દિલ્હીના જંતર-મંતર ખાતે આજે ખેડૂતોની મહાપંચાયત, 4થી 5 હજાર ખેડૂતો એકઠા થશે
- જંતર મંતર ખાતે આ પંચાયત સવારે 11:00 વાગ્યાથી સાંજે 4:00 વાગ્યા સુધી આયોજિત કરવામાં આવશેનવી દિલ્હી, તા. 21 ઓગષ્ટ 2022, સોમવારઆજે સંયુક્ત કિસાન મોરચાના આહવાન પર દિલ્હીના જંતર-મંતર પર ખેડૂત મહાપંચાયત છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે. સંયુક્ત કિસાન મોરચા એસકેએમે 22 ઓગસ્ટે દિલ્હીના જંતર-મંતર ખાતે કિસાન મહાપંચાયતનું એલાન કર્યું છે. જેના પગલે વિવિધ રાજ્યોમાંથી ખેડૂતો દિલ્હી જવા રવાના થયા છે. મળતી માહિતી મુજબ આ એક દિવસીય કાર્યક્રમ હશે જેનું આયોજન સંપૂર્ણ શાંતિ અને અનુશાસન સાથે કરવામાં આવશે. આજે જંતર-મંતર ખાતે ખેડૂતોના વિરોધ પ્રદર્શનના એલાન પહેલા સિંઘુ બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ સાથે પાટનગરમાં આવતા વાહનો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.જંતર મંતર ખાતે આ પંચાયત સવારે 11:00 વાગ્યાથી સાંજે 4:00 વાગ્યા સુધી આયોજિત કરવામાં આવશે. આ પંચાયતના સમાપન બાદ મહામહિમ રાષ્ટ્રપતિને એક મેમોરેન્ડમ સોંપવામાં આવશે. સંયુક્ત કિસાન મોરચાએ માહિતી આપતા જણાવ્યું કે, જો સરકાર કોઈપણ પ્રકારનો ગડબડ કરવાનો પ્રયાસ કરશે તો તેના માટે સરકાર પોતે જ જવાબદાર રહેશે. ખેડૂત પંચાયત દ્વારા અનેક માંગણીઓ કરવામાં આવી રહી છે. જેમાં એક મુખ્ય માંગણી એ છે કે, લખીમપુર ખેરી હત્યાકાંડના ખેડૂત પરિવારોને ન્યાય મળવો જોઈએ જ્યારે જેલમાં બંધ ખેડૂતોને મુક્ત કરવામાં આવે અને હત્યાકાંડના મુખ્ય ગુનેગાર કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીની ધરપકડ કરવામાં આવે. આની સાથે જ એ પણ માગ કરવામાં આવી છે કે, સ્વામીનાથન આયોગના C2+50% ફોર્મ્યુલા પ્રમાણે MSPની ખાતરીનો કાયદો બનાવવામાં આવે અને દેશના બધા ખેડૂતોને દેવામુક્ત કરવામાં આવે. વીજ બિલ 2022 રદ કરવામાં આવે. ખેડૂતોની મુખ્ય માંગ એ પણ છે કે, શેરડીના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવે અને શેરડીની બાકી રકમ તાત્કાલિક ચૂકવવામાં આવે. બીજી તરફ ખેડૂતોના આંદોલન દરમિયાન દાખલ થયેલા તમામ કેસ પાછા ખેંચવાની સાથે અગ્નિપથ યોજનાનો મુદ્દો પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.ટ્રાફિક પોલીસના જણાવ્યા પ્રમાણે સોમવારે સવારે 11:00 વાગ્યાથી જંતર મંતર ખાતે કિસાન મહાપંચાયત શરૂ થઈ થશે જેમાં લગભગ 4થી 5 હજાર લોકો સામેલ થવાની સંભાવના છે. પરિણામે ટોલ્સટોય માર્ગ, સંસદ માર્ગ, જનપથ, વિન્ડસર પ્લેસ, કનોટ પ્લેસ, અશોક રોડ, બાબા ખરક સિંહ માર્ગ, પંડિત પંત માર્ગ સહિત નજીકના ઘણા રસ્તાઓ પર દિવસભર ભીડ રહેવાની શક્યતા છે. આ સાથે સ્થાનિક પોલીસ ઘણી જગ્યાએ બેરિકેડિંગ પણ કરી શકે છે. તેથી ટ્રાફિક પોલીસે લોકોને સવારે વધારાનો સમય કાઢીને ઘરની બહાર નીકળવા અને ભીડથી બચવા ખાનગી વાહનોને બદલે મેટ્રોનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. આ મહાપંચાયતમાં સામેલ થવા માટે પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કેરળ, પશ્ચિમ બંગાળ, બિહાર, સહિત બીજા રાજ્યના ખેડૂતો પણ રવાના થઈ ચૂક્યા છે. પાડોશી રાજ્યોમાંથી હજારો ખેડૂતોના આગમન બાદ પણ સાંજ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે. એસકેએમના જણાવ્યા પ્રમાણે જ્યાં ખેડૂતોને મહાપંચાયતમાં ભાગ લેતા રોકવામાં આવશે ત્યાં તેઓ મહાપંચાયત કરશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.