વડોદરા: યુવકની હત્યાના બનાવમાં બે સગીર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા
વડોદરા,તા.17 ઓગષ્ટ 2022,બુધવારવડોદરા શહેરના ડભોઇ રોડ પર સોમા તળાવ બ્રિજ નીચે ચાર દિવસ અગાઉ 10થી 12 લોકોના ટોળાએ હથિયારોના ઘા મારીને 23 વર્ષના નિતેશ રાજપૂતને રહેસી નાખ્યો હતો. જે અંગે વડોદરા રેલવે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન આ ગુનામાં સંડોવાયેલા બે સગીર સહિત પાંચ આરોપીઓને રેલવે પોલીસે ઝડપી પાડી સઘન પૂછપરછ હાથ ધરી છે. તાજેતરમાં સોમા તળાવ રેલવે ઓવરબ્રિજ નીચે અંગત અદાવતમાં છ થી વધુ શખ્સોએ નિતેશ રાજપૂત નામના યુવક ઉપર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ અંગે વડોદરા રેલવે પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ આરંભી હતી. દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ વડોદરા પશ્ચિમ રેલવે એલસીબી તથા સુરતના કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી આ હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. જેમાં અજય ઉર્ફે કુલ્લી માનીચંદ સરોજ ( દંતેશ્વર ) , અજય લવઝારી રાજભર ( સોમા તળાવ ) તેમજ ત્રણ કિશોરોનો સમાવેશ થાય છે. તદુપરાંત આ ગુનામાં સંડોવાયેલ અન્ય બે શખ્સો પોતાના વતન યુપી નાસી છૂટવા માટે બરોલી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા તે સમયે ચોક્કસ માહિતીના આધારે મહારાષ્ટ્રના ભુસાવલ રેલવે સ્ટેશન ખાતેથી તેઓને ઝડપી હતા. જેમાં ધીરજકુમાર બનવારીલાલ સરોજ ( રહે - સોમા તળાવ / મૂળ રહે - ઉત્તર પ્રદેશ ) અને એક કિશોરનો સમાવેશ થાય છે. આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે હત્યા ગુનામાં સંડોવાયેલ અજય સરોજની અગાઉ મારામારી તથા જુગારના ગુનામાં ધરપકડ થઈ હતી. તેમજ અજય રાજભર સામે જુગારધારાનો ગુનો નોંધાયો છે. જ્યારે ધીરજ સરોજ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.