સુરત પાલિકાના રાંદેર ઝોને પાલનપોર ફુડ ઝોનની આસપાસથી આક્રમક રીતે દબાણ દૂર કરી દીધા
ફુડ ઝોન સામેથી દબાણ દુર કરાયા પણ તેનાથી અડધો થી એક કિલોમીટર દુર લારીઓના દબાણ દુર કરવામાં પાલિકાના હાથ ધ્રુજે છેસુરત, તા. 21 ઓગસ્ટ 2022 રવિવારસુરત મ્યુનિ.ના રાંદેર ઝોનમાં પાલનપોર ફુડ ઝોનની આસપાસથી લારીઓના દબાણ ઝોન દ્વારા આક્રમક રીતે ઝુંબેશ કરીને દબાણ દુર કરી દેવામા આવ્યા છે. ફુડ ઝોનની આસપાસના દબાણ એક પણ દેખાતા નથી પરંતુ આ પોઈન્ટની આસપાસના એક કિલોમીટરની આસપાસના વિસ્તારમાં દબાણ યથાવત જોવા મળે છે. એક જ પોઈન્ટ પરથી દબાણ દુર કરવાની કામગીરી થતાં સ્થાનિકો એવો આક્ષેપ કરી રહ્યા છે કે પાલિકાએ ફુડ ઝોન માટે જ દબાણ દુર કરવાની કામગીરી કરી છે. સુરત મ્યુનિ.ના રાંદેર ઝોનમાં પાલનપોર કેનાલ રોડ પરથી એક પ્લોટમાં ફુડ ઝોન બનાવવામાં આવ્યો છે. આ ફુડ ઝોન હતો તે પહેલાં જાહેર રસ્તા પર લારીઓ ઉભી રહેતી હતી. પરંતુ ફુડ ઝોન બન્યા બાદ પાલિકાના રાંદેર ઝોને આ વિસ્તારમાંથી દબાણ દુર કરવાની કામગીરી આક્રમક બનાવી દીધી હતી. જેના કારણે સાઈ તિર્થ ચાર રસ્તા પરની લારીઓ રસ્તા પર મુકવાનું બંધ થઈ ગયું અને મોટા ભાગની લારીઓ ફુડ ઝોન માં જતી રહી છે. રાંદેર ઝોનની દબાણ દુર કરવાની કામગીરી માત્ર આ સાઈ તિર્થ પર જ આક્રમક છે પરંતુ તેનાથી અડધો કિલોમીટર દુર આવેલા નવી એલ.પી. સવાણી સ્કૂલ કે કેનાલ રોડ પર પાલનપોર જકાતનાકા તરફ જતાં રસ્તા પર ઝીરો છે. આ વિસ્તારમાંથી પાલિકાએ લારીના દબાણ દુર કરવામાં તસ્દી લીધી ન હોવાથી લારીઓના દબાણનું જંગલ આ વિસ્તારમા જોવા મળે છે. આ વિસ્તારમાં પણ દબાણની ફરિયાદ વધી રહી છે પરંતુ આ વિસ્તારમાં માત્ર દેખાડા પુરતી કામગીરી કરવામાં આવે છે જ્યારે ફુડ ઝોનની આસપાસ લારી દેખાઈ એટલે પાલિકા તંત્ર આક્રમક રીતે તુટી પડે છે. આમ એક જ વિસ્તારમાં દબાણ દુર કરવાની કામગીરી માટે પાલિાકના બે અલગ માપદંડ હોવાથી પાલિકાએ ફુડ ઝોનને ફાયદો પહોંચાડવા માટે દબાણ દુર કરવાની કામગીરી એક જગ્યાએ કરી અને અન્ય જગ્યાથી દબાણ આક્રમક રીતે દુર કરવામાં આવતા નથી. નવી એલ.પી. સવાણી સ્કુલના ચાર રસ્તા પર દબાણ વધી રહ્યાં છે અને લોકોને વાહન ચલાવાવની મુશ્કેલી પડે છે ત્યાં તંત્ર દબાણ દુર કરતું નથી અને ફુડ ઝોનની આસપાસથી જ દબાણ દુર કરતી હોવાથી ફુડ ઝોનને ફાયદો પહોંચાડવા પાલિકા તંત્ર દબાણ દુર કરતું હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.