આયાતકારે બે કરોડથી ઓછી ડયૂટી ચોરી કરી હશે તો ધરપકડ નહિ કરાય - At This Time

આયાતકારે બે કરોડથી ઓછી ડયૂટી ચોરી કરી હશે તો ધરપકડ નહિ કરાય


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવારસેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સે અનધિકૃત આયાત કરવાના કેસોમાં આયાતી વસ્તુનું મૂલ્ય રૃા. ૨ કરોડથી ઓછું હોય અને ડયૂટી-વેરાની ચોરી પણ રૃા. ૨ કરોડથી ઓછી હોય તેવા  કેસોમાં ધરપકડ કરવાની રહેશે નહિ. તેમ જ તેમને જામીન પણ આપી દેવાના રહેશે. પહેલા પહેલા કસ્ટમ્સ ડયૂટીની ચોરી રૃા. ૧ કરોડથી વધુની હોય કે ગેરકાયદેસર રીતે એક કરોડ રૃપિયાથી વધુ મૂલ્યની ડ્રો બેક સહિતના લાભ લીધા હોય તેવા કેસમાં જ ધરપકડ કરવામાં આવતી હતી. હવે આ મર્યાદા વધારીને રૃા. ૨ કરોડ કરી દેવામાં આવી છે. સોળમી ઓગસ્ટ ૨૦૨૨થી નવો પરિપત્ર લાગુ કરી દેવામાં આવ્યો છે. સીબીઆઈસીના સુરજ કુમાર ગુપ્તાની સહી સાથે ૧૬મી ઓગસ્ટે કરવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે કસ્ટમ્સ એક્ટ ૧૯૬૨ની કલમ ૧૨૩માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ જાણીબૂઝીને આયાત કરેલી ચીજવસ્તુ કે માલ અંગે ખોટી માહિતી આપી હોય કે છુપાવીને આયાત કરવામાં આવ્યો હોય કે પછી તે પ્રતિબંધિત વસ્તુ હોય અને તેનું બજાર મૂલ્ય રૃા. ૨ કરોડ કે તેનાથી વધુ હોય તો જ તે કેસમાં ધરપકડ કરવાની રહેશે. આ જ રીતે ફ્રોડ કરીને ચીજવસ્તુ આયાત કરાતી હોય તેવા કિસ્સામાં પણ રૃા. ૨ કરોડથી વધુના મૂલ્યની ડયૂટીની ચોરી હશે તો જ ધરપકડ કરવામાં આવશે. બીજા શબ્દોમાં કહીએ તો તેનાથી ઓછા મૂલ્યની ડયૂટી ચોરી માટે ધરપકડ કરવાની રહેશે નહિ. આ જ રીતે આયાતી માલને ગેરકાયદેસર રીતે માફી પાત્ર માલ તરીકે ખપાવીને રૃા. ૨ કરોડથી વધુની ડયૂટીની ચોરી કરી હશે તેવા કેસમાં જ જવાબદાર વ્યક્તિની ધરપકડ કરી શકાશે. માફીપાત્ર આયાતી માલ તરીકે દર્શાવીને ડયુટી ડ્રો બેકનું ઇન્સ્ટ્રુમેન્ટ લીધું હોય તેવા કેસમાં પણ રૃા. ૨ કરોડથી વધુરકમની ગરબડ હોય તો જ સંબંધિત વ્યક્તિ કે આયાતકારની ધરપકડ કરી શકાશે. આ જ રીતે જે વસ્તુની આયાત કરવાની મનાઈ ફરમાવવામાં આવી હોય તેવા કેસમાં તે વસ્તુની આયાત કરવામાં આવી હોય તો તે માલની કિંમત રૃા. ૨૦ લાખથી વધુની હોય તો આયાતકારની ધરપકડ કરાતી હતી તે મર્યાદા વધારીને ૫૦ લાખની કરી દેવામાં આવી છે. ટ્રાન્સફર ઓફ રેસિડન્સના નિયમો હેઠળ લોકો ઊંચા મૂલ્યની વસ્તુઓની ગેરકાયદેસર આયાત કરી લેતા હોવાથી આ પગલું લેવામાં આવ્યું છે. આ જ રીતે કિંમતી ધાતુની આયાત કરનારે પણ રૃા. ૫૦ લાખથી વધુના મૂલ્યની આયાત કરી હશે તો જ તેની ધરપકડ કરવામાં આવશે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.