જોરાવરનગરમાં ભાડુઆતે છરીના ઘા ઝીંકી મકાન માલિકની પત્નીને રહેંસી નાખી
- તહેવારનાં દિવસોમાં લોહીયાળ બનાવ બનતા ચકચાર - બન્ને વચ્ચે ભાડા બાબતે ચાલતી તકરાર અને ઝઘડો હત્યામાં પરિણમ્યો : ઇજાગ્રસ્ત મકાન માલિકને પણ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા, આરોપી ભાડુઆત શખ્સ નાસી ગયોસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરનાં જોરાવરનગરમાં શિતળા સાતમનાં દિવસે ભાડુઆતે મકાન માલિકની પત્નીની છરીનાં ઘા મારી રહેંસી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સાતમ-આઠમના તહેવારમાં જ લોહીયાળ બનાવ બનતા અરેરાટીનો માહોલ વ્યાપી ગયો છે. જાણવા મળતી વધુ વિગત એવી છેકે, જોરાવરનગરની મેઈન બજારમાં આવેલી ગલીમાં રહેતા હરસિધ્ધભાઈ કુમકુમભાઈ પરમારના મકાનમાં અનીલ કુબેરભાઈ ચૌહાણ ભાડુઆત તરીકે રહેતો હતો. મકાન માલિક અને ભાડુઆત વચ્ચે ભાડા બાબતે તકરાર ચાલતી હતી. ભાડુઆત અનીલ ચૌહાણ કેટલાક સમયથી ભાડુ આપતો ન હતો. તેના કારણે બન્ને વચ્ચે બોલાચાલી અને ઝઘડા થતા હતા. શિતળા સાતમનાં દિવસે બોલાચાલી દરમ્યાન ઉશ્કેરાઈ ગયેલા ભાડુઆત અનીલ ચૌહાણે મકાન માલિક હરસિધ્ધભાઈ અને તેમના પત્ની જ્યોતિબેન ઉપર છરીથી હુમલો કર્યો હતો. જેમાં જ્યોતિબેનના પેટ અને પડખામાં છરીનાં ઉંડા ઘા વાગતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. જ્યારે પતિ હરસિધ્ધભાઈને પગમાં એક ઘા અને છાતીના ભાગે એક ઘા માર્યો હોવાથી ગંભીર હાલતમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. મકાન માલિકની પત્નીની હત્યા કરવા ઉપરાંત પતિ ઉપર જીવલેણ હુમલો કર્યા બાદ ભાડુઆત અનિલ ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતા જોરાવરનગર પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. સાતમ આઠમનાં તહેવાર ઉપર જ હત્યાનો બનાવ બનતા લોકોમાં ચર્ચા સાથે ચકચાર ફેલાવા પામી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.