અરવલ્લી ખાતે મુખ્યમંત્રીએ NFSA કાર્ડધારકોને લાભ સહિતની અનેક જાહેરાતો કરી - At This Time

અરવલ્લી ખાતે મુખ્યમંત્રીએ NFSA કાર્ડધારકોને લાભ સહિતની અનેક જાહેરાતો કરી


- રાજ્યના 50 બસ મથકો ખાતે નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ATM મુકવામાં આવશેમોડાસા, તા. 15 ઓગષ્ટ 2022, સોમવારગુજરાતમાં આ વર્ષે અરવલ્લીના મોડાસા ખાતે રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેસરી રંગની પાઘડીમાં સજ્જ થઈને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. અરવલ્લીમાં પ્રથમ વખત આ પ્રકારે રાજ્ય કક્ષા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે. તેમાં મુખ્યમંત્રી ઉપર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ સ્વાતંત્ર્ય દિવસના આ અવસર પર રાજ્યના નાગરિકોના લાભાર્થે કેટલીક મહત્વની જાહેરાતો કરી છે જે નીચે મુજબ છે...- રાજ્યના તમામ 250 તાલુકાના 71 લાખ NFSA કાર્ડધારકોને પ્રતિ માસ કાર્ડ દીઠ રાહત દરે 1 કિલો ચણા આપવામાં આવશે. અત્યારે માત્ર 50 વિકાસશીલ તાલુકાને લાભ મળે છે, તેનો વ્યાપ વધારાશે.  - રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવવા માટેના હાલના પાત્રતાના ધોરણોમાં વર્તમાન આવક મર્યાદા રૂપિયા 10,000/- પ્રતિ માસમાં વધારો કરીને રૂપિયા 15000/- કરવામાં આવશે. આ પણ વાંચોઃ રાજ્ય સરકારના કર્મીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો- રાજ્યમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે દ્વારકા, અંબાજી, સ્ટેચ્યુ ઓફ યુનિટિ જેવા આઇકોનિક રૂટ પર જીરો એર પોલ્યુશન ધરાવતી ઈલેક્ટ્રીક બસ સંચાલનમાં મુકાશે. - રાજ્યના નાગરિકોની પરિવહન સુવિધામાં વધારો કરવા આગામી સમયમાં રૂ. 367 કરોડના ખર્ચે નવી 1,200 BS-6 બસ સેવામાં મુકવામાં આવશે. - રાજ્યના 50 બસ મથકો ખાતે નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ATM મુકવામાં આવશે. - વર્લ્ડ બેંકની સહાયતાથી એનકોર પ્રોજેક્ટ અન્વયે ખંભાતના અખાતને મળતી નદીઓના એસ્ચ્યુરિઝના પાણીની ગુણવત્તા ચકાસણી, રિઅલ ટાઈમ કોસ્ટલ વોટર મોનિટરીંગ સિસ્ટમ જેવા આધુનિક સાધનોથી કરવામાં આવશે. - એકતાનગર-કેવડીયા કોલોની ખાતે ટ્રોમા સેન્ટરની સુવિધા ધરાવતી 50 બેડની જિલ્લા કક્ષાની નવી આધુનિક હોસ્પિટલ માટે ૩ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. વાંચો મુખ્યમંત્રીના સંબોધનના અંશોકાર્યક્રમ દરમિયાન મુખ્ય સચિવ પંકજકુમાર તથા પોલીસ મહાનિર્દેશક આશીષ ભાટીયા મુખ્યમંત્રીને ધ્વજવંદન તરફ દોરી ગયા હતા. જ્યાં તેમણે રાષ્ટ્રધ્વજ ફરકાવી તેને સલામી આપી હતી. બાદમાં મુખ્યમંત્રીએ ખુલી જીપમાં બેસી નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. મોડાસાના આંગણેથી રાજ્યના સૌ નાગરિકોને 76માં સ્વાતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ભારત દેશને વિદેશી શાસનમાંથી મુક્ત કરાવી આઝાદ લોકતાંત્રિક ભારતની સ્થાપના કરનાર વીર શહીદોને યાદ કરવાનો આજે દિવસ છે. ભારતની આઝાદીની સંઘર્ષ યાત્રા ખૂબ જ લાંબી છે. બ્રિટિશ હુકુમત સામે લગભગ 90 વર્ષ ચાલેલી આ લડત દેશ આખો એક બની લડ્યો હોવાનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, આઝાદીની લડાઈનું નેતૃત્વ ગુજરાતની ધરાના બે સપૂતો ગાંધીજી અને સરદાર સાહેબે લીધું હતું. સાથે-સાથે સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, અશફાક, ચંદ્રશેખર આઝાદ, લાલ-બાલ-પાલ, શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ કામા અને સરદારસિંહ રાણા જેવા ક્રાંતિકારીઓના સાહસે પણ બ્રિટિશ હુકુમતના ગઢમાં ગાબડા પાડ્યા હતાં. એટલું જ નહીં સરદાર સાહેબે આઝાદી બાદ ભારતને ભૌગોલિક રીતે એક કરવાનું મહાન કામ કર્યું. આઝાદીના 75 વર્ષ પછી આજે ભારત જ્યાં ઉભું છે, ભારતે જે પ્રગતિ કરી છે તેના પાયામાં આ સ્વતંત્ર વીરોનું બલિદાન જ છે, એમ તેમણે ઉમેર્યુ હતું.  મુખ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વીર સપૂતોના સાહસ, શૌર્યનું દેશવાસીઓને સતત સ્મરણ રહે એટલે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતાના 75માં વર્ષે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો કોલ આપ્યો છે. 12મી માર્ચ 2021થી- 15 ઓગસ્ટ 2023 સુધી 75 અઠવાડિયા લાંબો આ આઝાદીનો અમૃત મહોત્સવ તેમણે અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂ કરાવ્યો છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ઉજવાઇ રહેલા આઝાદીના અમૃત મહોત્સવે દેશભરમાં એક નવી ચેતના, નવી પ્રેરણા, નવા ઉમંગનો સંચાર કર્યો છે. મુખ્ય મંત્રીએ ‘હર ઘર તિરંગા’ અભિયાનનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, વડાપ્રધાનના આહવાનને  ઝીલી લઈને કરોડો ગુજરાતીઓએ હરઘર તિરંગા અભિયાનને સફળ બનાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપ આ દેશને મળી છે તે આપણું સૌભાગ્ય છે. નરેન્દ્ર મોદીના હૃદયમાં દેશના ગરીબ, વંચિત, નબળા વર્ગના લોકો માટે વિશેષ સ્થાન છે, એટલું જ નહી પણ વડાપ્રધાનની વિકાસ નીતિ, અને ગરીબોના કલ્યાણની નીતિ એમ દરેક નીતિએ મીઠા ફળ આપ્યા છે.  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે અભૂતપૂર્વ પ્રગતિ કરી, દેશના વિકાસમાં અનન્ય યોગદાન આપ્યું હોવાનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીએ જણવ્યું હતું કે, આજે ગુજરાત દેશનું મોડેલ સ્ટેટ બન્યું છે. તત્કાલિન સમયે તેમણે ચીંધેલા વિકાસના પથ ઉપર આજે ‘ટીમ ગુજરાત’ પ્રત્યેક ગુજરાતીના વિકાસ માટેની યાત્રા નિષ્ઠાપૂર્વક આગળ વધી રહી છે. ગુજરાત સરકારે નાનામાં નાના માનવી, ગરીબ, પીડિત, વંચિત, શોષિત તમામ વર્ગના લોકોની ચિંતા કરી છે. એટલું જ નહીં, લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે, સમસ્યાઓનું સમાધાન વેળાસર થાય એવી કાર્ય સંસ્કૃતિ ગુજરાતે વિકસાવી છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા ઉપરાંત ખેતી, ગ્રામીણ વિકાસ વંચિતોનો વિકાસ અને ઉદ્યોગોનો પણ વિકાસ એવા હોલિસ્ટીક