ચાર હજાર લિટર ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું, ગાંધીનગર જતું હતું - At This Time

ચાર હજાર લિટર ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું, ગાંધીનગર જતું હતું


- વંથલી પંથકના ટેન્કર ચાલક સહિત બેની પૂછપરછ- ખાનગી લેબોરેટરીમાં દૂધમાં વેજીટેબલ તેલ, ગ્લુકોઝ, ફોસ્ફેટ, કાર્બોનેટ અને સલ્ફેટની વધુ માત્રા મળીરાજકોટ : દુધ જેવી જીવન જરૂરીયાતની વસ્તુમાં ભેળસેળ કરી જનઆરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવાનું કારસ્તાન બહાર આવ્યું છે. ગ્રીન લેન્ડ ચોકડી પાસેથી પોલીસે ૪ હજાર લીટર ભેળસેળ યુક્ત દુધ સાથે બે શખ્સોની અટકાયત કરી છે. લેબોરેટરીના રીપોર્ટ આવ્યા બાદ બન્ને સામે ગુનો નોંધી ધરપકડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે. ઝોન-૧ના એલસીબીના પીએસઆઈ આર.એચ. કોડીયાતરે મળેલી ચોક્કસ બાતમીના આધારે ગ્રીન લેન્ડ ચોકડી પાસેથી પસાર થયેલ ટેન્કરને અટકાવ્યું હતું. જેમાંથી ૪ હજાર લીટર દુધ મળી આવ્યું હતું. આ દુધનું ખાનગી લેબોરેટરીમાં પરીક્ષણ કરાવતા તેમાં વેજીટેબલ તેલ, ગ્લુકોઝ, ફોસ્ફેટ, કાર્બોનેટ અને સલ્ફેટની વધુ માત્રા મળી આવી હતી. હવે સરકારી લેબોરેટરીમાં દુધના નમુના મોકલી દેવામાં આવ્યા છે. જેનો રીપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ટેન્કર સાથે સાજણ લાખાભાઈ કરમટા (રહે.ધણફુલીયા ગામ, તા.વંથલી) ઉપરાંત જીગર માલદેભાઈ ગમારા (રહે.ઝાપોદર ગામ, તા.વંથલી) મળી આવ્યા હતા. આ બન્નેએ પુછપરછમાં જણાવ્યું કે વંથલીથી દુધનો જથ્થો લઈ ગાંધીનગરના દહેગામ આપવા જતા હતા.પોલીસને જાણવા મળ્યું કે દેહગામમાં આરોગ્યને હાનીકારક આ ભેળસેળ યુક્ત દુધનું છુટક વેચાણ થતું હતું. સાથો સાથ તેમાંથી મિઠાઈ, માવો, પનીર વગેરે પણ બનાવાતું હતું. બન્ને શખ્સોએ છેલ્લા ચાર માસથી આ કારસ્તાન કરતા હોવાનું પોલીસને કહ્યું છે. પોલીસે હાલ બી-ડિવિઝન પોલીસમાં જાણવા જોગ નોંધ કરાવી છે. ટેન્કર અને દુધનો જથ્થો વગેરે મળી કુલ રૂા.૬.૮૦ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.