પોલીસના દરોડા : એક મહિલા સહિત પાંચ બુટલેગરોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા, બે વોન્ટેડ - At This Time

પોલીસના દરોડા : એક મહિલા સહિત પાંચ બુટલેગરોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા, બે વોન્ટેડ


વડોદરા,તા.16 ઓગષ્ટ 2022,મંગળવારગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ ખોટા દાવાઓ પોકળ હોવાનું સાબિત કરે છે. સાથે રાજ્યમાં પ્રતિદિન પોલીસ મથકે નોંધાતા પ્રોહિબિશનના ગુના કાયદાની ઢીલી અસરકારકતા દર્શાવે છે. તેવામાં વડોદરા પોલીસે વીતેલા 24 કલાક દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચાર દરોડા પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલા સહિત પાંચ બુટલેગરોને ઝડપી પાડી અન્ય બે શખ્સને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માહિતીનુસાર જવાહર નગર પોલીસ જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે, અનગઢ ગામે રહેતો ગોકળ ઉર્ફે ગોકો ગોહિલ જાદવ નગરમાં ભાડેથી રહેતા પોતાના સાગરીતો મનોજ ગોહિલ તથા કિરણ ગોહિલ મારફતે મનોજના ઘરમાં ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ કરે છે. જેના આધારે પોલીસે દરોડો પાડી ઉપરોકત ત્રણેય શખસોને ઝડપી પાડ્યા હતા. ઘરમાં તપાસ કરતા માળિયા ઉપરના થેલામાંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂની 05 નંગ બોટલો તથા બિયરના 06 નંગ ટીમ મળી 3,400નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની પ્રોહીબિશનના ગુનામાં અટકાયત કરી હતી.બીજા બનાવમાં ક્રાઈમ બ્રાન્ચ પોલીસ જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે, વાઘોડિયા ડભોઈ રોડ ખાતેની કમલદીપ સોસાયટીના મકાન નંબર બી 12 માં રહેતો સુનીલ કહાર મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જેના આધારે પોલીસે દરોડો પાડી સુનિલ કહહારને ઝડપી પાડ્યો હતો. ઘરની તલાશી લેતા રસોડામાંથી દારૂનો જથ્થો ભરેલા થેલા મળી આવ્યા હતા. આરોપીએ પોલીસની પ્રાથમિક પૂછતાછમાં દારૂનો જથ્થો નયન નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાની કબુલાત કરી હતી. દરોડા દરમિયાન પોલીસે  રૂ. 16,600 ની કિંમત ધરાવતી દારૂની 110 બોટલ તથા બિયરના 124 ટીન તેમજ મોબાઇલ ફોન સહિત કુલ રૂ.26600નો મુદ્દામાંલ કબજે કર્યો હતો. બનાવ સંદર્ભે પાણીગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.તેમજ સમા પોલીસ મથકના જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે, સંજયનગરમાં રહેતી ગજરા માળી પોતાના ઘરે ઇંગલિશ દારૂનું વેચાણ કરે છે. જેના આધારે પોલીસે દરોડો પાડી ગજરા માળીને ઝડપી પાડી હતી. મકાનની તલાશી લેતા કમ્પાઉન્ડમાં આવેલા લીમડાના ઝાડના થળની પાછળના ભાગે સંતાડેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન રૂપિયા 5,705ની કિંમત ધરાવતી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી 22 બોટલ, બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 11705નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આ દારૂનો જથ્થો તેના પતિ મહેશ માળી વેચાણ અર્થે લાવ્યો હોવાની કબુલાત કરતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે સૂર્યાસ્ત પછીનો સમય હોવાથી મહિલા બુટલેગરને સમજ આપી જે વહેલી સવારે પોલીસ મથકે હાજર રહેવા જણાવ્યું હતું. જ્યારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસના જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે, પદમલા ગામના માઢવાળું ફળીયા ખાતે રહેતો સુરેશ ઉર્ફે પૂનમ પઢીયાર પોતાના મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જેના આધારે પોલીસે દરોડો પાડી સુરેશ પઢીયારને ઝડપી પાડ્યો હતો. મકાનની તલાટી લેતા દારૂનો જથ્થો ભરેલા ત્રણ થેલા મળી આવ્યા હતા. પોલીસે રૂપિયા 26 200 ની કિંમત ધરાવતી વિવિધ બ્રાન્ડની દારૂની 154 બોટલો તેમજ મોબાઇલ ફોન સહિત રૂ.31200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આ દારૂનો જથ્થો આપનાર પદમલાના રાજન માળીને વોન્ટેડ જાહેર કર્યો હતો. બનાવ સંદર્ભે પાણીગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.