ડેવલોપમેન્ટના ધ્યેયથી રાજ્ય સરકાર સેવારત હોવાનું જણાવી મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે, આરોગ્ય સુખાકારીને ગુજરાત સરકારે સમાજના વિકાસનો મુખ્ય આધાર બનાવી છે. છેલ્લા બે વર્ષથી પણ વધુ સમયગાળા સુધી કોરોના મહામારીએ સમસ્ત વિશ્વની પ્રગતિને ધમરોળી નાખી. પરંતુ ગુજરાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કોરોના સામેના જંગમાં જીત મેળવી છે. દસ કરોડ ઉપરાંત વેક્સિન ડોઝ આપીને ગુજરાત દેશભરમાં અગ્રેસર રહ્યું છે. એર એમ્બ્યુલન્સ શરૂ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.દર અઠવાડીયે શુક્રવારે આરોગ્ય દિવસ અંતર્ગત બિનચેપી રોગો અને બિમારીઓના સ્ક્રીનીંગથી સારવારનો નવતર અભિગમ અપનાવીને ત્રણ કરોડથી વધુ નાગરિકોને આ સેવામાં આવરી લીધા છે. આયુષ્યમાન ભારત-પીએમજેએવાય ‘મા’ યોજનામાં 1 કરોડ 45 લાખ લાભાર્થીઓને આવરી લીધા છે. રાજ્યના સાડાચાર લાખ જેટલાં નાગરિકોને ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડ આપવામાં આવ્યા છે. જરૂરીયાતમંદ ગ્રામીણ લોકોને આ યોજનાનો લાભ સરળતાએ મળે તે માટે તલાટી દ્વારા અપાતા આવકના દાખલા ત્રણ વર્ષ સુધી માન્ય રાખવાનો નિર્ણય પણ કર્યો છે. મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે, વાવણીથી વેચાણ સુધી  રાજ્ય સરકાર ધરતીપુત્રોની પડખે સતત એક પરીવારના સભ્યની જેમ ઊભી રહે છે. ખેડૂતોની જમીન વધુ ફળદ્રુપ બને અને રાસાયણિક ખાતરોથી જમીનને થતા નુકશાનને અટકાવવા નક્કર કાર્ય આરંભ્યું છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. ડાંગ જિલ્લાને 100 ટકા પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતના ખેડૂતને જો પૂરતું પાણી અને વીજળી મળે તો જગત આખાની ભૂખ ભાંગવાની એનામાં ક્ષમતા હોવાનું જણાવી મુખ્ય મંત્રીએ કહ્યું હતુ કે, સૌની યોજના, સૂજલામ-સૂફલામ યોજનાથી રાજ્યના ખૂણે-ખૂણે પીવાનું અને સિંચાઇનું પાણી પહોચાડ્યું છે. જળ સંચય માટે હાથ ધરેલા સૂજલામ સૂફલામ જળ સંચય અભિયાનથી 15 હજાર ઘન-ફુટ પાણી સંગ્રહ ક્ષમતા વધી છે. આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરના નિર્માણના આહવાનને ગુજરાતે ઝીલ્યુ છે. તેના પરિણામે રાજ્યમાં આજ સુધીમાં 663 અમૃત સરોવર પૂર્ણ થયા છે, એમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યના ખેડૂતોને પાણી સાથે વીજળી પણ પૂરતી મળે તે માટે ઊર્જા ક્ષેત્રે ક્રાંતિકારી કદમ ઉઠાવ્યા હોવાની જાણકારી આપી મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની ચારેય વીજ વિતરણ કંપનીઓને વીજ વ્યવસ્થાપન માટે એ ગ્રેડ મળ્યો છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે. એટલું જ નહી પરંતુ રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત અગ્રેસર છે. સૌર ઊર્જા નીતિ બનાવનાર ગુજરાત દેશનુ પ્રથમ રાજ્ય છે. સોલાર રૂફટોપના સ્થાપનમાં પણ ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. તેવી જ રીતે  સોલાર રૂફટોપ થકી વીજ ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. ભારતની કુલ રીન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતામાં ગુજરાત 13 ટકા હિસ્સો ધરાવે છે. ભારત રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે વિશ્વમાં ચોથા સ્થાને છે. ગુજરાતમાં છેલ્લા 6 વર્ષમાં રીન્યુએબલ એનર્જી ઊર્જા ઉત્પાદન ક્ષમતા 16 ગણી વધી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની સાથે સામાજીક સેવા ક્ષેત્રોમાં પણ રાજ્ય  સરકારે ઉડીને આંખે વળગે તેવો વિકાસ કર્યો છે. વડાપ્રધાને શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અભિયાનને ગુજરાતે વેગપૂર્વક આગળ ધપાવ્યું છે. આ વર્ષે શાળા પ્રવેશોત્સવમાં પહેલા ધોરણમાં પોણા છ લાખ બાળકો અને આંગણવાડીમાં અઢી લાખ ભૂલકાંઓનો પ્રવેશ કરાવ્યો છે. રાજ્યની શાળાઓમાં માળાખાકીય સગવડો અને શિક્ષણમાં ગુણાત્મક સુધારા માટે મિશન સ્કૂલ ઑફ એક્સેલેન્સ યોજનાનો સુદ્રઢ અમલ કરવામાં આવ્યો છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે 50 જ્ઞાન શક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ સામાજિક ભાગીદારીના ધોરણે શરુ કરી એક લાખ વિદ્યાર્થીઓને તૈયાર કરવાનું નક્કર આયોજન કરાયું છે.  મહિલાઓના સર્વાંગી વિકાસ માટે ગુજરાત અગ્રેસર હોવાનું મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે, સગર્ભા અને ધાત્રી માતા તથા બાળકને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે 'મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના' માટે 850 કરોડ રૂપિયા  ફાળવ્યા છે. રાજ્યની 11 લાખ ગંગાસ્વરૂપા બહેનોને પ્રતિમાસ અપાતી રૂ. 1,250ની આર્થિક સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા થાય છે. ઉજ્જવલા યોજના હેઠળ 5 લાખથી વધુ મહિલાઓને રાંધણગેસ કનેક્શન આપી ધુમાડામાંથી મુક્તિ આપાઈ છે. આવાસ એ માનવીની મુળ જરૂરિયાત છે ત્યારે, ગુજરાતના ગામે ગામમાં પાકા આવાસની સુવિધા મળતી થઈ છે. ગામડાના લગભગ તમામ ઘરોમાં શૌચાલયની વ્યવસ્થા રાજ્ય સરકારે નિર્માણ કરી છે. આજે ગુજરાતના તમામ ગામોમાં ઓપ્ટીકલ ફાઈબર નેટવર્કથી ડિજિટલ સેવાઓ સુલભ બની છે. એટલુ જ નહી પરંતુ  મહેસૂલી સેવાઓ સરળ અને ઝડપી બનાવી છે. વર્ષો પુરાણા 24 જેટલા વિવિધ મહેસૂલી કાયદાઓ નાબુદ કરીને નાગરિકોને પડતી મુશ્કેલી એક ઝાટકે દૂર કરવાનો નિર્ણય ગુજરાતે કર્યો છે. સિટિઝન સેન્ટ્રીક સેવાઓમાં ટેકનોલોજીના ઉપયોગથી ઇઝ ઓફ લિવિંગ વધાર્યું છે. સાથો સાથ ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને પણ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસથી સાકાર કર્યું છે. પારદર્શક નીતિ, સાફ નિયત અને સ્પષ્ટ લક્ષ્યના કારણે ગુજરાત દેશમાં સૌથી વધુ વિદેશી મૂડીરોકાણ ધરાવતું રાજ્ય બનીને ઉભરી આવ્યું હોવાનુ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું. ગુજરાત શાંત અને સલામત રાજ્ય હોવાનું જણાવી મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે, ઉત્તમ આંતરમાળખાકીય સુવિધાઓ, ઉદ્યોગ ફ્રેન્ડલી ઇન્ડસ્ટ્રિયલ પોલીસી, કૌશલ્યવાન શ્રમિકો, વીજળીની ઉપલબ્ધિ વગેરેને કારણે ગુજરાત બેસ્ટ અને સસ્ટેનેબલ સુવિધા ધરાવતું રાજ્ય બન્યું છે. ગુજરાત દેશનું સિરામિક હબ, ડાયમંડ હબ, ફાર્માસ્યુટિકલ હબ, પેટ્રોકેમિકલ હબ, ટેક્સટાઇલ હબ, ઓટોમોબાઇલ અને ઇન્ડસ્ટ્રીયલ હબ છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ ટેક સિટી- ગિફ્ટ સિટી, ધોલેરા સ્માર્ટ સિટી, ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ, સૌથી પહેલો સોલાર પાર્ક, સૌથી મોટો રોપ વે વગેરે પણ સાકાર થયા છે. મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી, બાયોટેકનોલોજી અને આઇ.ટી. પોલિસી, ડ્રોન પોલિસી, હેરીટેજ ટુરિઝમ પોલિસી, ઇલેક્ટ્રીક વિહિકલ પોલિસી જેવી વિકાસલક્ષી નીતિઓ ઘડી પોલિસી ડ્રીવન સ્ટેટ બન્યું છે. ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ, એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ, ઇઝ ઓફ લોજિસ્ટિક- લીડ ઇન્ડેક્ષ, પીએમ ગતિ શક્તિ પ્લાન, સ્વચ્છતા અભિયાન, ઓ.ડી.એફ. રેન્કિંગ, સસ્ટેનેબલ ડેવલપમેંટ ગોલ ઇન્ડેક્સ, આવા અનેક માનાંકોમાં ગુજરાત ઘણા વર્ષોથી અવ્વલ સ્થાન મેળવી રહ્યું છે. દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર, બુલેટ ટ્રેન, ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર, હાઇબ્રીડ એનર્જી પાર્ક જેવા કંઈક મોટા વિકાસના નજરાણા દેશને આપવા માટે ગુજરાત પ્રતિબદ્ધ છે.  ગુજરાતમાં ઔદ્યોગિક ગતિ-પ્રગતિ સહિતના વિકાસને જે વેગ મળ્યો છે તેના મૂળમાં સુરક્ષા, સલામતિ અને શાંતિ હોવાનું જણાવી મુખ્ય મંત્રીએ  કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ રાજ્યમાં જન સલામતી અને માર્ગ સુરક્ષા માટે  CCTV કેમેરા આધારિત વ્યવસ્થા સ્થાપી હતી.  આજે રાજ્યના 34 જિલ્લા મથકો અને 6 પ્રવાસન સ્થળો સહિત 7 હજારથી વધુ CCTV Camera નું અભેદ નેટવર્ક ગુજરાતની જનતાની  સલામતી અને સુરક્ષા માટે સજ્જ છે.  “લાઈન નહિ, ઓન લાઈન” ના કાર્ય મંત્ર સાથે રાજ્યમાં e-FIR સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુડ ગવર્નન્સ ક્ષેત્રે ગુજરાત આજે રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયું છે એમ તેમણે ઉમેર્યું હતું. .મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, આ વૈશ્વિક વિકાસ યાત્રાના મૂળમાં નરેન્દ્ર મોદીનું છેલ્લા બે દાયકાથી ગુજરાતને સતત મળી રહેલું માર્ગદર્શન છે. છેલ્લા 20 વર્ષના  વિકાસમાં નરેન્દ્ર મોદીનો કઠિન પરિશ્રમ દેખાય છે. શાંત, સુરક્ષિત, પ્રગતિશીલ અને સલામત ગુજરાતમાં આ જ રીતે સુરક્ષા અને શાંતિના નવા શિખરો સર કરવા પ્રતિબધ્ધ થવા તેમણે હાકલ કરી હતી.  સર્વગ્રાહી વિકાસના નીતનવા કિર્તીમાન પ્રસ્થાપિત કરવા તથા સ્વતંત્રતાનું આ પર્વ સૌના દિલ-દિમાગમાં રાષ્ટ્રહિત સર્વોપરીનો ભાવ જગાવનાર બને એવો સંકલ્પ કરવા પણ અનુરોધ કર્યો હતો .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.