જાણો, ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આઝાદી મળી છતાં આ રજવાડુ કેમ ગુલામ રહયું હતું ? - At This Time

જાણો, ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આઝાદી મળી છતાં આ રજવાડુ કેમ ગુલામ રહયું હતું ?


અમદાવાદ,15 ઓગસ્ટ,2022,૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારતને આઝાદી મળી પરંતુ ગુજરાતનું જુનાગઢ ગુલામ રહી ગયું હતું.૮૦ ટકા હિંદુ વસ્તી ધરાવતા જુનાગઢ વિસ્તારના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત કરતા જુનાગઢ વાસીઓને જ નહી સમગ્ર દુનિયાને નવાઇ લાગી હતી.જુનાગઢ રાજયના શાસનમાં છેક સોમનાથના દરિયાકાંઠા સુધીનો વિસ્તાર સમાઇ જતો હોવાના કારણ જો આ પ્રદેશ પાકિસ્તાનમાં જોડાય તો ગુજરાતનું આવી બને તેમ હતું.કાઠિયાવાડના રાજાઓનું સંગઠન મજબુત બનાવવાનો ઢોંગ કરતા નવાબ મહોબ્બતખાન અંદરખાને મહંમદ અલી ઝીણાના સંપર્કમાં રહેતા હતા.તેમણે ૧૫ મી ઓગસ્ટ્ના રોજ દેશ આઝાદીની ખૂશીઓમાં ઝુમી રહયો હતો ત્યારે નવાબે સોનાની થાળીમાં લોઢાની મેખ મારતા જુનાગઢ વાસીઓમાં દુખની લાગણી ફરી વળી હતી.પાકિસ્તાન તો જાણે નવાબના આ નિણર્યની રાહ જોઇને બેઠું હોય એમ જુનાગઢમાં ઇસ્લામી ધ્વજ ફરકાવવાની ઉતાવળમાં જ હતું.જુનાગઢ નવાબને સમજાવવા માટે ઘણા પ્રયત્નો નિષ્ફળ જતા જામનગરના જામ સાહેબે ભારત સરકારને પગલા ભરવાની વાત કરી. છેવટે જુનાગઢ વિસ્તારની પ્રજાના સર્મથનથી સમાંતર સરકાર રચવા માટેની ગતિવિધીઓ તેજ કરવામાં આવી હતી.પચાવી પાડેલો નવાબનો બંગલો જુનાગઢ મુકિત માટેનું કેન્દ્ર બન્યો હતો.૨૫ મી સપ્ટેમ્બરના રોજ કનૈયાલાલ મુનશીએ જુનાગઢની પ્રજાની આઝાદીનું જાહેરનામું બહાર પાડીને મુંબઇમાં આરઝી હકુમત (સમાંતર સરકાર)ની જાહેરાત કરવી પડી.આરઝી હકુમત જુનાગઢની પ્રજા દ્વારા નવાબી શાસન સામે બાથ ભીંડવા માટેની એક ચળવળ હતી. શામળદાસ ગાંધીને જુનાગઢ રાજયના વડાપ્રધાન અને દુલર્ભજી ખેતાણીને નાયબ વડાપ્રધાન બનાવવામાં આવ્યા. આરઝી હકુમતે જયારે મુંબઇથી રાજકોટ પ્રયાણ કર્યું ત્યારે શામળદાસ ગાંધીને અમૃતલાલ શેઠે તલવાર અને ઉપક કોટ પર લહેરાવવા માટે તિરંગો આપ્યો હતો. ૩૦ સપ્ટેમ્બરના રોજ જુનાગઢના નવાબનો રાજકોટ ખાતેના બંગલાનો કબ્જો લેવા માટે રતુભાઇ અદાણીએ આગેવાની કરી હતી.બંગલો કબ્જો લઇને તેનું નામ આઝાદ જુનાગઢ ભવન આપવામાં આવ્યું અને આ જ બંગલો જુનાગઢ મુકિત માટેનું કેન્દ્ર બન્યો હતો. બીજી બાજુ ભારત સરકારે જુનાગઢને કોલસો,વીજળી પાણી જેવી તમામ મદદ બંધ કરતા જુનાગઢ નવાબના રાજયની તિજોરી તળિયા ઝાટક થઇ ગઇ. જુનાગઢની પ્રજાના અસહકારથી નવાબના નાકે દમ આવી ગયેલો જુનાગઢના દિવાને મહંમદ અલી ઝીણાને કાગળ લખ્યો કેે અહીં પ્રજાના અસહકારે નાકે દમ લાવી દિધો છે. બીજી બાજુ આરઝી હકુમતે જુસ્સામાં આવીને એક પછી એક ગામડાઓ કબ્જે કરવા માંડયા.૨૪ મી ઓકટોબર વિજયાદસમીના રોજ એક ગુપ્ત સ્થાને રેડિયો સ્ટેશન સ્થાપીને આઝાદ જુનાગઢ અંતર્ગત લોકોનો જુસ્સો વધારે તેવા બુલેટીન પ્રસારિત કરવામાં આવતા હતા.આજ દિવસે આરઝી હુકમતે ૧૧ ગામો પર કબ્જો મેળવીને પાકિસ્તાન તરફી શાસન પાસેથી આંચકી લીધા હતા. પરિસ્થિતિ પાંમી ગયેલા જુનાગઢના નવાબ કેશોદથી ફરવા જવાના બહાને રાતોરાત પાકિસ્તાન ભાગી ગયા.જો કે તેમના ભાગી જવા પછી પણ જુનાગઢને આઝાદ કરાવવાની લડાઇ આરઝી હકુમતે ચાલું રાખી હતી.કારણ કે નવાબના દિવાન અને સ્વ બેનઝીર ભુટ્ટોના દાદા શાહનવાઝે જુનાગઢ છોડયું ન હતું.આરઝી હકુમતે જે રીતે સ્વતંત્રતાનો મોરચો માંડયો હતો તેનાથી નવાબનું પણ મનોબળ તુટી ગયું ૯ મી નવેમ્બરના રોજ જુનાગઢનું પાક્સ્તિાન સાથેનું જોડાણ રદ કરી દિવાન પણ પાકિસ્તાન જવા રવાના થઇ ગયા હતા.૨૪ ફેબુ્આરી ૧૯૪૮ના રોજ જનમત (રેફરન્ડમ)લેવામાં આવ્યો જેમાં પ્રજાએ પ્રચંડ જુસ્સાથી ભારતમાં રહેવાની તરફદારી કરી હતી.           


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.