જામનગરમાં મોહનનગરના ઢાળિયા પાસે એક યુવાનને સમાધાન માટે બોલાવ્યા પછી ચાર શખ્સો દ્વારા હુમલો - At This Time

જામનગરમાં મોહનનગરના ઢાળિયા પાસે એક યુવાનને સમાધાન માટે બોલાવ્યા પછી ચાર શખ્સો દ્વારા હુમલો


જામનગર,તા.22 ઓગષ્ટ 2022,સોમવારજામનગરમાં મોહનનગર વિસ્તારમાં રહેતા એક યુવાનને સમાધાન માટે બોલાવ્યા પછી ચાર શખ્સોએ એક સંપ કરી ધોકાવી નાખ્યો હતો, અને ફ્રેક્ચર કરી નાખ્યાની તેમજ તલવાર છરી વડે પણ હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગતે એવી છે કે જામનગરમાં મોહનનગરના ઢાળિયા પાસે રહેતા સદ્દામ વલીભાઈ તાયાણી નામના ૨૫ વર્ષના સુમરા જ્ઞાતિના યુવાનને આજથી બે દિવસ પહેલા અલ્તાફ ઉર્ફે ટોપી સાથે ચા ની લારીએ સામું જોવા બાબતે બોલાચાલી થઈ હતી. જે બાબતનું મન દુઃખ ચાલતું હોવાથી ગઈકાલે અલ્તાફ વગેરેએ સદામને સમાધાન માટે બોલાવ્યો હતો.ત્યાં ફરીથી ઝઘડો થયો હતો, અને અલ્તાફ ઉર્ફે ટોપી દોસમામદ તાયાણી ઉપરાંત ઇમરાન ખેરાણી, મોહમ્મદ બાપુ યુસુફભાઈ સુમરા, અને જોન વાઘેર કે જેઓ બધા ગુલાબ નગર વિસ્તારમાં રહે છે, તેઓએ સદામ ઉપર હુમલો કરી દીધો હતો. પથ્થર અને લાકડી ના ઘા મારી તેને ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચાડી હતી, ઉપરાંત છરી વડે હુમલો કરી ઊંધા તલવારના ઘા પણ માર્યા હતા. જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે, અને તેના પગમાં ફ્રેક્ચર થયું છે. ઉપરાંત પાંચથી સાત ટાંકા પણ લેવા પડ્યા છે. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસે ચારેય આરોપીઓ સામે હુમલા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.