ટી-૨૦ લીગના વધતાં જતાં પ્રભાવ છતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ લોકપ્રિય જ રહેશે
અમદાવાદ,રવિવારઈન્ડિયન પ્રીમિયર
લીગ, યુએઇ ટ્વેન્ટી૨૦ લીગ, સાઉથ આફ્રિકા ટ્વેન્ટી૨૦ લીગ જેવી ફ્રેન્ચાઇઝી આધારીત લીગ
ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રભાવ ભલે વધી રહ્યો હોય પરંતુ તેનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની
લોકપ્રિયતા ઉપર કોઇ જ અસર નહીં પડે તેવો શ્રીલંકાના લેજન્ડ બેટ્સમેન-પૂર્વ કેપ્ટન સનથ
જયસૂર્યાએ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. શ્રીલંકન ટૂરિઝમના
પ્રમોશન માટે સનથ જયસૂર્યા અમદાવાદના અતિથિ બનેલા છે. શ્રીલંકા માટે ૫૮૬ આંતરરાષ્ટ્રીય
મેચમાં રમી ચૂકેલા સનથ જયસૂર્યાએ 'ગુજરાત સમાચાર'
સાથેની વિશેષ મુલાકાતમાં જણાવ્યું કે, 'ક્રિકેટમાં લીગ ટુર્નામેન્ટનો વધતો પ્રભાવ સહેજપણ
ચિંતાનો વિષય નથી. જે પણ ક્રિકેટ બોર્ડ તેમના ક્રિકેટરને આ લીગ ટુર્નામેન્ટમાં રમાડવા
માગતું નથી તે તેમને નો ઓબ્જેશક્સન સર્ટિફિકેટ નહીં આપે. લીગ ટુર્નામેન્ટથી ટેસ્ટ અને
વન-ડેની લોકપ્રિયતા ઉપર અસર પડે તેની સંભાવના નહિવત્ છે. ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટની
જે લોકપ્રિયતા ભૂતકાળમાં હતી અને તેવી જ આવનારા ભવિષ્યમાં પણ રહેશે તેવો મને પૂરો વિશ્વાસ
છે. 'વિરાટ કોહલી છેલ્લા
૧ હજાર દિવસથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એકપણ સદી ફટકારી શક્યો નથી અને તેનું ફોર્મ
ભારતીય ચાહકો માટે માથાનો દુઃખાવો બન્યું છે. આ અંગે જયસૂર્યાએ જણાવ્યું કે, 'માત્ર
કોહલી જ નહીં દરેક ખેલાડીને તેની કારકિર્દીમાં આ પ્રકારના નબળા તબક્કામાંથી પસાર થવું
પડતું હોય છે. કોહલી વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છે અને ટૂંક સમયમાં સદીના દુષ્કાળનો અંત
લાવશે તેવો આશાવાદ છે. આ નબળા તબક્કા છતાં તેણે પોતાની નૈસર્ગિક રમત ભૂલવી જોઇએ નહીં
તેવી મારે તેને સલાહ છે. ' ૨૭ ઓગસ્ટથી શરૃ થતો એશિયા કપ રસપ્રદ રહેશે તેમ જણાવતા શ્રીલંકાના
પૂર્વ સ્ટાર બેટ્સમેને ઉમેર્યું કે, 'ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગલાદેશ
ચારેય ટીમ સંતુલિત છે અને કોઇ પણ એક ટીમને આ વખતે ચેમ્પિયન બનવા માટે ફેવરિટ નહીં ગણી
શકાય. ' તાજેતરમાં શ્રીલંકન ટૂરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમાયેલા
જયસૂર્યાએ ૫૩ વર્ષીય જયસૂર્યાએ ૧૯૮૯થી ૨૦૧૧ દરમિયાનની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૨૧૦૩૨
રન કરવા ઉપરાંત ૪૪૦ વિકેટ ખેરવી હતી. પોતાની કારકિર્દીમાં કયા બોલર સામે રમવું સૌથી
વધુ મુશ્કેલ લાગ્યું તેના પ્રતિઉત્તરમાં જયસૂર્યાએ જણાવ્યું કે, 'ભારતમાંથી અનિલ કુંબલે
સામે રમતી વખતે ખૂબ જ સાવધ રહેવું પડતું. આ સિવાય વસિમ અકરમ, ગ્લેન મેકગ્રા અને શેન
વોર્ન એવા બોલર જેની સામે રમવામાં ખૂબ જ તકેદારી રાખવી પડતી. ' ૯૦ના દાયકામાં
જયસૂર્યા બોલરો માટે ખોફનું બીજું નામ હતો
: જયસૂર્યાએ કુલ
૫૮૬ આંતરરાષ્ટ્રીય મેચમાં ૨૧૦૩૨ રન કરવા ઉપરાંત ૪૪૦ વિકેટ ખેરવી હતી.
: ભારત સામે ૧૦૩
આંતરરાષ્ટ્રીય મેચમાં ૩૯૨૭ રન કર્યા હતા, જેમાં એક ત્રેવડી સદી સહિત કુલ ૧૦ સદીનો સમાવેશ
થાય છે.
: અમદાવાદમાં
૩ મેચમાં માત્ર ૨૦ રન કરી શક્યો છે અને બે વિકેટ ખેરવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.