના લીધે ભૂસ્ખલન અને કેટલાયનું સ્થળાંતર- ભારે વરસાદના લીધે કેટલાય વિસ્તારોના રસ્તાઓ જળમાર્ગ બન્યાઃ એનડીઆરએફની ટુકડીઓ મોકલાઈનવી દિલ્હી : રાજસ્થાનથી લઈ, બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશા, હિમાચલ પ્રદેશ, હરિયાણા જેવા બધા રાજ્યોમાં ભારે વરસાદના લીધે અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પામીની સ્થિતિ સર્જાઈ છે. આ રાજ્યોના શહેરો બેટ બની ગયા છે અને રસ્તાઓ જાણે નહેર બની ગયા છે. આ રાજ્યોના શહેરોનો કોઈ વિસ્તાર બાકી નહી હોય જે પાણીગ્રસ્ત નહી હોય. કેટલાય સ્થળોએ તો હોડીઓ લઈને ફરવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. પ્રયાગરાજ જેવા પ્રયાગરાજમાં તો હાલમાં પાણીનું એટલે કે વરુણદેવનું રાજ છે.રાજસ્થાનમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદના લીધે કોટા, ઝાલાવાડ અને તેની આસપાસના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. કોટા બેરેજમાંથી પાણી છોડવાના લીધે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કોટા બેરેજના કુલ ૧૯માંથી ૧૪ દરવાજા ખોલી કાઢીને લગભગ ચાર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. કોટામાં શાળાઓ અને કોચિંગ ઇન્સ્ટિટયુટ બંધ રાખવામાં આવ્યા હતા. કોટાની દરેક ગલીમાં પાણી જ વહેતું હતું. આટલું ઓછું હોય તેમ હવામાન વિભાગે હજી પણ ભારે વરસાદ પડવાની ચેતવણી આપી છે. મધ્યપ્રદેશમાં સળંગ ત્રીજા દિવસે ભારે વરસાદ પડતા રાજધાની ભોપાલ સહિત કેટલાય જિલ્લાઓમાં સ્કૂલો અને કોલેજો બંધ રાખવામાં આવી હતી. નદીઓ, નાળા, બંધો અને બેરેજમાં પાણીનો જંગી સ્ત્રોત આવતા કેટલાય બંધના દરવાજા ખોલી નાખીને પાણી છોડવામાં આવ્યું હતું. હવામાન વિભાગે ભારે વરસાદના પગલે પ્રવાસ કે મુસાફરી ટાળવાની સલાહ આપી છે. આ ઉપરાંત ઓડિશામાં ભારે વરસાદના લીધે ઉત્તરી ઓડિશાના અનેક જિલ્લા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ભારે વરસાદના લીધે બધી નદીઓનું પાણીનું સ્તર વધતા શહેરી વિસ્તારોમાં પણ પાણી ઘૂસી ગયા છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. લોકોને પણ કામ સિવાય ઘરની બહાર ન નીકળવા તાકીદ કરાઈ છે. આ સિવાય ભારે વરસાદે ઉત્તરપ્રદેશ અને બિહારને પણ ધમરોળ્યા છે. ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજ ખાતે તો પરિસ્થિતિ એવી હતી કે રસ્તા તો દેખાતા જ ન હતા, ફક્ત પાણી દેખાતુ હતુ. જ્યારે પટણામાં પણ ગંગા નદીનું સ્તર ભયજનક સપાટીની નજીક આવી ગયું હતું. હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં પાણીના લીધે થયેલી તારાજીનો આંક આપવો અઘરો છે. આના પગલે દરેક જોખમી વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ મોકલી દેવાઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.