સુરેન્દ્રનગરમાં સાત કરોડના ખર્ચે બનેલા અન્ડરબ્રિજમાં 15 દિવસથી પાણી ભરાયા - At This Time

સુરેન્દ્રનગરમાં સાત કરોડના ખર્ચે બનેલા અન્ડરબ્રિજમાં 15 દિવસથી પાણી ભરાયા


- શહેરના રેસ્ટ હાઉસથી અલંકાર તરફ જવા માટે બનતો અન્ડરબ્રીજ - અંસારી ઈલેકટ્રોલ કંપની દ્વારા થઇ રહેલુ કામમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા : અન્ડર બ્રિજની હાલત સ્વીમીંગ પુલ જેવી બની ગઈ  સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે રેસ્ટ હાઉસથી અલંકાર ટોકિઝ તરફ જવા માટે રૂા.૭ કરોડથી વધુના ખર્ચે અન્ડર બ્રીજ બની રહ્યો છે. પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષીકા એ છે કે, લોકોની સમસ્યા દૂર કરવા માટે બની રહેલો અન્ડર બ્રીજ ખુદ સમસ્યા બની ગયો છે. છેલ્લા પંદરેક દિવસથી નાળામાં વરસાદી પાણી ભરાઈ જતા અન્ડર બ્રીજ સ્વીમીંગ પુલ બની ગયો છે. સુરેન્દ્રનગરવાસીઓની ટ્રાફિકની સમસ્યા હળવી થાય, સી.જે.હોસ્પીટલ રોડથી સીધા અલંકાર ટોકિઝ રોડ તરફ લોકો વાહનો સાથે આસાનીથી જઈ શકે તે માટે રૂા.૭ કરોડથી વધુના ખર્ચે રેલ્વે અન્ડર બ્રીજ બની રહ્યો છે. રેસ્ટ હાઉસથી અલંકાર સુધીનાં આ અન્ડર બ્રીજનું કામ અંસારી ઈલેકટ્રોલ કંપનીને સોંપવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગર નગરપાલિકાને આ અન્ડર બ્રીજની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને રેલ્વે તંત્રની દેખરેખ હેઠળ અન્ડર બ્રીજનું કામ થઈ રહ્યું છે. હાલમાં આ અન્ડર બ્રીજમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. છેલ્લા પંદરેક દિવસથી પાણી ભરાતા લોકો તેમાં ધુબાકા મારતા પણ જોવા મળે છે. લોકાર્પણ થાય તે પહેલા જ આવી સ્થિતી છે તો પછી શું હાલ થશે. તે સવાલ સર્જાયો છે. શહેરનાં હેન્ડલુમ ચોક પાસે આવેલા અન્ડર બ્રીજમાં પહેલા વરસાદી પાણી ભરાઈ જતા અવાર-નવાર વાહન વ્યવહાર ઠપ્પ થઈ જતો હતો.નગરપાલિકા તંત્ર દ્વારા વરસાદી પાણીનાં નિકાલની વ્યવસ્થા કરવામાં આવતા હવે પણી ભરાતું નથી પરંતુ નવા બની રહેલા અલંકાર વાળા અન્ડર બ્રીજમાં વરસાદી પાણીનાં નિકાલની વ્યવસ્થા હજુ સુધી કરવામાં આવી નથી. પરિણામે લોકાર્પણ થાય તે પહેલા જ અન્ડર બ્રીજમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે. આ બ્રીજની કામગીરીની દેખરેખ કરતા એન્જિનિયર વિવેકાનંદજીના જણાવ્યા મુજબ પાણીના નીકાલ માટે હજી સંપ બનાવવાનો બાકી છે.. ત્યારે સવાલ એ ઉઠે છે કે, અન્ડર બ્રીજનું મોટા ભાગનું કામ પૂર્ણ થવાના આરે છે. તેમ છતાં પહેલેથી જ સં૫ કેમ બનાવવામાં આવ્યો નથી.  જી.ઈ.બી.ને કારણે હાલમાં અન્ડરબ્રિજની કામગીરી ઠપ્પ  સુરેન્દ્રનગરવાસીઓની ટ્રાફીકની સમસ્યા હળવી કરવા રેસ્ટહાઉસથી અલંકાર તરફ અન્ડરબ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. પરંતુ કેટલાક દિવસોથી કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. આ કામની દેખરેખ સંભાળતા એન્જિનિયર વિવેકાનંદજીના જણાવ્યા મુજબ પ.ગુ. વિજકંપની દ્વારા બ્રિજની વચ્ચે આવતા વિજપોલ હટાવવામાં આવતા ન હોવાથી હાલમાં કામગીરી બંધ છે. લોકાર્પણ થાય તે પહેલા જ આ બ્રિજની કામગીરીમાં એક પછી એક વિઘ્નો આવી રહ્યા હોવાનું મનાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.