ગલુડિયાને લાકડીથી માર મારી મોતને ઘાટ ઉતારતા જીવદયા પ્રેમીઓમાં રોષ
અમદાવાદ,રવિવારઅમરાઇવાડી વિસ્તારમાં જોગેશ્વરી રોડ ઉપર આવેલી રામાપીરની ચાલીમાં શ્વાન (ગલુંડિયા)ને લાકડીથી માર મારવામાં આવ્યો હતો જેના કારણે એક ગલુડીયું ગંભીર રીતે ઘાયલ થતાં તેને પગે અપંગ થયું હતું. જ્યારે એક ગલુંડિયું મોતને ભેટયું હતું. આ બનાવથી જીવદયા પ્રેમીઓમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો. અમરાઇવાડી પોલીસે બે મહિલા સહિત ત્રણ વ્યકિત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.રામાપીરની ચાલીમાં ક્રૂરતા પૂર્વક માર મારતા એક ગલુડિયુ અપંગ થયું અને બીજુ મૃત્યું પામ્યું આ કેસની વિગત એવી છે કે પાલડી શાંતિવન ખાતે અંકુર ફ્લેટમાં રહેતા અને પાલડી શાંતિવન પાસેની મોતી સાગર સોસોેયટીમા નમસ્તે ફાઉન્ડેશન નામની પ્રાણીઓને વેલફેર સંસ્થા ધરાવતા દિપાબહેન રમેશભાઇ જોષીએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં અમરાઇવાડીમાં જોગેશ્વરી રોડ ઉપર ભીખાભાઇની ચાલીમાં રહેતા દિપાબહેન મનોજભાઇ પ્રજાપતિ અને ચિરાગભાઇ જગદીશભાઇ પરમાર તેમજ રામાપીરની ચાલીમાં રહેતા મંજુબહેન કનૈયાલાલ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સવારે તેઓને રામાપીરની ચાલીમાં રહેતા ચિંતલબહેન શંકરભાઇ વાઘેલાએ ફોન કરીને જાણ કરી હતી.રામાપીરની ચાલીમાં રહેતા લોકો અવાર નવાર શ્વાન ગલુડીયાને લાકડીઓથી માર મારે છે, આ ફરિયાદના આધારે તેમની સંસ્થાની ટીમ ત્યાં સ્થળ પર પહોચી હતી અને તપાસ કરતા એક ગલુડિયાને પગે લાકડી મારવાના કારણે ઇજા થયેલી હતી અને તે અપંગ થયું હતું. જ્યારે એક ગલુડિયું મરણ પામેલું હતું. જેથી ત્રણ લોકો શ્વાનને માર મારીને ત્રાસ ગુજારતા હોવાથી તેમની સામે ફરિયાદ કરી હતી આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી પુરાવા એકઠા કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.